મધ્ય પૂર્વમાં ચાલી રહેલો તણાવ હવે ગંભીર વળાંક લઈ રહ્યો છે. રવિવારે (1 માર્ચ) અબુ ધાબીના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા જાયેદ પોર્ટ (Zayed Port) વિસ્તારમાં આકાશમાં કાળા ધુમાડાના ઘટ્ટ ગોટા જોવા મળ્યા હતા. આ ઘટનાએ સમગ્ર ખાડી દેશોમાં ફાળ પાડી દીધી છે.
શનિવારે અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાના જવાબમાં તેહરાને પ્રદેશમાં આવેલા અમેરિકાના સૈન્ય મથકોને નિશાન બનાવવાની ચીમકી આપી હતી. જોકે, ઈરાને હવે આક્રમક વલણ અપનાવતા માત્ર સૈન્ય મથકો જ નહીં, પરંતુ ખાડીના મુખ્ય શહેરોના નાગરિક અને વ્યાપારી વિસ્તારોને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.
સમગ્ર ખાડી ક્ષેત્રમાં હલચલ
રવિવારે થયેલા વળતા હુમલાઓની અસર માત્ર અબુ ધાબી પૂરતી મર્યાદિત નથી રહી:
દુબઈ અને દોહા: કતારની રાજધાની દોહા અને સંયુક્ત આરબ અમીરાતના બિઝનેસ હબ ગણાતા દુબઈમાં પણ પ્રચંડ વિસ્ફોટોના અવાજ સાંભળવા મળ્યા હતા.
ઓમાન: આ સંઘર્ષમાં અત્યાર સુધી શાંત રહેલા ઓમાન પર પણ પહેલીવાર હુમલો કરવામાં આવ્યો છે.
વ્યાપાર અને એવિએશન: આ હુમલાઓને કારણે પ્રદેશના મુખ્ય એવિએશન (વિમાન સેવા) અને વેપાર મથકો પર ભારે અસર પડી છે, જેનાથી વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.