ખંભાળિયાના યુવાનના ઘરમાં દંગલ મચાવતા પાંચ શખ્સો

  • August 04, 2023 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુના મનદુ:ખનો ખાર રાખીને પાઇપથી પ્રહાર કરી ધમકી દીધી

ખંભાળિયામાં આવેલા યોગેશ્વર નગર વિસ્તારમાં બાપા સીતારામની મઢુલી પાસે રહેતા રવિભાઈ રામભાઈ નંદાણીયા નામના ૨૮ વર્ષના યુવાનના ઘરમાં રાત્રિના આશરે ૧૧:૩૦ વાગ્યાના સમયે એક મોટરકારમાં બેસીને આવેલા લાલપુર તાલુકાના મોડપર ગામે રહેતા કેવલ લાખાભાઈ ખવા, જામનગરના યાદવ નગર ખાતે રહેતા જીતુ ભાટિયા તેમજ ત્રણ અજાણ્યા શખ્સોએ તેમના ઘરનો ડેલો ટપી અને તેમના રૂમમાં પ્રવેશ કર્યો હતો.
અહીં રહેલા ફરિયાદી રવિભાઈના માતાને આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા તેમજ લોખંડના પાઇપ વડે માર મારી અને ઘરમાં રહેલા ફ્રીજ, પંખો, મંદિર સહિતનો ઘરવખરીનો સામાન તોડી ફોડી અને વ્યાપક નુકસાની સર્જી હતી. આટલું જ નહીં, આરોપીઓએ જતા જતા જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
ફરિયાદી રવિભાઈના ભાઈ સાથે આરોપી કેવલ ખવાને બે વર્ષ પહેલાં ઝઘડો થયો હોય, જે બાબતના મનદુ:ખના કારણે ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું વધુમાં જાહેર થયું છે. આ બનાવ અંગે પોલીસે ત્રણ અજાણ્યા સહિત પાંચે શખ્સો સામે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૪૨૭, ૪૫૨, ૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
**
ધ્રોલ પીજીવીસીએલની કચેરીના નાયબ ઇજનેરને ધમકી: નાની લાખાણી ગામના શખ્સ સામે ફરિયાદ
જામનગર તાલુકાના નાની લાખાણી ગામમાં રહેતા એક શખ્સે ધ્રોલ પીજીવીસીએલની કચેરીના નાયબ  ઈજનેરને ધાક ધમકી આપી ફરજમાં રુકાવટ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. પંચકોશી-એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ વધુ તપાસ ચલાવે છે.
જોડીયામાં રહેતા અને ધ્રોલ પી.જી.વી.સી.એલ.ની કચેરીમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા વનરાજસિંહ હરેન્દ્રસિંહ જાડેજા નામના વીજ અધિકારીએ પોતાને ધાક ધમકી આપી ફરજમાં રૂકાવટ કરવા અંગે નાની લાખાણી ગામના વીરભદ્રસિંહ દાનુભા જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.
 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી સામે અગાઉ પણ ઇલેક્ટ્રીક પોલ ફેરવવા બાબતે ધાક ધમકી આપવા અંગેની ફરિયાદ નોંધાવી હતી દરમિયાન તેઓ ધ્રોળ ની કચેરીમાં પોતાની ફરજ ઉપર હતા દરમિયાન આરોપીએ જુનુ મન દુ:ખ રાખીને તેમજ ઈલેક્ટ્રીક પોલના કોટેશનના રૂપિયા ભર્યા વગર પોતાની વાડીની વિજ લાઇન ફેરવી આપવા માટે ધમકી આપવા અંગે અને પોતાની ફરજમાં રૂકાવટ કરવા અંગેની ફરિયાદ કરી છે. જે મામલે પોલીસે આરોપી સામે આઈપીસી કલમ ૧૮૬, ૨૯૪(ખ)૫૦૬-૨ મુજબ ગુન્હો નોંધ્યો છે. હાલ આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application