પહેલી વારની ફ્લાઇટ મુસાફરી

  • December 27, 2023 01:56 PM 

ટેઇનમાં સેકન્ડ ક્લાસ સ્લિપરમાં મુસાફરી કરતાં હોય એ લોકો પણ જ્યારે એરપોર્ટ પર પગ મૂકે તો પગ મૂકતાની સાથે જ જાણે કે એના પંડમાં કોઇક નવી જ આત્માનો પ્રવેશ થઇ જતો હોય છે. એમાંય પહેલી વાર ફ્લાઇટમાં જતાં હોય ત્યારે સૌથી વધારે બે બાબતની રાહ જોતા હોય. એક તો જલ્દી એરપોર્ટ પર જઇ અને ટ્રોલીમાં સામાન રાખીને ફોટા પડાવવા અને બીજુ ચેક ઇન કરાવે ત્યારે વિન્ડો સિટ. ચેક ઇન થઇ જાય પછી ચેક ઇન બેગેજ જતું રહ્યું હોય તો ય આખા એરપોર્ટ પર હેન્ડ બેગેજને ટ્રોલીમાં લઇને આંટા મારે. પહેલી વખત એરપોર્ટ પર ગયાં હોય એટલે આમેય એરપોર્ટ જોવાના ચક્કરમાં ત્રણ કલાક વહેલુ પહોચવાનુ હોય એના બદલે પાંચ કલાક વહેલા પહોચ્યા હોય. મેઇન ગેટ પરથી સિક્યોરિટી વાળો આટલુ જલ્દી અંદર પ્રવેશવાની ના પાડે તો જે અર્ધી કલાક એણે બહાર ઉભા રાખ્યા હોય એ અર્ધી કલાકમાં ચાર વાર તો પૂછી લે કે હવે અંદર જઇ શકીએ ? અને એવાં તો એક્સપ્રેશન સિક્યોરિટી વાળાને આપે કે જ્યાં જતાં હોય ત્યાં બિલ ગેટ્સ કે રતન ટાટા સાથે મૂલાકાત હોય ! જો કે સિક્યોરિટી વાળો એની બોડી લેંગ્વેજ જોઇને જ સમજી જતો હોય છે કે આ ભાઇ કે બેન પહેલી વાર છે. અને આ એરપોર્ટ પર વહેલાં અંદર જશે તો કોઇ નુકશાન પહોચાડી શકે એમ નથી એમ માનીને વહેલી એન્ટ્રિ આપી દેતાં હોય છે !ઙ્ગઙ્ગઅંદર પ્રવેશે એટલે તરત જ પહેલાં તો વજન કાંટો શોધે. રખેને બેગેજમાં વજન વધી ગયો હોય તો ! ઘરેથી ચાર વાર ચેક કરીને નીકળ્યા હોય તો પણ વજન ચેક કરશે. એમાંય જો ગુજરાતી પરિવાર વેકેશન માટે શીમલા કે દાજીર્લિંગ જતો હોય તો નાસ્તો એટલો ઠાંસોઠાસ ભર્યો હોય કે બેગ ખુદ પોતે ના પાડતી હોય કે હવે રહેમ કર બાપ, હું બેગ છું, પટારો નથી પતિએ ભલે ત્રણ જોડી જ કપડા લીધાં હોય પણ મહારાણીએ તો એક દિવસના બે જોડી લેખે છ દિવસના કુલ બાર જોડી લીધાં હોય. પછી ચેક ઇન કરાવતી વખતે પહેલેથી જ મોઢુ એવું થઈ ગયું હોય કે કાઉન્ટર પર બેસેલ કર્મચારી ઓળખી જ જાય કે હમણાં સામાનમાં વધારે વજન ચલાવી લેવાની રિક્વેસ્ટ પર રિક્વેસ્ટ આવશે. જો કે એ તો એ ય સમજી જતાં હોય છે કે આ ફ્લાઇટમાં પહેલી વાર છે એટલે હમણાં વિન્ડો સિટનુ પણ કહેશે. કર્મચારી કહે કે સર, ઇસમે તીન કિલો જ્યાદા હૈ ! એના જવાબમાં એરપોર્ટ હોય એટલે અંગ્રેજી જ બોલવુ પડે અને એરપોર્ટ પર તો કોઇને ગુજરાતી કે હિન્દી આવડતું જ ન હોય એવી માનસિકતા હોય એટલે જવાબ આમ આપે પ્લિઝ મેડમ, રિક્વેસ્ટ, ફર્સ્ટ ટાઇમ, ફ્લાઇટ, ચિલ્ડ્રન્સ ! એટલે હવે તો મેડમ બરાબરના ઓળખી જાય આપ હિન્દીમે બાત કર શકતે હૈ સર ! પછી અંદર જે હાશકારો અનૂભવે કે ચાલો અંગ્રેજીની બલા ટળી. પણ તો ય અંગ્રેજી બોલવાનુ ભૂત હજી ઉતરતુ ન હોય મે’મ, પ્લિઝ ટ્રાય. યે ચિલ્ડ્રન્સ સાથ મે હૈ ના ઇસ લીયે લગેજ જ્યાદા હૈ પતિ આટલું બોલે અને કર્મચારીને હિન્દી આવડે છે એ ખબર પડે એટલે તરત જ શ્રીમતીજી પછી મેદાનમાં આવે બેન, દેખીયે ના.... આપ તો યહીં સે હૈ, ઇતના કર દિજીયે ના ! ત્રણ - ચાર વખત પેલીના લેકીન ઇતના એક્સેસ બેગેજ નહી ચલતાં, સર ના જવાબમાં આ બે - ચાર વાક્યો જ આવે એટલે અંતે પછી મેડમની હાર થાય. એટલે તરત જ ફરીથી છોકરાને આગળ ધરીને વિન્ડો સિટની રિક્વેસ્ટ આવે. પેલી પાસે વિન્ડો સિટ્સ અવેલેબલ જ હોય. કેમ કે આ લોકો એટલાં વહેલાં ચેક ઇન કરાવવા પહોચ્યા હોય કે હજી બીજા પેસેન્જર્સ આવ્યા જ ન હોય. અને પછી ત્રણે જણ પોતપોતાની વિન્ડો સિટ્સ કરાવીને અલગ અલગ બેસે !ઙ્ગઙ્ગચેક ઇન કરાવીને પછી સિક્યોરિટીમાં પહોચે એટલે ત્યાં ય ચાર વાર પૂછે કે યે મોબાઇલ ભી ટ્રે મે રખ દેને કા હૈ ? પેલો હા પાડે એટલે વળી પૂછે કે ઓર યે પાકિટ ભી ?? (ગુજરાતીઓ એટલે જ ગુજરાતી છે કે એ વોલેટને પાકિટ બોલે છે) ફરીથી હા આવે એટલે ફરી પૂછે ઓર યે બેલ્ટ ભી ? ફરીથી હા આવે એટલે મનમાં એ મનમાં ચક્કી ચાલું થઇ જાય કે આ બેલ્ટ કઢાવીને શું કામ હોતું હશે ? બેલ્ટથી કાંઇ કોઇ ફ્લાઇટમાં હુમલો થોડી કરવાના ? અને બેલ્ટથી હુમલો કરે તો નુકશાનેય શું પહોચાડી શકવાના ! આવાં આવાં મનમાં વિચાર કરતાં કરતાં બેલ્ટ ટ્રેમાં મૂકીને પોતે સિક્યોરિટી વાળા પાસે પહોચે એટલે પેલો બોર્ડિંગ પાસ માંગે તો બોર્ડિંગ પાસ અને પાસપોર્ટ વળી ટ્રેમાં રાખીને આવ્યો હોય. એટલે સિક્યોરિટીને પણ ખબર પડી જાય કે ભાઇ પહેલી વાર આવ્યા છે. સામાનમાં પ્રતિબંધીત વસ્તુ કાંઇ ન હોય એની ખાત્રી હોય તો ય જ્યાં સુધી બેગ હાથમાં ન આવે ત્યાં સુધી ધક ધક તો થયાં જ કરતું હોય. અને બેલ્ટ પર પોતાનો સામાન ક્યારે આવે એ માથુ ઉંચુ કરીકરીને જોયાં કરે. અંતે સામાન હાથમાં આવે ત્યારે જ હાશકારો અનૂભવે.ઙ્ગઙ્ગપછી એરપોર્ટ પર આંટા મારવાનો ટાઇમ આવે એટલે સીધાં જ ફુડ કોર્ટમાં જાય. પોતે તો કેવાં વૈશ્વિક જનો છે એવું માનીને મનને મનાવવા માટે એવું નક્કિ કર્યુ હોય કે બહાર નીકળીને પછી ગુજરાતી જમવાનુ તો અડવુ જ નથી. બહારનુ જ બધું એક્સપ્લોર કરવું છે. અને ધીમે ધીમે એરપોર્ટ પર ફુડ કોર્ટના બે ચક્કર પૂરાં થઇ જાય. પણ પોતાના બજેટનુ કાંઇ મળે નહી એટલે તરત જ શ્રીમતીજીને હુકમ કરે કે ચાલ, બેગમાંથી થેપલા અને છૂંદો કાઢ ! એનાથી ઉત્તમ ખોરાક કોઇ છે જ નહી !



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application