રંગમતી ડેમમાંથી ૨૦ એમએલડી પાણી તળાવમાં ઠાલવાયું: તળાવ ભરાઇ જતાં બીજા ભાગનું કામ ચાલતું હોવાથી પાણીને નદીમાં ડાયવર્ટ કરાયું
જામનગર શહેરની મઘ્યમાં આવેલ નયનરમ્ય રણમલ તળાવ ભરઉનાળે ભરી દેવાયું છે, રંગમતી ડેમના દરવાજા બદલાવવાના હોવાથી લગભગ ૫૭ એમસીએફટી જેટલું પાણી ખાલી કરવાનું હતું, જેના ભાગપે કેનાલ મારફત રણમલ તળાવમાં ૨૦ એમસીએફટી પાણી ઠાલવતાં ઘડીયાળી કુવો ડુબી ગયો હતો અને તળાવનો પ્રથમ ભાગ ભરાઇ જતાં અદભૂત નજારો જોવા મળ્યો છે, રણમલ તળાવ બ્યુટીફીકેશન ભાગ-૨ ચાલું હોવાથી તંત્ર દ્વારા તળાવના પ્રથમ ભાગને જ ભરવામાં આવ્યો છે જયારે ગઇકાલે મોડી સાંજથી બાકી રહેલા પાણીને શાલીગ્રામ હોસ્પિટલ પાસેથી રંગમતી નદીમાં ડાયવર્ટ કરવામાં આવ્યું છે.
સીટી ઇજનેર ભાવેશ જાનીના જણાવ્યા મુજબ રંગમતી ડેમમાંથી ૫૭ એમસીએફટી પાણી ખાલી કરવાનું હતું, કેનાલમાં કચરો હોવાના કારણે સાફ સફાઇ કરવામાં આવી હતી અને પ્રથમ ૭ એમએલડી પાણી વહાવી દેવામાં આવ્યું હતું, ત્યારબાદ ત્રણેક દિવસમાં ધીરે-ધીરે રણમલ તળાવમાં પાણી ઠાલવવામાં આવ્યું હતું અને ગઇકાલે ૨૦ એમએલડી પાણી નખાતા તળાવનો પ્રથમ ભાગ ભરાઇ ગયો છે, હવે રંગમતી નદીમાં પાણી ડાયવર્ટ કરવામાં આવ્યું છે.
શહેરમાં ચૈત્ર મહીનામાં મોટાભાગે ચોમાસા પહેલા ત્રણેક મહીના તળાવ અડધુ ખાલી થઇ જાય છે, પરંતુ આ વખતે ડેમના દરવાજા ખોલવાના કારણે રણમલ તળાવને લાભ થયો હતો અને પાણી છોડવામાં આવ્યું હતું. તળાવનો પ્રથમ ભાગ ભરાઇ જતાં આજુબાજુના ઘરોમાં પણ ડંકી અને કુવાના તળ સાચા થઇ ગયા છે. ગઇકાલે તળાવનો આખો ભાગ ભરાઇ જતાં લોકો તળાવ જોવા નિકળ્યા હતાં, ચોમાસાને હજુ ત્રણેક મહીનાની વાર છે ત્યારે તળાવમાં નવા નીર ઠાલવવામાં આવતાં જામનગરના લોકોને ચોકકસપણે ફાયદો થયો છે. કોર્પોરેશન અને સિંચાઇ વિભાગનું આ પગલું ખુબ જ આવકારદાયક છે. ચોમાસા પહેલા રંગમતી ડેમના દરવાજાનું કામ પૂર્ણ થઇ જશે તેમ સિંચાઇ વિભાગે કહ્યું છે.