જામવાડી જીઆઇડીસીમાં પેઢીના મેનેજરની રૂ.૧.૯૦ કરોડની ઉચાપત

  • May 14, 2025 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉંઝામાં રહેતા વેપારીની ગોંડલમાં જામવાડી જીઆઇડીસીમાં આવેલી પેઢીમાં 12 વર્ષથી મેનેજર તરીકે નોકરી કરનાર અને તમામ વહીવટ સંભાળનાર શખસે રૂપિયા 1.90 કરોડની ઉચાપત કરી હતી. ધાણાની ખરીદી કરી બરોબર વેચી નાખી અથવા તો ધાણાની ખરીદી કર્યા વગર તેના બિલ રજૂ કરી પૈસા મેળવી લીધા હોવાનું પેઢી સંચાલકને ધ્યાને આવ્યા બાદ આ બાબતે મેનેજરને કહેતા તેણે રૂપિયા 98 લાખની કિંમતનો પ્લોટ લખી આપ્યો હતો. જ્યારે બાકી રહેતી રકમ 92.92 લાખ પરત નહીં આપી વિશ્વાસઘાત કર્યા અંગે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાલ ગોંડલમાં રહેતા મૂળ ઉંઝાના સિંહ ગામના વતની શખસ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.


છેતરપિંડીના આ બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, ઉંઝામાં રહેતા પિયુષભાઈ ગોવિંદભાઈ પટેલ (ઉ.વ 42) દ્વારા ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે હાલ ગોંડલના ગુંદાળા રોડ પર વસંત વાટિકા સોસાયટીમાં રહેતા મૂળ ઉંઝાના સિંહ ગામના વતની ગોબરસિંહ નાગજીભાઈ રાજપુતનું નામ આપ્યું છે. પિયુષભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને ઊંઝામાં સ્ટેશન રોડ પર લાભ એન્ટરપ્રાઇઝ નામની પેઢી આવેલી છે જેમાં તલ,જીરું, ધાણા વગેરે ખરીદી અને વેચાણ કરે છે. આ પેઢીમાં તેમના સગા કાકાના દીકરા નીરવભાઈ રાજેન્દ્રભાઈ પટેલ પ્રોપરાઇટ જ છે તેમજ કંપનીની બીજી બ્રાન્ચ ગોંડલ જામવાડી જીઆઇડીસીમાં આવેલી છે ત્યાં ધાણા ક્લિનિંગ પ્રોસેસિંગનું કામ થાય છે. અહીં ગોબરસિંહ છેલ્લા 12 વર્ષથી મેનેજર તરીકે નોકરી કરે છે અને તમામ વહીવટ તે જ સંભાળે છે. ધાણાની ખરીદીનો હિસાબ કિતાબ તથા ખેડૂત પાસેથી અન્ય પેઢીઓ પાસેથી ધાણા ખરીદી ફેક્ટરીમાં ધાણાનુ ક્લિનિંગ ગોબરસિંહ કરતો હતો તે હિસાબ કિતાબની કાચી ચિઠ્ઠી મોકલી આપતો હતો.


ગઈ તા. 12/3/2025 ના ફરિયાદીના એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં ગોંડલની પેઢીના ધાણા ખરીદ વેચાણ બાબતે હિસાબ માંગતા હિસાબ કરી સ્ટોક સ્ટેટમેન્ટ આપ્યું હતું ત્યારબાદ ગોબરસિંહ પાસે હિસાબ માંગતા તેના હિસાબ આપતા શંકા ગઈ હતી. ધાણાના સ્ટોકમાં બંને હિસાબમાં ઘણો તફાવત હતો. જેથી તા. 14/3 ના પેઢીના પ્રોપરાઇટર નીરવભાઈ ગોંડલ ગયા હતા અને અહીં હિસાબ ચેક કરતા મેનેજર ગોબરસિંહે વિશ્વાસઘાત કર્યો હોવાનું માલુમ પડ્યું હતું.


મેનેજર વર્ષ 2023-24 માં 1598 ધાણાની બોરી કિંમત રૂપિયા 48.56 લાખ જાણ બહાર વેચી દીધી હતી તથા વર્ષ 2024-25 માં 4875 ધાણાની બોરી કિંમત રૂપિયા 1.42 કરોડ જાણ બહાર વેચી દીધા માલુમ પડ્યું હતું. આમ બે વર્ષ દરમિયાન ધાણાની કુલ બોરી 6472 કિંમત રૂપિયા 1,90,92,302 જાણ બાર વેચી દીધી અથવા તો માત્ર કાગળ ઉપર ધાણાની ખરીદી કરી પૈસા મંગાવી ઉચાપત કરી હોવાનું માલુમ પડ્યું હતું.


આ બાબતે ગોબરસિંહને પૂછતા તેણે કહ્યું હતું કે ગુંદાળા રોડ પર તેનો 280 વારનો પ્લોટ આવેલો હોય જેની કિંમત 98 લાખ છે તે હું લખી આપીશ બાકીના પૈસા હું હપ્તે હપ્તે પૂરા કરી આપીશ. આ બાબતે તારીખ 17/3/2025 ના પ્લોટનો દસ્તાવેજ કરવાનો હોય તેમ કહી ગોબરસિંહ તેને તેમના કોઈ મિત્રો પાસે ઓફિસે લઈ ગયો હતો. જ્યાં ઓફિસની અંદર સરદાર પટેલ સેવા ટ્રસ્ટ ઓફિસ તેવું લખેલું હતું તેની સાથે રહેલા શખ્સોમાંથી એકે કહ્યું હતું કે, ઊંઝાથી આવી અને દાદાગીરી કરશો તો ચાલશે નહીં. અમે કહીએ તે પ્રમાણે સામે અમને તમારે લખાણ કરી આપવું પડશે તો જ અમે તમને પ્લોટનો દસ્તાવેજ કરી આપીશું. કાલ સવારે ગોબરસિંહ કોઇ પગલું ભરી લેશે તો કોણ જવાબદાર રહેશે. જેથી નિરવભાઈ પાસે બીજો કોઈ રસ્તો ન રહેતા ડરીને લખાણ ઉપર સહી કરી આપી હતી. ત્યારબાદ ગોબરસિંહએ કહ્યું હતું કે, બાકીના પૈસા હું હપ્તે કરી આપી દઈશ. પરંતુ આજદિન સુધી બાકી નીકળતા પૈસા ન આપતા અને ફોન પણ ન ઉપાડતા અંતે ફરિયાદ નોંધાવી હતી.


પેઢીનો મેનેજર ગોબરસિંહ જે ગોંડલના જામવાડી સ્થિત પેઢીનો વહીવટ સંભાળતો હોય તેણે વિશ્વાસઘાત કરી ધાણાની ખરીદી કરી બારોબાર વેચી નાખી અથવા તો ધાણાની ખરીદી નહીં કરી ખોટા બિલ રજૂ કરી પૈસા મંગાવી બે વર્ષ દરમિયાન કુલ 6472 ધાણાની બોરી કિંમત રૂપિયા 1, 90, 92,302 ની ઉચાપત કરી તે પૈકી રૂપિયા 98 લાખનો પ્લોટ લખી આપી બાકી રહેતી રકમ 92,92,302 નહીં આપી વિશ્વાસઘાત કર્યા અંગે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application