BREAKING NEWS

રાજકોટમાં મધરાતે 'ગેંગવોર' જેવી ઘટના: બલી ગેંગનો સાગરીત અને કથિત પત્રકાર વચ્ચે ધાણીફૂટ ફાયરિંગ, દારૂની મહેફિલમાં બઘડાટી બોલી

  • May 10, 2026 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રવિવારની વહેલી સવારે શહેરમાં આગની ઘટનાથી અફરાતફરી હતી, ત્યાં શનિવારની સાંજે જામનગર રોડ પર માધાપર નજીક થયેલા સરાજાહેર ફાયરિંગના કિસ્સાએ પોલીસ તંત્રની ઉંઘ ઉડાવી દીધી છે. કુખ્યાત બલી ડાંગર ગેંગનો સાગરીત રામદેવ ડાંગર અને પોતાને પત્રકાર તરીકે ઓળખાવતો દિવ્યરાજસિંહ સરવૈયા ક્રિકેટ સટ્ટાના 25 હજાર રૂપિયા મુદ્દે બાખડ્યા હતા અને એકબીજા પર પિસ્તોલમાંથી ધાણીફૂટ ફાયરિંગ કર્યું હતું.


દારૂની મહેફિલમાં જામી માથાકૂટ

માધાપરમાં નાગેશ્વર બસ સ્ટેન્ડ પાછળ આવેલા જેસીબીના શોરૂમ પાસે આ બંને શખ્સો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને જૂના મિત્રો છે. જોકે, નશાની હાલતમાં દિવ્યરાજસિંહે રામદેવ પાસે ક્રિકેટ સટ્ટાના બાકી નીકળતા 25 હજાર રૂપિયાની ઉઘરાણી કરી હતી. આ મામલે બોલાચાલી એટલી હદે વધી ગઈ કે મિત્રતા દુશ્મનાવટમાં ફેરવાઈ ગઈ અને હથિયારો નીકળ્યા હતા.


સામસામે 4 રાઉન્ડ ફાયરિંગથી નાસભાગ

મામલો બિચકતા સૌ પ્રથમ દિવ્યરાજસિંહ સરવૈયાએ પોતાની પરવાનાવાળી પિસ્તોલ કાઢીને રામદેવ પર બે રાઉન્ડ ફાયર કર્યા હતા. વળતા જવાબમાં રામદેવ ડાંગરે પણ હથિયાર કાઢી સામે બે રાઉન્ડ ભડાકા કર્યા હતા. ધોળે દિવસે થયેલા આ અંધાધૂંધ ફાયરિંગને કારણે આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને લોકો જીવ બચાવવા સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા.


પોલીસ તપાસ અને ધરપકડ

ઘટનાની જાણ થતા જ ગાંધીગ્રામ પોલીસ અને એસ.ઓ.જી (SOG)ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે જ્યારે રામદેવ ડાંગરની ધરપકડ કરી ત્યારે તે ચિકાર દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળ પરથી કારતૂસના ખોખા કબજે કર્યા છે. દિવ્યરાજસિંહ નિવૃત્ત જમાદારનો પુત્ર હોવાનું અને લાઇનબોય તરીકે કામ કરતો હોવાનું ખુલ્યું છે.


કોણ છે રામદેવ ડાંગર? (ક્રાઈમ કુંડળી)

રામદેવ ડાંગર રાજકોટની કુખ્યાત બલી ડાંગર ગેંગનો સક્રિય સાગરીત છે. તેની હિસ્ટ્રીશીટ નીચે મુજબ છે

તેની સામે હત્યાની કોશિશ, ખંડણી, લેન્ડ ગ્રેબિંગ અને ગેરકાયદેસર હથિયાર રાખવાના અનેક ગુનાઓ નોંધાયેલા છે.

વર્ષ ૨૦૧૬માં પોલીસે તેનું જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું.


જમીન કૌભાંડના કેસમાં સુપ્રીમ કોર્ટે જામીન રદ કરતા તે ઓક્ટોબર ૨૦૨૫માં જેલહવાલે પણ થયો હતો.


કથિત પત્રકારની ભૂમિકા

બીજી તરફ, દિવ્યરાજસિંહ સરવૈયા પોતાને પત્રકાર તરીકે ઓળખાવી રોફ જમાવતો હતો. તેની પાસે હથિયારનો પરવાનો હોવા છતાં તેનો દારૂની મહેફિલમાં અને અંગત અદાવતમાં ઉપયોગ કરવો તે કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે. પોલીસે હાલ બંને શખ્સો સામે આર્મ્સ એક્ટ અને હત્યાની કોશિશ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે અને પોલીસનો ડર ઓસરી રહ્યો હોય તેમ લાગે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application