રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગમાં મૃતક કલ્પેશના એક માસ પૂર્વે જ લગ્ન થયા’તા, મયુરને રજા હોય ભાઈ સાથે આંટો મરવા ગયો ને મોત મળ્યું

  • March 15, 2025 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ટીઆરપી અગ્નીકાંડ બાદ વધુ એક એક ભયાનક આગની ઘટના બનવા પામી છે.શુક્રવારે સવારે શહેરના 150 ફૂટ રિંગ રોડ પર બીગ બજાર સામે આવેલી એટ્લાન્ટિસ બિલ્ડિંગના છઠ્ઠા માળે આગનો બનાવ બન્યો હતો.આગની આ ઘટનામાં બે ડિલિવરી બોય સહિત ત્રણે જીવ ગૂમાવ્યા હતાં.પોશ વિસ્તારમાં આવેલી આ હાઇરાઇઝ બિલ્ડિંગમાં આગની આ ઘટના બાદ અહીં ફાયર સેફિટના નિયમોનું ખરા અર્થમાં પાલન કરવામાં આવ્યું હતું કે કેમ? પ્રાથમિક તબબકે જાણવા મળેલી વિગતો મુજબ બિલ્ડિંગમાં ફાયર સેફિટના સાધાનો હતો પરંતુ તે કાર્યકરત ન હતા એટલે કે માત્ર શોભાના ગાઠિયા સમાન જ હતા. ટીઆરપી અગ્નીકાંડ જેવી ઘટના બાદ પણ કોઇ બોધપોઠ લીધો નહીં હાલમાં બિલ્ડિંગમાં ફાયર એનઓસી, બીયુ પરિમિશન હતી કે કેમ તે અંગે તપાસ કરાઇ રહી છે.


એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં લાગેલી આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધુ હોય જેથી ચાર ફાયર ફાઇટર એક હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ચાર એમ્બ્યુલન્સ અહીં દોડાવી હતી.બિલ્ડિંગમાંથી ૩૫ વ્યકિતઓનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું.આગની આ ઘટનામાં દાઝી જવાથી પાંચ વ્યકિતને ઇજા પહોંચી હોય જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.જેમાં પ્રવિણ ઉર્ફે અજય ખીમજીભાઇ મકવાણા(ઉ.વ ૩૧ રહે. વીર સાવરકરનગર,રાજકોટ), કલ્પેશ પીઠાભાઇ લેવા(ઉ.વ ૩૧) અને તેનો ભત્રીજો મયુર લેવા(ઉ.વ ૨૧ રહે. બંને મૂળ પસવાળા ઉના,ગીરસોમનાથ હાલ, ન્યુ અંબિકા પાર્ક શરી નં.૫ સાધુવાસવાણી રોડ, રાજકોટ) ના મોત થયા હતાં.જયારે નેપાળી કિશોરી કવિતા શેરસીંગ દોરાજી(ઉ.વ ૧૫) સારવારમાં છે.વૃધ્ધાને સામાન્ય ઇજા હોય તેમને તુરંત રજા આપી દેવાઇ હતી.


પોશ વિસ્તારમાં આવેલી એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં જવેલર્સ અને તબીબ સહિતના પરિવાર રહેતા હોય તેની વિંગ ડીમાં સવારના સુમારે છઠ્ઠા માળે કિશોરભાઇ ભલાળાના ફલેટ નં. ૬૦૩ અને ૬૦૪ જે બંને ફલેટ સામસામે આવેલા હોય તેના પેસેજ અરિયામાં આગ લાગી હતી.બાદમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. દરમિયાન અહીં ડિલિવેરી કરવા આવેલા બે ડિલિવરી બોય સહિત ત્રણના મોત થયા હતાં.આગની આ ઘટનાને લઇ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, ડીસીપી,એસીપી,પીઆઇ સહિતના પોલીસ અધિકારીઓ તથા રાજકીય અગ્રણીઓ દોડી આવ્યા હતાં.ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર આગ કાબૂ મેળવ્યો હતો.પ્રાથમિક અનુમાન મુજબ પેસેજ એરિયામાં રહેલા વાયરીંગમાં શોટ સર્કિટથી આગ લાગી હોવાનું જણાઇ રહ્યું છે. તેમછતા આગનું આગનું સાચુ કારણ જાણવા માટે એફએસએલ ટીમ અને પીજીવીસીએલની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.જેનો રિપોર્ટ આવ્યા બાદ આગનું સાચુ કારણ જાણી શકાશે.


ગઇકાલે સવારના સુમારે શહેરના દોઢસો ફૂટ રિંગરોડ પર બીજ બજાર સામે આવેલી એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગ્યાની સવારે ૧૦:૧૭ કલાકે જાણ થતા ફાયર બ્રિગેડનો સ્ટાફ તાકીદે અહીં દોડી ગયો હતો.અહીં આગ અહીં ડી-વીંગમાં છઠ્ઠા માળે આવેલા ફલેટ નં.૬૦૩ અને ૬૦૪ ની વચ્ચે આવેલા પેસેજ એરિયામાં લાગી હતી.થોડીવારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.ધુમાડાના ગોટેગેટાથી અહીં ફલેટમાં રહેતા લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.આગ પર કાબુ મેળવવા માટે ચાર ફાયર ફાઇટર,એક હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ચાર એમ્બ્યુલન્સ અહીં દોડાવી હતી.ફાયર વિભાગના સ્ટાફે અહીં ૩૫ થી વ્યકિતઓનું બિલ્ડિંગના દાદરાથી રેસ્કયુ કરી બહાર કાઢયા હતાં.જયારે નવમાં માળે ફસાયેલા બે બાળકો સહિત પાંચ વ્યકિતને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી બહાર કાઢયા હતાં.


આગની આ ઘટનામાં પાંચ વ્યકિત દાઝી ગયા હોય તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાવમાં આવ્યા હતાં.જયાં ફરજ પરના તબીબે પ્રવિણ ઉર્ફે અજય ખીમજીભાઇ મકવાણા(ઉ.વ ૩૧ રહે. વીર સાવરકરનગર,રાજકોટ), કલ્પેશ પીઠાભાઇ લેવા(ઉ.વ ૩૧) અને તેનો ભત્રીજો મયુર લેવા(ઉ.વ ૨૧ રહે. બંને મૂળ પસવાળા ઉના,ગીરસોમનાથ હાલ, ન્યુ અંબિકા પાર્ક શરી નં.૫ સાધુવાસવાણી રોડ, રાજકોટ) ને મૃત જાહેર કર્યા હતાં.જયારે નેપાળી કિશોરી કવિતા શેરસીંગ દોરાજી(ઉ.વ ૧૫) સારવારમાં છે.વૃધ્ધાને સામાન્ય ઇજા હોય તેમને તુરંત રજા આપી દેવાઇ હતી.


આગની આ ઘટનામાં મોતને ભેટનાર પ્રવિણ ઉર્ફે અજય મકવાણા સ્વીંગીમાં ડિલિવરી બોય તે સવારના સમયે અહીં આઠમાં માળે ડિલિવરી કરવા માટે આવ્યા હતો.જયારે કલ્પેશ લેવા બલિન્ક કીટમાં ડિલિવરી બોય તે ભત્રીજા મયુરને સાથે લઇ અહીં ૧૦ માળે ડિલિવરી કરવા માટે આવ્યો હતો.દરમિયાન આગની આ ઘટનામાં આ ત્રણેયના મોત થયાં હતાં.બનાવને પગલે મૃતકના પરિવારજનોના હોસ્પિટલમાં હૈયાફાટ રૂદનથી વાતાવરણ શોકમય બની ગયું હતું.


આગની આ ઘટના અંગે વધુમા જાણવા મળતી વિગતો મુજબ, ગઇકાલે સવારે એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં ફલેટના પેસેજ એરિયામાં આગ લાગી તે ૬૦૩ અને ૬૦૪ નંબરના બંને ફલેટ કિશોરભાઇ ભલાળા છે.અહીં તેઓ હજુ રહેવા આવ્યા નથી.હાલમાં અહીં ફર્નિચર કામ ચાલી રહ્યૂં છે.ગઇકાલે આ ધૂળેટીના લીધે આ કામ બંધ હતું.અહીં પેસેજ એરિયામાં વાયરો હોય જેના પર વુડન બોકસ હોય શોટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જેમના મોત થયા છે.તેઓ ડિલિવરી કરી આવતા હતા દરમિયાન આગ લાગતા કોઇપણ કારણોસર ફસાઇ જતા મોતને ભેટયા હતાં.જયારે નેપાળી કિશોરી અહીં તેના ભાભીને બોલવવા માટે આવી હતી દરમિયાન દાઝી ગઇ હતી.


ત્રણેય યુવાનોને લિફટમાં ઉતરવા ન દેવાયા કે બીજું કંઇ?
આગની આ ઘટનામાં એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં રહેતા રહેવાસીઓનો આબાદ બચાવ થયો છે. જયારે અહીં ડિલિવરી કરવા આવેલા ડિલિવરી બોય મોતને ભેટયા હતાં.આ ડિલિવરિ બોય પૈકી બે ૧૦માં માળે અને એક ૮ માં માળે ડિલિવરી કરવા માટે આવ્યો હતો.આગની આ ઘટના બાદ તેઓ સીડીએથી ઉતરતા હતા દરમિયાન આગની ચપેટમાં આવી ગયા હતાં.ત્યારે તેઓ ગભરાઇને પગથીયેથી ઉતરતા હતા કે પછી તેમને લિફટમાંથી ઉતરાવા નહીં દેવાયા હોય તે પણ તપાસનો વિષય છે.


એક યુવાન પગથીયા પર ઢળી પડયો
આગની આ ઘટના બાદ ફાયર બ્રિગેડના સ્ટાફે જયારે અહીં આગ બુજાવી રેસ્કયુ કર્યુ ત્યારે એક યવાન પગથીયા પર જ બેભાન હાલતમાં મળ્યો હતો.જેને હોસ્પિટલ ખસેડાતા અહીં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો.યુવાન આગથી જીવ બચાવવા નીચે ઉતરવા જતી વેળાએ અહીં પગથીયા પર જ ઢળી પડયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


આગની ઘટના બાદ ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો
150 ફૂટ રિંગ રોડ પર બીગ બજાર સામે આવેલી એટ્લાન્ટિસ બિલ્ડિંગના છઠ્ઠા માળે આગનો બનાવ બન્યો હતો.આગે થોડીવારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.જેથી આગની ઘટનાને લઇ મવડી,રામાપીર,કનકનગર સહિત પાંચ ફાયર સ્ટેશનનો સ્ટાફ આગ ઓલવવાની કામગીરીમાં લાગી ગયો હતો.અને અંદાજિત ૫૦ થી વધુ ફાયર કર્મી આ ઓપરેશનમાં જોડાયા હતાં.આગ બે કલાકે કાબૂમાં આવી હતી. આગની આ ઘટનાના પગલે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો.


રેસ્ક્યુમાં પ્રથમ વખત હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરાયો
એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગ્યા બાદ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા .આગ પર કાબુ મેળવવા માટે ચાર ફાયર ફાઇટર,એક હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ચાર એમ્બ્યુલન્સ અહીં દોડાવી હતી.ફાયર વિભાગના સ્ટાફે અહીં ૩૫ થી વ્યકિતઓનું બિલ્ડિંગના દાદરાથી રેસ્કયુ કરી બહાર કાઢયા હતાં.જયારે નવમાં માળે ફસાયેલા બે બાળકો સહિત પાંચ વ્યકિતને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી બહાર કાઢયા હતાં.આ પ્રથમ વખત છે જયારે રેસ્કયુ ઓપરેશન માટે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદ લેવામાં આવી હોય.


પેસેજ એરિયામાં વાયરીંગ ખુલ્લુ રાખવામાં ફલેટમાલિકની બેદરકારી?
આગની આ ઘટના બે ફલેટ વચ્ચેના પેસેજ એરિયામાં બની હતી.જેમાં ત્રણ યુવાનોએ જીવ ગૂમાવ્યા છે.ત્યારે ફલેટ નં.૬૦૩ અને ૬૦૪ કિશોર ભાલાળાના હોય અને હાલ તેમાં ફર્નિચર કામ ચાલી રહ્યું હતું.અહીં પેસેજ એરિયામાં વાયરીંગમાં શોટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.ત્યારે ફલેટ માલિક દ્વારા વાયરીંગ ખુલ્લુ રાખી ગંભીર બેદરકારી દાખવવામાં આવી કે કેમ? તે અંગે પણ તપાસ થવી જોઇએ.


પત્નીએ ના કહી છતા અજય ગયો અને મોત મળ્યું
રાજકોટમાં શુક્રવારે બનેલી અગ્નીકાંડની ગોઝારી ઘટનામાં જીવ ગૂમાવનાર પ્રવિણ ઉર્ફે અજય ખીમજીભાઇ મકવાણા(ઉ.વ ૩૧) (રહે.વીર સાવરકરનગર) હાલ સ્વીગીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતો હતો.તે દોઢ માસથી આ નોકરીમાં લાગ્યો હતો.આ પહેલા તે માધાપર ચોકડી પાસે ભરત નમકીનમાં નોકરી કરતો હતો.યુવાન છેલ્લા ત્રણ દિવસથી ડે નાઇટ નોકરી કરતો હતો. સવારે તે નોકરી પર ગયો ત્યારે તેની પત્નીએ તેને આજે તહેવાર છે તો નોકરી પર ન જાવ તેમ કહ્યું હતું.જેથી યુવાને કહ્યું હતું. હું બપોર સુધીમાં આવી જઇશ બાદમાં સાથે જમી પછી આપણે ઘંટેશ્ર્વરમાં રહેતા માતાના ઘરે જઇશું તેવું કહ્યું હતું.જોકે ત્યાર બાદ યુવાન પરત આવ્યો ન હતો પણ તેના મોતના સમાચાર મળતા યુવાનની પત્નીના હૈયાફાટ રૂદનથી હોસ્પિટલ સંકુલમાં વાતાવરણ કરૂણ થઇ ગયું હતું. અજય બે ભાઇ એક બહેનના પરિવારમાં વચેટ છે. યુવાનને સંતાનમાં ચાર વર્ષની દીકરી છે.બનાવને લઇ પરિવારમાં શોકની કાળી કાલીમા છવાય ગઇ હતી.


આગમાં જીવ ગૂમાવનાર કલ્પેશના એક માસ પૂર્વે જ લગ્ન થયા’તા
રાજકોટમાં બનેલી અગ્નીકાંડની આ ઘટનામાં બલિન્ક કીટના ડિલિવરી બોય કલ્પેશ પીઠાભાઇ લેવા(ઉ.વ ૩૧ ) અને પીતરાઇ ભાઇ મયુરે જીવ ગૂમાવ્યા છે.કલ્પેશ મૂળ ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકનો વતની છે અને હાલ તે રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર ન્યુ અંબિકા પાર્ક સોસાયટી શેરી નં. ૫ માં મકાનમાં તેના ભત્રીજા સાથે પી.જી તરીકે રહેતો હતો. યુવાનના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું હતું કે તેના એક માસ પુર્વે જ લગ્ન થયા હતાં.જેના થોડા દિવસો પૂર્વે જ લગ્ન ગીત ગવાયા હોય તેના મરસીયા ગાવાની નોબત આવતા પરિવાર પર દુ:ખનું આભ તુટી પડયું હતું.


મયુરને રજા હોય પીતરાઇ ભાઇ સાથે આંટો મરવા ગયોને અને મોત મળ્યું
બીગ બજાર સામે એટલાન્ટિસ્ બિલ્ડિંગમાં લાગેલી આગમાં ગીર સોમનાથ પંથકના મયુર લેવા કે જે રાજકોટમાં કોલેજમાં અભ્યાસ કરતો હોય અને અહીં તેના કાકા કલ્પેશ સાથે પી.જી તરીકે રહતો હતો તેનો પણ જીવ ગયો છે.યુવાનને આજે કોલેજમાં ઘૂળેટીની રજા હોય જેથી તે સવારે કલ્પેશ સાથે આંટો મારવા ગયો હતો.બાદમાં બંને અહીં બિલ્ડિંગમાં ૧૦ માળે ડિલિવરી કરવા આવ્ય હતાં.દરમિયાન આગની આ ઘટના બનતા આશાસ્પદ યુવાને જીવ ગૂમાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application