ફિલ્મી ઢબે ૧૦ કિ.મી. પીછો કરી કારમાંથી ૪૧ કિલો ગાંજો પકડ્યો

  • March 02, 2021 01:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ એસઓજીની ટીમે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ફિલ્મી ઢબે કારનો પીછો કરી ૧૦ કિ.મી સુધી કારને અટકાવવા પ્રયાસ કર્યા બાદ ક્રિષ્ના વોટર પાર્ક પાસે આ કાર પલટી ખાઈ ગઈ હતી. જેમાં પોલીસે તલાસી લેતા ૪૧ કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાના જથ્થા સાથે રાજકોટના ભગવતીપરામાં રહેતા તથા કાલાવડ રોડ પર આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા શખસને ઝડપી લીધો હતો.


આરોપીઓએ વાંકાનેર બાઉન્ડ્રી પાસે પોલીસને જોતા જ પુરપાટ ઝડપે કાર હંકારી મુકી હતી જે દરમિયાન તેમણે એક રાહદારીને પણ ઠોકરે લેતા તેને સામાન્ય ઈજા પહોંચી હતી. પોલીસે ગાંજાનો જથ્થો કાર સહિત ૭.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરી બંને શખસોની પુછપરછ કરતા સુરતથી ગાંજો લાવ્યાનું રટણ કર્યું હતું.
રાજકોટ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઇ વી.કે.ગઢવીની રાહબરીમાં પી.એસ.આઇ અસલમ અંસારી તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન તેવી સચોટ બાતમી મળી હતી કે, રાજકોટ અમદાવાદ હાઇવે પરથી એક સ્વીફટ કાર પસાર થનાર છે જેમાં ગાંજાનો મોટો જથ્થો છે. જેથી પી.એસ.આઈ અંસારી તેમજ ટીમના ઝહીરભાઈ ખફીફ, સોનાબેન મુળીયા તથા વિજેન્દ્રસિંહ ઝાલા, મોહમ્મદ અઝરુદ્દીન બુખારી સહિતનાઓ બે અલગ અલગ કારમાં વાંકાનેર બાઉન્ડ્રી પાસે વોચમાં હતા.


દરમિયાન સ્વીફટ કાર અહીંથી શંકાસ્પદ રીતે પસાર થતાં તેને અટકાવવાનો પ્રયાસ કરતાં જ કારચાલકે પુરપાટ ઝડપે કાર હંકારી મૂકી હતી. જેથી પોલીસે પણ બન્ને કારમાં આ શખસોનો પીછો કર્યો હતો જે દરમિયાન રસ્તા પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા પોલીસથી ભાગવાની ફિરાકમાં આ શખસોએ રસ્તામાં એક રાહદારીને પણ હડફેટે લેતા તેને સામાન્ય ઇજા થઈ હતી. દરમિયાન આ શખસો અમદાવાદ રાજકોટ હાઈવે પર ક્રિષ્ના વોટરપાર્ક નજીક પહોંચતા તેમની કાર પલટી ખાઈ ગઈ હતી.જેથી તુરંત પોલીસ અહીં પહોંચી કારમાં સવાર બની શખસોને અટકાયતમાં લઇ કારની તલાસી લેતા તેમાંથી ચાર લાખ દસ હજારની કિંમતનો ૪૧ કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.


બાદમાં પોલીસે બંને શખસોની પૂછપરછ કરતા તેઓએ પોતાના નામ કાદર અનવર ભાઈ પઠાણ (ઉ.વ ૨૧ રહે.ભગવતી પરા અશાબા પીર ની દરગાહ પાછળ નદીકાંઠે) તથા ચેતન ચમનભાઈ સાપરિયા (ઉ.વ ૨૩ રહે.કાલાવડ રોડ રાણી ટાવર પાછળ આવાસ યોજના કવાર્ટર બ્લોક નંબર ૧૧ કવાર્ટર ન. ૧૧૨૭) હોવાનું માલુમ પડ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં બંને શખ્સોએ સુરતથી ગાંજાનો જથ્થો લાવ્યાની કબૂલાત આપી હતી. પોલીસે ૪.૧૦ લાખનોગાંજાનો જથ્થો તથા સ્વીફ્ટ કાર સહિત રૂપિયા ૭.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ ગાંજો કોની પાસેથી લાવ્યા હતા. તેમજ કોને સપ્લાય કરવાના હતા? માદક પદાર્થની હેરફેર તેઓ કેટલા સમયથી કરે છે તથા આમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે? સહિતની બાબતો અંગે પોલીસ વિશેષ તપાસ ચલાવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS