ચાર મામલતદાર કચેરીમાં બેંકની લોન વસૂલવા મિલકત જપ્તીની 700 ફાઈલનો ભરાવો

  • September 16, 2023 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બેંકમાંથી લોન લઈ તેના હપ્તા અને વ્યાજની રકમ નિયમિત રીતે નહીં ભરનાર આસામીઓને બેંક દ્વારા અવારનવાર નોટિસ આપવા છતાં લોનની વસુલાત નહીં થવાથી મિલકત જપ્તીની કાર્યવાહી માટે કલેક્ટર સમક્ષ માગણી કરવામાં આવી હતી. આવી માગણીઓ મંજૂર થયા પછી મિલકત જપ્તીની કાર્યવાહીમાં મામલતદાર કચેરીનું કામ અતિશય ઢીલું હોવાની નારાજગી રેવન્યુ ઓફિસરોની મળેલી બેઠકમાં કલેક્ટરે વ્યક્ત કરી હતી.


કોઈ આસામી બેંકની લોન ન ભરે તો તેની અથવા તો તેની લોનમાં જામીન પડેલા વ્યક્તિની મિલકત જપ્તીમાં લઈ મામલતદાર દ્વારા બેંકને સોંપવામાં આવતી હોય છે. બેંક દ્વારા હરાજી કરીને નાણાની વસુલાત કરાવતી હોય છે.જિલ્લા કલેકટરે આ બાબતે મંજૂરી આપી દીધી હોવા છતાં મામલતદાર કચેરીઓ તરફથી મિલકત જપ્તીમાં લેવા માટેની કોઈ કાર્યવાહી લાંબા સમયથી ન થતાં રાજકોટ શહેરની ચાર મામલતદાર કચેરીમાં આવી બેંકોની 700 જેટલી ફાઈલો પેન્ડિંગ પડી હોવાનો રિપોર્ટ રેવન્યુ ઓફિસરોની મિટિંગમાં રજૂ કરાયો હતો. એટલું જ નહીં બેંકોના કરોડો રૂપિયા પણ ફસાયા હોવાનું જણાવ્યું હતું.


એક અધિકારીએ પોતાનું નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે માત્ર એક કિસ્સામાં જ રુ.4.50 કરોડનું લેણું નીકળે છે. મામલતદાર દ્વારા જપ્તીની કાર્યવાહીમાં વિલંબ થતા સમગ્ર મામલો કોર્ટના દ્વારે પહોંચી ગયો છે અને હવે જ્યાં સુધી કોર્ટમાંથી નિર્ણય ન આવે ત્યાં સુધી રાહ જોવા સિવાય કોઈ આરો વારો નથી.રેવન્યુ ઓફિસરોની બેઠકમાં થયેલી ચચર્િ મુજબ રાજકોટ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને તાલુકા મામલતદાર કચેરીમાં 700 ફાઈલ પેન્ડિંગ છે. તેમાં સૌથી વધુ 200 દક્ષિણ ઝોન મામલતદાર કચેરીમાં પડતર છે.સિક્યુરાઈઝેશન એક્ટ અંતર્ગત પેન્ડિંગ રહેલી આ ફાઈલોના નીકાલની સાથોસાથ સરકારી જમીન પર થયેલા દબાણ દૂર કરવા માટે તાત્કાલિક કાર્યવાહીના આદેશ કલેક્ટરે આ બેઠકમાં આપ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application