ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે બે જૂથ વચ્ચે ધિંગાણું: મામલો બિચકતા અટક્યો, સામ સામા પક્ષે ફરિયાદ

  • July 02, 2021 11:08 AM 

વેક્સિનેશનમાં વારો લેવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે ગઈકાલે ગુરૂવારે બપોરે વેક્સિનેશનની કામગીરી દરમિયાન મુસ્લિમ તથા ક્ષત્રિય સમાજના બે જૂથો વચ્ચે મોટાપાયે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં સામ-સામા પક્ષે મારામારીનો બનાવ બનવા પામ્યો હતો. આ બનાવમાં અડધો ડઝન જેટલા શખ્સોને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. આ ઘટના બનતા પોલીસનો વિશાળ કાફલો ભરાણા ગામે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

આ સમગ્ર પ્રકરણની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના વાડીનાર તાબેના ભરાણા ગામે ગઈકાલે ગુરુવારે કોરોના વાયરસના રસીકરણ અંગેની કામગીરી ચાલી રહી હતી. ભરાણા ગામની સરકારી પ્રાથમિક શાળા ખાતે ચાલી રહેલી વેક્સિનેશનની આ કામગીરી દરમિયાન બપોરે આશરે સાડા બારેક વાગ્યે અહીં ઊભેલા કેટલાક સ્થાનિકો દ્વારા તેઓને નોકરીમાં જવાની ઉતાવળ હોવાથી વચ્ચેથી વારો લેવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ સેન્ટરમાં જ મારામારી થઈ હતી.

બાદમાં આ મારામારીમાં ઘવાયેલા એક યુવાનના પરિવારજનોએ સામેની વ્યક્તિને ત્યાં જઈ અને ડખ્ખો સર્જ્યો હતો. આ બનાવે થોડીવાર માટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયું લીધું હતું અને બે પક્ષો સામસામે આવી ગયા હતા. જેમાં લાકડાના ધોકા, પાઈપ જેવા હથિયારોનો છૂટથી ઉપયોગ થયો હતો. આ બનાવ બનતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરાતા વાડીનાર મરીન પોલીસ બાદ અહીંના ડીવાયએસપી હીરેન્દ્ર ચૌધરી સાથે એલ.સી.બી., એસ.ઓ.જી. પોલીસનો વિશાળ કાફલો નાના એવા ભરાણા ગામે પહોંચી ગયો હતો. જ્યાં તેમણે પરિસ્થિતિ સંભાળી લીધી હતી અને મામલો વધુ બિચકતા અટકી ગયો હતો.

આ મારામારીમાં ઘવાયેલા અડધો ડઝન જેટલા વ્યક્તિઓને ખંભાળિયાની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોડી સાંજે પોલીસ ફરિયાદ સહિતની તજવીજ કરવામાં આવી હતી.

આ પ્રકરણમાં યશપાલસિંહ જોરૂભા જાડેજા (રહે. ભરાણા) નામના 27 વર્ષના યુવાને આ જ ગામના મજીદ ઊર્ફે વડો અયુબ ભાયા, અયુબ મુસા ભાયા, તાલબ મુસા ભાયા, સાલેમામદ મુસા, કરીમ મુસા, જુનસ મુસા, કાસમ ભાયા, મામદ અલી, મજાત હોટલવારો  ઉપરાંત તેમના કુટુંબી મહિલાઓ વિગેરે સામે વાડીનાર મરીન પોલીસ મથકના ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

    આ ફરિયાદમાં જણાવાયા અનુસાર ફરીયાદી યશપાલસિંહ તથા આરોપી મજીદ ઊર્ફે વડો સાથે વેક્સીનેશન સેન્ટરમાં વેક્સિન આપવા બાબતે ઝઘડો થયેલ હોય, એ બાબતની સમાધાનની કાર્યવાહી દરમિયાન આરોપીઓએ એકસંપ કરી, ગેરકાયદેસર મંડળી રચી, ફરિયાદી તથા તેમની સાથે સાહેદ તેમના માતા-પિતા ઉપરાંત પરિવારજનો એવા ધર્મેન્દ્રસિંહ, રણજીતસિંહ વિગેરેને બેફામ માર મારી, ફ્રેકચર સહીતની ઈજાઓ પહોંચાડી, ધમકી આપી હતી.

ઉપરોક્ત બનાવ અંગે વાડીનાર મરીન પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 325, 504, 506 (2), 143, 147, 149, તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં સામા પક્ષે મજીદ ઉર્ફે વડો આયુબ ભાયા (ઉ. વ. 24) એ યશપાલસિંહ જાડેજા, અશપાલસિંહ જાડેજા, અશપાલસિંહના માતા, જોરૂભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા તથા માનસંગભાઈ અને નવલસિંહ સોઢા નામના શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

આ સમગ્ર બનાવ અંગે વાડીનારના પી.એસ.આઇ. કે.એન. ઠાકરીયા દ્વારા આગળની તપાસ હાથ ધરી, આરોપીઓની ધરપકડ સહિતની જરૂરી કામગીરી કરવામાં આવી હતી. નાના એવા ભરાણા ગામમાં સર્જાયેલા જૂથ અથડામણ જેવા આ બનાવે પોલીસતંત્રને દોડતું કરી દીધું હતું અને આ બનાવ બનતા ભરાણા ગામની બજારો તથા દુકાનો બંધ થઈ ગઈ હતી. જો કે સમયસર પરિસ્થિતિ કાબૂમાં આવી જતાં પોલીસ તંત્ર તથા સ્થાનિક લોકોએ રાહતનો દમ ખેંચ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS