યુવતીને મોબાઈલમાં મેસેજ કરવા બાબતે બે પરિવારો વચ્ચે ધીંગાણું: સામ-સામા પક્ષે પાંચ સામે ફરિયાદ: ભાણવડ તાલુકાનો બનાવ

  • April 03, 2021 08:16 PM 

ભાણવડ તાલુકાના ગડુ ગામે રહેતા બે પરિવારજનો વચ્ચે સંતાનોના મોબાઈલમાં મેસેજ કરવા બાબતે અથડામણ સર્જાતા લાકડાના ધોકા જેવા હથિયારો છૂટથી ઉપયોગ થયો હતો. આ પ્રકરણમાં સામ-સામા પક્ષે કુલ પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.

આ પ્રકરણની વિગત મુજબ ભાણવડથી આશરે બાર કિલોમિટર દૂર ગડુ ગામના વાડી વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ માલદેભાઈ દિવરાણીયા નામના 36 વર્ષના મેર યુવાનના પરિવારની એક દીકરીને આ જ ગામના રહીશ એવા વિરમ સુકાભાઈ ઓડેદરાના પુત્ર દ્વારા મોબાઈલમાં મેસેજ કરવામાં આવતો હોય, આ બાબત અગાઉ યુવતીના પરિવારજનો દ્વારા તેને સમજાવી અને ઠપકો આપવામાં આવ્યો હતો. આ બાબતનું મનદુઃખ રાખી, વિરમભાઈ સુકાભાઈ ઓડેદરા, તેમના ધર્મપત્ની ઢેલીબેન તથા પોરબંદરના રહીશ નાગાજણભાઇ ખૂટી નામના ત્રણ શખ્સો ગત્ તા. 1 ના રોજ પાવડાના હાથાના ધોકા જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા અને આ શખ્સોએ ફરિયાદી ગોપાલભાઈ તથા સાહેદ કરણાભાઈને બેફામ માર મારી, જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન ફરિયાદી ગોપાલભાઈને માથાના ભાગે 56 ટાંકા આવ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

ઉપરોકત બનાવવા અંગે ભાણવડ પોલીસે દંપતી સહિત ત્રણેય સામે આઈ.પી.સી. કલમ 307, 323, 504, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

આ પ્રકરણમાં સામા પક્ષે ગડુ ગામના વિરમભાઈ સુકાભાઈ ઓડેદરા નામના 60 વર્ષીય મહેર વૃદ્ધ દ્વારા ગોપાલભાઈ માલદેભાઈ દિવરાણીયા અને કરણ માલદેભાઈ દિવરાણીયા નામના બે શખ્સો સામે ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવાયા અનુસાર ફરિયાદી તથા આરોપી પરિવારના દીકરા- દીકરી મોબાઈલમાં મેસેજ કરતા હોય, જેનું મનદુખ રાખી આરોપીઓએ ધોકા લઈને વિરમભાઈની વાડીમાં અપપ્રવેશ કરી, તેમને બેફામ મારી, બિભત્સ ગાળો કાઢી અને ઈજાઓ પહોંચાડી હતી.

આ બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 324, 323, 447, 504 તથા 114 અને જી.પી. એક્ટ મુજબ બંને શખ્સો સામે ગુનો નોંધ્યો છે. આ પ્રકરણ અંગે આગળની તપાસ ભાણવડના પી.એસ.આઈ. એન.એચ. જોશી ચલાવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS