એસઆઇઆર એટલે કે મતદાર યાદી ખાસ સઘન સુધારણા કામગીરીમાં ભારે દબાણને કારણે બીએલઓના આપઘાત, હાર્ટ એટેકના બનાવ વચ્ચે જામનગરમાં આ કામગીરી દરમ્યાન ચાલું ફરજે મહીલા બીએલઓ બેભાન થઇ જતાં ભારે ચકચાર જાગી છે, કામગીરી કરી રહ્યા હતાં ત્યારે મહીલા બીએલઓનું બ્લડપ્રેશર વધી જતાં ખુરશીમાં જ ઢળી પડતાં સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા છે, સત્યમકોલોની રોડ પર આહીર સમાજની વાડીમાં કેમ્પમાં મહીલા બીએલઓની અચાનક તબીયત લથડતા સાથી કર્મચારીઓ સહિત અન્ય સ્ટાફમાં દોડધામ મચી ગઇ હતી.
જામનગર સહિત રાજયભરમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી કરી રહેલા બીએલઓ અને અન્ય સહાયક કર્મચારીઓ પણ તંત્ર દ્વારા ભારે દબાણ કરવામાં આવી રહ્યાની અસંખ્ય ફરીયાદો ઉઠી છે, આટલું જ નહીં આ દબાણને કારણે બીએલઓ દ્વારા આપઘાત અને હદયરોગના હુમલા આવ્યાના બનાવ પણ બન્યા છે, આ કપરી સ્થિતિ વચ્ચે જામનગરમાં પણ મહીલા બીએલઓ ચાલું ફરજે બેભાન થઇ ગયાના બનાવથી બીએલઓમાં ભારે નારાજગી સાથે ચિંતાની લાગણી ફેલાઇ છે, મળતી વિગત અનુસાર રવિવારે મતદારો ફોર્મ જમા કરાવે તે માટે વહિવટી તંત્ર દ્વારા દરેક મતદાન મથક પર ખાસ કેમ્પ રાખવામાં આવ્યો હતો, શહેરમાં સત્યમકોલોની રોડ પર આવેલી આહિર સમાજની વાડીમાં પણ કેમ્પ યોજાયો હતો, આ કેમ્પમાં મસીતીયા વાડી શાળા નં.૨માં શિક્ષીકા તરીકે ફરજ બજાવતાં હિરલબેન ત્રિવેદી બીએલઓ તરીકે કામ કરી રહ્યા હતાં, આ દરમ્યાન સવારે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ બુથ પર હિરલબેન એસઆઇઆરની કામગીરી કરી રહ્યા હતાં ત્યારે અચાનક ખુરશીમાં બેભાન થઇ ઢળી પડયા હતાં, આથી સાથી કર્મચારી અને અન્ય સ્ટાફમાં ભારે દોડધામ મચી ગઇ હતી.
બેભાન થઇ ગયેલા હિરલબેનને તાકીદે ૧૦૮ મારફત જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં, જયાં તેમને આઇસીયુમાં દાખલ કરી ડોકટરો દ્વારા તાકીદની અસરથી સારવાર આપવામાં આવી હતી. એસઆઇઆરની કામગીરીના અસહ્ય દબાણને કારણે રાજયમાં બીએલઓના આપઘાત અને હદયરોગના હુમલા તથા સ્વાસ્થ્ય બગડવાના બનાવ વચ્ચે જામનગરમાં પણ આ કામગીરી દરમ્યાન મહીલા બીએલઓ બેભાન થઇ જવાના બનાવથી ભારે ચકચાર સાથે બીએલઓમાં ચિંતાની લાગણી ફેલાઇ છે.
હાઇપર ટેન્શન કારણભૂત, સ્વાસ્થ્યમાં આંશીક સુધારો થયો છે
શહેરમાં એસઆઇઆરની કામગીરી દરમ્યાન મહીલા બીએલઓ હિરલબેન ત્રિવેદી બેભાન થઇ ખુરશીમાં ઢળી પડયા હતાં, આ અંગે તેમના પતિ અલ્પેશભાઇએ જણાવ્યું હતું કે, રવિવારે આહીર સમાજની વાડીમાં હિરલબેન એસઆઇઆરની કામગીરી કરી રહ્યા હતાં ત્યારે બેભાન થઇ ગયા હતાં અને કોઇ રીસપોન્સ આપતા ન હતાં આથી તેણીને ૧૦૮ મારફત જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં જયાં આઇસીયુમાં તબીબો દ્વારા સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. હાઇપર ટેન્શનના કારણે હિરલબેનની તબીયત લથડી હતી જો કે તબીબોની સારવાર બાદ હાલમાં તેણીના સ્વાસ્થ્યમાં આંશીક સુધારો થયો હોવાનું અલ્પેશભાઇએ જણાવ્યું હતું.