સુરજકરાડીમાં દહેજના લાલચુ પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી: ફરિયાદ

  • April 06, 2021 07:28 PM 

ઓખા મંડળના સુરજકરાડી ખાતે રહેતા એક યુવાન દ્વારા પોતાની પત્ની પાસે દહેજની માંગણી કરી, ત્રાસ ગુજારવામાં આવતા આખરે કંટાળીને તેની પત્નીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

આ સમગ્ર પ્રકરણમાં પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ જામનગરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા પરસોતમભાઈ કાનજીભાઈ રત્નાગર નામના 56 વર્ષીય એક પ્રૌઢની 27 વર્ષીય પુત્રી હેતલબેનના લગ્ન થોડા સમય પૂર્વે દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના સૂરજકરાડી ખાતે રહેતા નિતીન પીઠાભાઇ શ્રીમાળી સાથે થયા હતા.

નિતીન દ્વારા તેઓના લગ્ન જીવન દરમિયાન હેતલબેનને "તું તારા બાપના ઘરેથી કરિયાવરમાં કંઈ લાવી નથી"- તેમ કહી, નાની-નાની બાબતે મેણાં-ટોણાં મારી અને ઝઘડા કરી, શારીરિક રીતે માર મારવામાં આવતો હતો. આટલું જ નહીં, નિતીન દ્વારા પોતાની પત્નીને કરિયાવર લાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાથી તેણીના પિતા પરસોત્તમભાઈએ નિતીનને બાઈક લેવા માટે 30 હજાર રૂપિયા પણ આપ્યા હતા.

આમ, દહેજની માંગણી સાથે અવારનવારના ત્રાસથી કંટાળીને હેતલબેને થોડા સમય પૂર્વે સુરજકરાડી ખાતેના તેઓના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

આમ, આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા આપવા અંગે મૃતકના પિતાની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે નીતિન પીઠાભાઈ શ્રીમાળી સામે આઈ.પી.સી. કલમ 306, 498 (ક) તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ મીઠાપુરના પી.આઈ. જે.કે. ડાંગર દ્વારા હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS