નેપાળમાં રાજાશાહી માટે ગૃહયુદ્ધની ભીતિ, સરકારને એક સપ્તાહનું અલ્ટીમેટમ

  • March 28, 2025 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
નેપાળમાં અત્યાર સુધી શાંતિપૂર્ણ આદોલન ચલાવી રહેલા રાજાશાહી સમર્થક સંગઠનોએ ધીમે ધીમે પોતાના તેવર આક્રમક બનાવ્યા છે અને હવે સરકારને એક અઠવાડિયાનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમનું કહેવું છે કે જો સરકાર તેમની સાથે સમાધાન નહીં કરે તો આંદોલન વધુ તીવ્ર બનશે, જો આમ થયું તો નેપાળમાં ગૃહયુદ્ધ ફાટી નીકળે તો નવાઈ નહી.


નેપાળમાં રાજાશાહીની માંગણી કરતું આંદોલન દિવસેને દિવસે વધુ મજબૂત બની રહ્યું છે. રાજાશાહીનું સમર્થન કરતી સંસ્થાઓએ સરકારને એક અઠવાડિયાનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમનું કહેવું છે કે જો એક અઠવાડિયામાં કોઈ સમજૂતી નહીં થાય તો તેઓ આંદોલનને વધુ તીવ્ર બનાવશે. સંયુક્ત જન આંદોલન સમિતિએ કહ્યું છે કે તેઓ શુક્રવારે ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે એક રેલી કરશે.


સંગઠનના પ્રવક્તા નબરાજ સુબેદીએ જણાવ્યું હતું કે તેમણે તમામ લોકશાહી પક્ષો અને સરકારને એક અઠવાડિયાનો સમય આપ્યો છે. તેમણે કહ્યું કે તેમનું આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. જોકે, જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો આ આંદોલન વધુ તીવ્ર બનશે અને અમે અમારું લક્ષ્ય પ્રાપ્ત કરીશું.


આંદોલનકારીઓની માંગણી શું છે

આંદોલનકારીઓનું કહેવું છે કે સરકારે ૧૯૯૧ના બંધારણનો અમલ કરવો જોઈએ અને દેશમાં એક બંધારણીય રાજાશાહી હોવી જોઈએ જેમાં બહુપક્ષીય વ્યવસ્થા અને સંસદીય લોકશાહીને પણ સ્થાન આપવામાં આવે. તેમનું કહેવું છે કે નેપાળ એક હિન્દુ રાષ્ટ્ર હોવું જોઈએ.સરકાર પાસેથી તેમની માંગ છે કે હાલના બંધારણમાં જરૂરી સુધારા કરવામાં આવે અને જૂના કાયદાઓ લાગુ કરવામાં આવે. શુક્રવારે, ચાર પક્ષીય ગઠબંધન સમાજવાદી સુધારણા પણ લોકશાહીના સમર્થનમાં પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટી માઓવાદી અને સીપીએન પણ તેમાં ભાગ લેશે. તેમનું કહેવું છે કે નેપાળના લોકોએ આ લોકશાહી માટે લડત આપી છે અને તેને ખતમ થવા દઈ શકાય નહીં.


કાઠમંડુમાં હિંસક અથડામણની આશંકા

સરકારે કહ્યું છે કે રાજધાનીમાં તણાવને ધ્યાનમાં રાખીને 5,000 સૈનિકો તૈનાત કરવામાં આવશે. એજન્સીઓએ કાઠમંડુમાં હિંસક અથડામણની પણ આશંકા વ્યક્ત કરી છે. પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહના સમર્થકોએ 11 એપ્રિલથી આંદોલનને વધુ તીવ્ર બનાવવાની જાહેરાત કરી છે. દરમિયાન, નેપાળના ટોચના નેતાઓનું કહેવું છે કે હવે નેપાળમાં રાજાશાહીનું પુનરાગમન અશક્ય છે.


નેપાળ 240 વર્ષ સુધી હિન્દુ રાષ્ટ્ર હતું

૨૪૦ વર્ષ સુધી નેપાળ એક હિન્દુ રાષ્ટ્ર હતું અને અહીં રાજાશાહી શાસન કરતી હતી. વર્ષ 2001 માં, રાજા વીરેન્દ્ર વિક્રમ શાહની તેમના પરિવાર સાથે હત્યા કરવામાં આવી હતી. આ પછી, તેમના ભાઈ જ્ઞાનેન્દ્ર શાહ 2002 માં રાજા બન્યા. ચીન તરફી કમ્યુનિસ્ટ પાર્ટીએ 2006 માં રાજાશાહી નાબૂદ કરી અને નેપાળ સામ્યવાદી શાસન હેઠળ આવ્યું. પુષ્પ કમલ દહલ પ્રચંડે તો રાજાશાહી સામે ગેરિલા યુદ્ધ પણ શરૂ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application