પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. શહેરના ચીઠિયાવાડ વિસ્તારમાં જૂનું મકાન તોડવાની કામગીરી દરમિયાન અચાનક દીવાલ ધસી પડતા પિતા અને તેમના ચાર વર્ષના માસૂમ પુત્રનું કાટમાળ નીચે દબાઈ જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ગોધરા તાલુકાના દયાળ ગામના વતની કાળુભાઈ ઝાલૈયા મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગોધરાના ચીઠિયાવાડ વિસ્તારમાં એક જૂના મકાનને તોડવાની મજૂરી કામ માટે તેઓ આવ્યા હતા. પિતા સાથે તેમનો ચાર વર્ષનો પુત્ર કિશન પણ આવ્યો હતો અને કામના સ્થળે પિતાની નજીક જ રમી રહ્યો હતો.
પિતા જ્યારે મકાન તોડવાની કામગીરીમાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક મકાનની એક જર્જરિત દીવાલ પિતા-પુત્ર ઉપર ધસી પડી હતી. દીવાલ પડવાનો અવાજ સાંભળી આસપાસના લોકો તરત જ બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. જોકે, કાટમાળ એટલો ભારે હતો અને ઈજાઓ એટલી ગંભીર હતી કે કાળુભાઈ અને માસૂમ કિશન બંનેએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સ્થાનિકોની મદદથી કાટમાળ હટાવી બંનેના મૃતદેહો બહાર કાઢ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ કરુણ બનાવને પગલે હોસ્પિટલ ખાતે મૃતકના સંબંધીઓના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
બીજી તરફ, મૃતકના પરિવારજનોએ કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારનું કહેવું છે કે, મકાન તોડવા જેવી જોખમી કામગીરીમાં સુરક્ષાના કોઈ જ સાધનો (સેફ્ટી ગિયર) આપવામાં આવ્યા નહોતા કે કોઈ તકેદારી રાખવામાં આવી નહોતી. યોગ્ય સુરક્ષા વ્યવસ્થાના અભાવે જ પિતા-પુત્રએ જીવ ગુમાવવો પડ્યો હોવાનો આક્રોશ પરિવારે વ્યક્ત કર્યો છે.
ગોધરા પોલીસે હાલમાં આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર બાંધકામ ક્ષેત્રે શ્રમિકોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કર્યા છે. શું કોન્ટ્રાક્ટર સામે બેદરકારીનો ગુનો દાખલ કરવામાં આવશે? તે જોવાનું રહેશે. આ ગરીબ શ્રમિક પરિવારે પોતાનો કમાનાર મોભી અને કુળનો દીપક બંને એકસાથે ગુમાવતા ગામમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.