બામણબોરના અનેક ખેડુતોની કિંમતી જમીન ટોળકીએ બોગસ દસ્તાવેજોથી પચાવી પાડી

  • March 20, 2025 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના વાઘજીભાઈ દેવાભાઈ સોલંકી (ઠે.નવા થોરાળા મેઈન રોડ)એ તેના પિતાને દાદા તરફથી મળેલ બામણબોરની ખેતી જમીનમાં થયેલ બોગસ દસ્તાવેજ તથા બોગસ રેવન્યુ એન્ટ્રી બાબતે કલેકટર સમક્ષ લેખિત ફરીયાદ કરી કડક પગલાં લેવા માગણી કરી છે.

ફરીયાદની વિગતો મુજબ સને-૧૯૭૭માં ફરીયાદીના દાદા મેઘા લખમણને બામણબોરની સર્વે નં. ૪૮૮ની ૮ એકર જગ્યા પ્રાપ્ત થયેલ અને તે સને ૧૯૮૩માં નવી શરતમાંથી જુની શરતમાં ફરીયાદીના દાદાએ ફેરવવા કાર્યવાહી કરી હતી. ત્યારબાદ ફરીયાદીના દાદાનું અવસાન થતાં સદરહું જમીનમાં ફરીયાદીના પિતા તથા અન્ય ત્રણ વારસદારોનું નામ વારસાઈથી દાખલ કરવામાં આવ્યા હતા.જેની નોંધ તલાટી રેકર્ડમાં ૧૯૯૯માં થયા બાદ કૌટુંબીક વહેંચણીની પણ નોંધ દાખલ થયેલ હતી. જે વિગતે ફરીયાદીના પિતા દેવાભાઈ તથા તેના ભાઈજી સીદાભાઈના નામે ઉપરોકત ખેતીની જમીનની નોંધ દાખલ થઇ હતી.

દરમિયાન બામણબોરમાં રહેતા ભરવાડ નથુ નોંધા પોતે ખાતેદાર ખેડુત ન હોવા છતાં તેમણે સબ-રજિસ્ટ્રાર કચેરીના બોગસ સિકકાઓ બનાવી ફરીયાદીના પિતા તથા તેના ભાઈજીએ તેને ડિસેમ્બર ૧૯૯૯માં વેંચાણ આપ્યાના ખોટા દસ્તાવેજો બનાવી નોંધણી કરાવી લીધી હોવાનું ધ્યાને આવ્યું હતું. આવી રીતે અન્ય ખેડૂતોની જમીન પચાવી પાડી ઉતરોઉતર ખોટા વેંચાણ દસ્તાવેજો નોંધાવવામાં આવેલ હોય અને તેમાં એક વકીલની પણ સંડોવણી હોવા અંગે વાઘજીભાઈ દેવાભાઈએ જિલ્લા કલેકટરને લેખિત ફરીયાદ આપી છે. આ ફરીયાદ બાબતે યોગ્ય હુકમ અને આદેશ મેળવવા મુખ્ય મંત્રી, મહેસુલ મંત્રી તથા ગૃહમંત્રીને પણ નકલ મોકલી તાત્કાલિક પગલા લેવા અને પોલીસ ફરીયાદ કરવા રજુઆત કરવામાં આવી છે. ઉપરોકત કામમાં ફરીયાદી વતી એડવોકેટ દરજજે વિકાસ કે. શેઠ, અલ્પા શેઠ, પ્રકાશ બેડવા, ફાતેમાં ભારમલ વિગેરે રોકાયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application