રાજકોટ જિલ્લામાં ડ્રોન દ્વારા યૂરિયા-ખાતર છંટકાવની યોજનાનો લાભ લેતા ખેડૂતો

  • January 11, 2023 04:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા ગામના ખેડૂત લક્ષ્મણભાઈ ધડૂકને સપને પણ કલ્પના નહોતી કે, તેમના ખેતરમાં ડ્રોન ઊડતું હશે, તેઓ પોતાના કપાસના પાકમાં ડ્રોન કેમેરાથી દવા-ખાતરનો છંટકાવ કરી શકશે અને નિંદામણ તેમજ દવા છંટકાવ માટે થતો નાણાંનો ખર્ચ, શ્રમ તેમજ સમય બચાવી શકશે. એટલું જ નહીં, ડ્રોનથી દવા છંટકાવ કરવા બદલ તેમને સરકાર દ્વારા સહાયના રૂપિયા પણ મળશે. 


ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની દૂરંદેશી નીતિના કારણે આ શક્ય બન્યું છે. ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસી અંતર્ગત ખેડૂતોને ડ્રોનથી દવા-ખાતર છંટકાવ માટે આર્થિક સહાય પણ ચૂકવવામાં આવે છે. 


ખેડૂત લક્ષ્મણભાઈ ધડૂક જણાવે છે કે, એવો પાક કે જેમાં દવા છંટકાવ માટે માણસો પ્રવેશી ના શકે અથવા તો દવા છંટકાવ માટે શ્રમિકો ના મળે, ત્યારે આ યોજના ખૂબ આશીર્વાદરૂપ છે. ગુજરાત સરકારની આ યોજનાથી અમને ઘણો લાભ થયો છે. કેવી રીતે મળી આ યોજનાની જાણકારી તે અંગે તેમણે કહ્યું કે, ગામના એક યુવક પાસેથી તેમને ડ્રોનથી દવા છંટકાવની યોજના વિશે જાણકારી મળી હતી. એ પછી તેમણે વિલેજ ઓપરેટર મારફતે અરજી કરી હતી. આમ તેઓ આ યોજનાનો લાભ લઈ શક્યા છે.


જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એ. એલ. સોજીત્રાના જણાવ્યા પ્રમાણે, આ યોજના અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૦ ખેડૂતો દ્વારા ૬૭ એકરમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. જેમને સહાય ચૂકવવાની કામગીરી ગતિમાં છે. અત્યાર સુધીમાં રૂપિયા ૯૬ હજાર જેટલી સહાય ચૂકવવામાં આવી છે. ખેતીવાડી વિભાગના અધિકૃત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એક ખેડૂતને એક એકર દીઠ ખર્ચના ૯૦ ટકા અથવા તો વધુમાં વધુ રૂપિયા ૫૦૦ની રકમ (બેમાંથી જે ઓછું હોય તે) ચૂકવવામાં આવે છે. વધુમાં વધુ પાંચ એકર સુધી અને પાંચ છંટકાવની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવે છે. 


અત્યારે પણ ડ્રોનથી દવા છંટકાવ માટે અરજીઓ સ્વીકારવાનું ચાલુ છે. ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ (ikhedut.gujarat.gov.in) પર ૨૮મી જાન્યુઆરી સુધી અરજી કરી શકે છે. વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર પાસે પણ જઇને અરજી કરી શકાય છે. અરજી માટે આધારકાર્ડ, સાત-બારના ઉતારા તેમજ બેન્કની પાસબુક જેવા પુરાવા હોવા જરૂરી છે.  નોંધનીય છે કે, ટેક્નોલોજીના આધારે લોકોનું જીવન સરળ અને સુવિધાયુક્ત બને તે માટે ગુજરાતના પ્રગતિશીલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત ચિંતિત હોય છે. વર્તમાન સમયમાં ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે ખેડૂતોને તેનો લાભ આપી શકાય તેની વ્યવસ્થા કરવામાં આવી છે. આથી જ ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જંતુનાશક દવાઓનો છંટકાવ, નેનો યૂરિયા છંટકાવ માટે ડ્રોનના ઉપયોગ બદલ આર્થિક સહાય ચૂકવવામાં આવે છે.


આ યોજના અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૦ ખેડૂતો દ્વારા ૬૭ એકરમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. જેમને સહાય ચૂકવવાની કામગીરી ગતિમાં છે. અત્યાર સુધીમાં રૂપિયા ૯૬ હજાર જેટલી સહાય ચૂકવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application