14 ડિસેમ્બરે ખેડૂતો દિલ્હી કૂચ કરશે, ખેડૂત નેતા સરવણસિંહ પંઢેરનું એલાન

  • December 10, 2024 05:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શંભુ બોર્ડર પર અડિંગો જમાવી બેઠેલા ખેડૂતોએ ફરી એકવાર દિલ્હી કૂચનું એલાન કરી દીધું છે. ખેડૂત નેતા સરવણસિંહ પંઢેરે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, હવે અમે 14 ડિસેમ્બરે દિલ્હી તરફ કૂચ કરીશું. અમારા વિરોધને 303 દિવસ પૂરા થયા છે અને ખેડૂતોના આમરણાંત ઉપવાસ પણ 15માં દિવસે પહોંચી ગયા છે. અમે હંમેશા વાતચીતનું સ્વાગત કર્યું જો કે, સરકાર તરફથી કોઈએ અમારો સંપર્ક કર્યો નથી.


સરવણસિંહ પંઢેરે વધુમાં કહ્યું કે, બંને સંગઠનોએ નક્કી કર્યું છે કે અમે 14 ડિસેમ્બરે 101 ખેડૂતોનો સમૂહ મોકલીશું. આવતીકાલે (બુધવારે) અમે ખેડૂતોના આંદોલનની સફળતા માટે પ્રાર્થના કરીશું. અમે તે ખેડૂતોને મુક્ત કરવાની માગ કરીએ છીએ જેમની વિરોધ દરમિયાન ધરપકડ કરવામાં આવી છે અથવા અટકાયત કરવામાં આવી છે. હું અમારા ફિલ્મ સ્ટાર્સ, ગાયકો અને ધાર્મિક નેતાઓને પણ વિનંતી કરવા માંગુ છું કે કૃપા કરીને વિરોધ કરીને અમારા વિરોધનો પ્રચાર કરો. ખેડૂતોની દિલ્હી કૂચને પગલે રાજધાની દિલ્હીમાં માહોલ ખોરવાઈ શકે છે તથા ટ્રાફિકજામની પણ સમસ્યા થઈ શકે છે.


ખેડૂતોએ 6 અને 8 ડિસેમ્બરે દિલ્હી જવાનો પ્રયાસ કર્યો હતો
આ પહેલા સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચાના બેનર હેઠળ 101 ખેડૂતોના જૂથે 6 અને 8 ડિસેમ્બરે પગપાળા દિલ્હી જવાના બે વખત પ્રયાસો કર્યા હતા, પરંતુ હરિયાણાના સુરક્ષા કર્મચારીઓએ તેમને આગળ વધવા નહોતા દીધા. આ દરમિયાન ખેડૂતો અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી, ત્યારબાદ ખેડૂતોને પાછળ ધકેલવા માટે ટીયર ગેસના સેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ઘણા ખેડૂતો ઘાયલ પણ થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application