રાજ્ય અને કેન્દ્ર સરકારની ખેડૂતોની આવક ડબલ કરવાના બણગા વચ્ચે એક ચોંકાવાનારો રિપોર્ટ સામે આવ્યો છે. જે મુજબ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રની એનપીએમાં 11.2 ટકાનો વધારો થયો છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં કૃષિ ક્ષેત્રની એનપીએ નાણાકીય વર્ષ 2025માં રૂ. 6371 કરોડ હતી તે વધીને નાણાકીય વર્ષ 2026માં રૂ. 7083 કરોડ પર પહોંચી છે. ખેતીના વધતા ખર્ચની સામે પાકનું ઓછું ઉત્પાદન મળવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે.
રિપોર્ટ મુજબ, આ સમયગાળા દરમિયાન ટૂંકા ગાળાની પાક લોનની એનપીએ 14 ટકા વધીને રૂ. 2573 કરોડથી રૂ. 2934 કરોડ થઈ છે, જ્યારે લાંબા ગાળાની કૃષિ ટર્મ લોનની એનપીએ 9.2 ટકા વધીને રૂ.3798 કરોડથી રૂ. 4149 કરોડ પર પહોંચી છે.
બેન્કિંગ ક્ષેત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભલે કુલ બાકી લોનની સામે એનપીએનો રેશિયો નજીવો ઘટ્યો હોય, પરંતુ કેટલાક ચોક્કસ વિસ્તારોમાં ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રે આર્થિક ખેંચ સ્પષ્ટ દેખાઈ રહી છે, જેના કારણે આ વખતે એનપીએમાં વધારો થયો છે.
સૂત્રએ જણાવ્યું કે, પાકના નુકસાનને કારણે ઓછી આવક અને ખેતીના સાધનો-ખાતર વગેરેના ઊંચા ખર્ચને લીધે આ સ્થિતિ બની છે. અગાઉની કૃષિ સીઝન દરમિયાન અનિયમિત અને કમોસમી વરસાદને કારણે પાકના ઉત્પાદનને માઠી અસર થઈ હતી, જેના લીધે ખેતી પાછળ વધુ ખર્ચ કરવા છતાં ઘણા ખેડૂતોને ધારી આવક મળી શકી નથી.
તેમજ સૂત્રોએ વાવણીની સીઝન દરમિયાન મુખ્ય ખાતરોની અછતનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ખેતીકામ ખોરવાયું હતું. આ સાથે જ બિયારણના ભાવમાં પણ વધારો થતાં ખેતીનો ખર્ચ વધ્યો હતો અને ખેડૂતોની લોન લેવાની જરૂરિયાત વધી ગઈ હતી.
પાક લોનની એનપીએમાં વધારો તાજેતરના પાક સાથે જોડાયેલી તાત્કાલિક ચૂકવણીની કટોકટી દર્શાવે છે, જ્યારે ટર્મ લોનમાં ડિફોલ્ટનો વધારો એવા ખેડૂતોની વ્યાપક નાણાકીય તકલીફ તરફ ઈશારો કરે છે જેમણે સિંચાઈના સાધનો, ટ્રેક્ટર-મશીનરી અને અન્ય લાંબા ગાળાની સંપત્તિઓમાં રોકાણ કર્યું છે.