અલવિદા અર્થતંત્રના સરદાર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર

  • December 28, 2024 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના અંતિમ સંસ્કારને લઈને કોંગ્રેસ અને કેન્દ્ર સરકાર સામસામે છે. પૂર્વ વડાપ્રધાનોની જેમ કોંગ્રેસે રાજઘાટ પાસે અંતિમ સંસ્કાર માટે જમીનની માંગણી કરી હતી, જ્યાં તેમનું સ્મારક પણ બનાવવામાં આવે તેવી માગ કરાઈ છે. જો કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર માટે નિગમ બોધ ઘાટ પર સ્થળ નક્કી કર્યું છે. સ્મારક માટે ટૂંક સમયમાં જમીન ફાળવવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગઈકાલે રાત્રે કહ્યું હતું કે સરકાર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા ફાળવશે અને આ અંગે તેમના પરિવાર અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને જાણ કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે એક ટ્રસ્ટની રચના કરવી પડશે અને જગ્યા ફાળવવી પડશે, તે દરમિયાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર અને અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ થઈ શકે છે.
ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર શનિવારે લગભગ બપોરે 12 વાગ્યે નવી દિલ્હીના નિગમબોધ ઘાટ પર પૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે વડાપ્રધાન મોદીને સિંહના અંતિમ સંસ્કાર અને સ્મારક માટે વિશેષ જગ્યા ફાળવવા અને એક યાદગાર સ્મારક બનાવવા વિનંતી કરી જેથી આવનારી યુવા પેઢી તેમના વ્યક્તિત્વ વિશે જાણી શકે અને તેમની પાસેથી પ્રેરણા લઈ શકે.
પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવાએ કહ્યું, હું વડાપ્રધાન મોદીને વિનંતી કરું છું કે, આધુનિક સમયના મહાન શીખોમાંના એક ડો. મનમોહન સિંહનું રાષ્ટ્રમાં તેમના મહાન યોગદાનને અનુરૂપ સ્મારક બનાવીને તેમનું સન્માન કરો.
કેટલાક વિરોધ પક્ષોએ આ મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું હતું. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે દેશના પૂર્વ વડાપ્રધાનની સમાધિના સંદર્ભમાં સન્માનની પરંપરાનું પાલન કરવું જોઈએ. તેમણે એક્સ પરની એક પોસ્ટમાં કહ્યું કે આ મુદ્દે કોઈ રાજનીતિની જરૂર નથી અને થવી જોઈએ નહીં અને ડો. મનમોહન સિંહની સમાધિ રાજઘાટ પર જ બનાવવી જોઈએ. તેમણે દાવો કર્યો કે, ભાજપે તેની સંકુચિત વિચારસરણીનું અયોગ્ય ઉદાહરણ બેસાડવું જોઈએ નહીં. ઈતિહાસ ભાજપ્ને તેના નકારાત્મક દૃષ્ટિકોણ માટે ક્યારેય માફ નહીં કરે.

ઇરાદાપૂર્વક ભારતના પૂર્વવડાન પ્રધાનનું અપમાન: કોંગ્રેસ
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિનંતી કરી હતી કે પૂર્વ વડાપ્રધાન સિંહના અંતિમ સંસ્કાર એવી જગ્યાએ કરવામાં આવે જ્યાં સ્મારક બનાવવામાં આવે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર અને સ્મારક માટે સ્થળ શોધવામાં સરકારની નિષ્ફળતા એ ભારતનાવડાપ્રધાનનું ઈરાદાપૂર્વકનું અપમાન છે. આપણા દેશના લોકો એ સમજવામાં અસમર્થ છે કે શા માટે ભારત સરકાર તેમના અંતિમ સંસ્કાર અને સ્મારક માટે સ્થળ શોધી શકી નહીં જે તેમના વૈશ્વિક કદ, ઉત્કૃષ્ટ સિદ્ધિઓના રેકોર્ડ અને દાયકાઓથી રાષ્ટ્રની અનુકરણીય સેવાને અનુરૂપ હોય.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application