જામનગરમાં સોમવારે સતત બીજા દિવસે વાજબી ભાવની દુકાનો બંધ રહેતા કાર્ડધારકોને રાશન ન મળતા ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ફેર પ્રાઇઝ એસોસીએશનની રાજ્યવ્યાપી હડતાળમાં શહેર-જિલ્લાના ૩૫૬ દુકાનદારનો ટેકો યથાવત રહ્યો છે. અન્ન અને પુરવઠા સચિવ સાથેની બીજી બેઠક પણ નિષ્ફળ જતા આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ નકારી શકાતા નથી.
જામનગર સહીત રાજયભરના રાશનકાર્ડ ધારકોને નવેમ્બર મહીનાના અનાજના જથ્થાની ફાળવણી સરકાર દ્રારા કરવામાં આવી છે. પરંતુ વ્યાજબી ભાવના દુકાનદારોના પડતર પ્રશ્નો લાંબા સમયથી ન ઉકેલાતા ૧ નવેમ્બરથી ફેર પ્રાઇઝ એસોસીએશન દ્રારા રાજયવ્યાપી હડતાળ શરૂ કરવામાં આવી છે. આથી શનિવારે વાજબી ભાવના દુકાનદારોએ દુકાનો બંધ રાખી વિરોધ કર્યો હતો. રાજયવ્યાપી હડતાળમાં જામનગર શહેર-જિલ્લાના ૩૫૬ વાજબી ભાવના દુકાનદારો જોડાયા છે. આથી શહેર-જિલ્લાના તમામ ૨,૧૩,૭૪૯ રાશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ બંધ રહેતા દેકારો બોલી ગયો હતો. આંદોલન અંગે જામનગર જિલ્લા ફેર પ્રાઇઝ એસોસીએશનના ઉપપ્રમુખ મનજીભાઇ વાધેલાએ જણાવ્યું હતું કે, રાજયવ્યાપી હડતાળના પગલે જામનગર શહેર-જિલ્લામાં પણ વાજબી ભાવના દુકાનદારોએ શનિવારે દુકાનો બંધ રાખી હતી. આથી ધઉં, ચોખા, ખાંડ, દાળ સહીતના વાજબી ભાવના રાશનનું વિતરણ બંધ રહ્યું હતું. સરકાર દ્રારા રાશનના દુકાનદારોને દર મહીને ૨૦ હજારનું વળતર આપવાની જાહેરાત કરી છે.
પરંતુ આ રકમ ખૂબજ ઓછી હોવાનું અને તેમાં વળી ૯૭ ટકા વિતરણની શરત ઉનુચિત હોવાનું દુકાનદારોએ જણાવ્યું છે. તદઉપરાંત અનેક પડતર પ્રશ્નો છે. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઇ નકકર ઉકેલ આવ્યો નથી. આથી નાછૂટકે આચોકકસ મુદતની હડતાળનું આંદોલનનું રણશીંગુ ફૂકવામાં આવ્યું છે. ત્યારે રવિવારે એસોસીએશના રાજયના મુખ્ય હોદેદારો અને અન્ન- પુરવઠા સચિવ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં હોદેદારોએ ઉગ્ર રજૂઆતો કરતા સચિવ બેઠક છોડી ચાલ્યા જતા બેઠક નિષ્ફળ રહી હતી. આથી સોમવારે પણ હડતાળ યથાવત રહેતા જામનગર શહેર-જિલ્લાના તમામ ૩૫૬ વાજબી ભાવના દુકાનદારોએ દુકાનો બંધ રાખી હતી. મહીનાની શરૂઆતમાં સતત બીજા દીવસે શહેર-જિલ્લામાં વાજબી ભાવની દુકાનો બંધ રહેતા કાર્ડધારકો ભારે હેરાન-પરેશાન થઇ ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application