કોવિડ હોસ્પીટલમાં વધારાના બેડ પણ ખુટી પડયા: અફરાતફરીનો માહોલ

  • April 14, 2021 08:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જીલ્લા કલેકટરે સ્વીકાર્યુ કે કોવિડ હોસ્પીટલમાં 1441 દર્દીઓ આવ્યા છે અને 150 દર્દીઓને આયુ. કોવિડ સેન્ટરમાં ખસેડાયા છે : વધારાના 209 બેડ પર દર્દીઓને દાખલ કરાયા : એકાદ-બે દિવસમાં વધુ 100 વેન્ટીલેટર આવશે : હોટલો-ગેસ્ટહાઉસ ફુલ

જામનગરની કોવિડ હોસ્પીટલ દર્દીઓથી ઉભરાઇ ગઇ છે, ચારેકોર કોરોનાના દર્દીઓ જોવા મળે છે, એકા એક વધારેલા 209 બેડ પણ એક જ દિવસમાં ભરાઇ ગયા છે, સરકારી કોવિડ હોસ્પીટલમાં 1450 દર્દીઓ દાખલ છે, દર્દીનો ઘસારો વધતા 150 દર્દીઓને આયુર્વેદીક કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે, સુત્રોના જણાવ્યા અનુસાર હાલમાં 500 થી વધુ દર્દીઓ ગંભીર અને 72થી વધુ દર્દીઓ ક્રિટીકલ હાલતમાં છે, હાલમાં તો ઓકસીજન અને દવાનો પુરતો પુરવઠો છે, જે રીતે દર્દીનો ઘસારો જોવા મળ્યો છે તે જોતા હજુ વધુ કોવિડ સેન્ટર ઉભા કરવા તંત્ર દ્વારા વિચાર કરવામાં આવી રહયો છે.

જામનગર શહેરની કોવિડ હોસ્પીટલમાં મૃત્યુનો સીલસીલો જારી છે, એવેરજ 80 થી 90 દર્દીના મોત થાય છે, અઠવાડીયામાં અનેક દર્દીના મોત થઇ ચુકયા છે, કોરોનાનું સંક્રમણ ખુબ જ વધી ગયું છે અને પોઝીટીવ કેસે ત્રેવડી સદી ફટકારી છે, સ્થાનીક અને બહારગામના દર્દીઓ વધુ પ્રમાણમાં આવે છે, લેબોરેટરીમાં ટેસ્ટ રીપોર્ટ માટે લાંબુ લીસ્ટ હોય, દર્દીના રીપોર્ટ મોડા મળી રહયા છે.

કોવિડ હોસ્પીટલમાં નોડલ ઓફીસર એસ.એસ. ચેટરજી, ડો. ભુપેન્દ્ર ગોસ્વામી, ડો. અજય તન્નાની ટીમ, ડીન ડો. નંદીની દેસાઇના માર્ગદર્શન હેઠળ કામ કરી રહી છે ત્યારે દર્દીઓ જે રીતે આવી રહયા છે તેના પ્રમાણમાં ડોકટરોની સંખ્યા ખુબ જ ઓછી છે, જામનગર ઉપરાંત રાજકોટ, પોરબંદર, મોરબી, જુનાગઢ સહિતના ગામોમાંથી દર્દીઓ અને તેના સગા-વ્હાલાઓ જામનગર આવે છે ત્યારે ખાનગી વાહનના પાર્કીંગ માટે ધનવંતરી મેદાન ફાળવી દેવામાં આવ્યું છે અને શહેરના મોટાભાગના હોટલ, ગેસ્ટહાઉસો ફુલ થઇ ગયા છે.

કોવિડ હોસ્પીટલની બહાર આક્રંદભયર્િ દ્રશ્યો જોવા મળે છે, દર્દીઓના સગાઓ માટે મંડપ પણ બાંધવામાં આવ્યા છે, 24 કલાક હેલ્પલાઇન સેવા ચાલુ કરી દેવામાં આવી છે, એક પછી એક મૃતદેહ નીચે આવી રહયા છે ત્યારે અશ્રુભીના દ્રશ્યો સર્જાય છે, એવરેજ અઢી કલાકમાં ત્રણ મૃતદેહ નીચે આવતા હોવાનું જાણવા મળે છે, ગાંધીનગર ખાતેના મોક્ષ મંદિર સ્મશાનમાં વધારાની ગેસ આધારીત ભઠ્ઠી ચાલુ કરી દેવામાં આવતા અગ્નીદાહ દેવા માટેની તકલીફ ઓછી થઇ છે અને માણેકબાઇ સુખધામ સ્મશાનમાં પણ મૃતદેહની લાઇનો લાગી છે.

શહેરમાં અતી સંક્રમણને કારણે લોકો પણ ભયભીત થઇ ગયા છે, અત્યાર સુધીમાં લોકોએ ન જોયા હોય તેવા દિવસો જોવા મળ્યા છે, શહેર, જીલ્લાના ધાર્મિક સ્થાનો તા. 30 સુધી બંધ કરી દેવામાં આવ્યા છે, જીલ્લા જેલમાં રહેલા કેદીઓને બ મળવા તા. 15 થી પ્રતીબંધ લગાવી દેવામાં આવ્યો છે.

જામનગર શહેરમાં હાલત બગડતી જાય છે, શહેરના લોકોને કયાં દાખલ કરવા તેવી સ્થીતીનું નિમર્ણિ થઇ ચુકયુ છે, કોવિડની ખાનગી હોસ્પીટલમાં મસમોટા ભાવ લેવાતા હોવા છતા પણ ફુલ થઇ ગઇ છે. આજે જીલ્લા કલેકટરે ફરીથી જાહેર કર્યુ છે કે કોવિડ હોસ્પીટલના 1450 બેડ ફુલ થઇ ગયા છે, અન્ય વોર્ડના 250 બેડ પણ ભરાઇ ગયા હોય, આઇસીયુ પણ ફુલ થઇ ગયું છે, આઇસીયુના 235 બેડ તેમજ નોન આઇસીયુના 1215 બેડ ભરાઇ ચુકયા હોય કોઇ પણ બેડ ખાલી નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS