પૂર્વ નેવી કર્મચારીએ ખુદને મૃત જાહેર કર્યો, પત્ની લઈ રહી હતી પેન્શન: 20 વર્ષે ફૂટ્યો ભાંડો

  • October 18, 2023 01:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિલ્હી પોલીસે 20 વર્ષ બાદ એક પૂર્વ નેવી કર્મચારીની ધરપકડ કરી છે. આરોપીએ હત્યા બાદ પોતાને મૃત જાહેર કરવા માટે ટ્રકમાં બે મજૂરોને જીવતા સળગાવી દીધા હતા. ત્યારબાદ તેણે પોતાને મૃત જાહેર કર્યો અને નામ બદલી દિલ્હીમાં રહેતો હતો. તેના મૃત જાહેર થયા બાદ તેની પત્ની સરકાર પાસેથી પેન્શન પણ લેતી હતી. ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ સીપી રવીન્દ્ર યાદવના જણાવ્યા અનુસાર ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે નજફગઢ વિસ્તારમાં બાલેશ કુમાર નામનો વ્યક્તિ પોતાનું નામ બદલીને અમન સિંહ તરીકે રહી રહ્યો છે. ત્યારબાદ ટીમે છટકું ગોઠવીને તેને પકડી લીધો હતો.



પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે બાલેશ કુમારે 1 મેં 2004ના રોજ જાતે જ પોતાના ટ્રકમાં આગ લગાવી દીધી હતી. આ અકસ્માતમાં બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. તેમાંથી એકની ઓળખ બાલેશ કુમાર તરીકે થઈ હતી, જ્યારે અન્ય મૃતકની ઓળખ થઈ શકી ન હતી. આરોપીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને મજૂર હતા. તેઓ બિહારના રહેવાસી હતા અને તેમનાં નામ મનોજ અને મુકેશ હતા. બંને મજૂરોને પૈસા આપીને બાલેશ દિલ્હીના સમયપુર વિસ્તારથી સાથે લઇ ગયો હતો. દિલ્હી પોલીસે જોધપુરના ડાંડિયાવાર પોલીસ સ્ટેશનમાં બંને મજૂરોની હત્યાની જાણકારી આપી દીધી છે જેથી કેસને રિ-ઓપન કરી ફરી તપાસ શરુ કરી શકાય.



તપાસ દરમિયાન પોલીસને એ પણ જાણવા મળ્યું કે પોતાને મૃત જાહેર કર્યા પછી બાલેશ કુમારે વીમો અને પેન્શન તેની પત્નીના નામે ટ્રાન્સફર કરાવ્યું હતું, તેણે જે ટ્રકમાં અકસ્માત દર્શાવ્યો હતો તે તેના ભાઈ મહિન્દર સિંહના નામે નોંધાયેલ હતો. આરોપીએ ટ્રકનો સંપૂર્ણ વીમો મેળવી તેને પોતાની પત્નીના નામે ટ્રાન્સફર કરાવી દીધો હતો.


પોલીસે હત્યાના મામલામાં સુંદરલાલની ધરપકડ કરી હતી જયારે કોર્ટમાં બાલેશનું મૃત્યુ પ્રમાણપત્ર બતાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપી બાલેશે પોતાનું નામ બદલીને અમન સિંહ કરી લીધું અને આ જ નામથી આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ પણ બનાવડાવી લીધા હતા. આ જ દસ્તાવેજોના આધારે તેણે બેંકમાં ખાતું પણ ખોલાવી લીધું હતું. બાલેશ કુમાર મૂળરૂપથી પાનીપતના નજીક એક ગામનો રહેવાસી છે. તેણે આઠમા ધોરણ સુધી શિક્ષા પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ વર્ષ 1981માં તે નેવીમાં ભર્તી થયો અને વર્ષ 1996માં નિવૃત્ત થયો હતો. નિવૃત્ત થયા બાદ તે વર્ષ 2000માં પરિવાર સાથે ઉત્તમનગરમાં રહેવા લાગ્યો હતો. હાલ આરોપી એક પ્રોપર્ટી ડીલર તરીકે કામ કરી રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application