BREAKING NEWS

દરેક મ્યુઝિક મેલોડિયસ જ હોય, હિટ થવાનો આધાર તર્જ, ગાયકી, શબ્દ ઉપર: સચેત ટંડન

  • November 19, 2025 04:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરેક મ્યુઝિક તો મેલોડીયસ જ હોય છે પરંતુ કોઇ પણ સોંગ હીટ થવાનો મુખ્ય આધાર તેની તર્જ, ગાયકી અને શબ્દો ઉપર હોય છે તેમ રાજકોટ આવેલા બોલિવૂડના સિંગર અને મ્યુઝિક કમ્પોઝર સચેત ટંડનએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

રાજકોટ મહાપાલિકાના બાવનમા સ્થાપના દિવસ નિમિતે આજે તા.૧૯ નવેમ્બરના રોજ રેસકોર્સ મેદાનમાં આયોજિત મ્યુઝિકલ નાઇટમાં પરફોર્મ કરવા આવેલા બોલિવૂડના લોકપ્રિય સિંગર સચેત ટંડન અને પરંપરા ઠાકુરએ આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું.

સચેતએ જણાવ્યું હતું કે, ગીત સંગીત હોય કે અન્ય કોઇ પણ ક્ષેત્ર હોય જ્યારે તમે કામમાં ડૂબીને કામ કરો છો તો સફળતા મળે જ.

દરમિયાન તેમના સુપરહિટ થયેલા સોંગ રાંઝણ...રાંઝણ...ના મ્યુઝિકમાં પિયાનો થીમની કોપી અંગે તેમના ઉપર થયેલા આક્ષેપ અને વિવાદ મામલે પ્રશ્નો પૂછાતા તેમણે પ્રત્યુતરમાં કહ્યું હતું કે, જ્યારે તમને સફળતા મળે ત્યારે ચાહકોનો પ્રેમ પણ મળે અને તમારી સામે આંગળી ઉઠાવતા લોકો પણ મળે જ. અમુક લોકો હકીકત સમજ્યા વિના એકતરફી સ્ટોરી ઘડી કાઢતા હોવાનું પણ સચેતે ઉમેર્યું હતું. અલબત્ત ત્યારબાદ તેમણે આ મુદ્દે ચર્ચા કરવાનું ટાળ્યું હતું.

જ્યારે પરંપરાએ જણાવ્યું હતું કે, ગુજરાતી ભાષા ખુબ મીઠી છે અને ગુજરાતી લોકો પ્રેમાળ છે. પુરા ભારતમાં ગુજ્જુ નંબર વન છે. રાજકોટ શહેર તેમને ખૂબ ગમ્યું હોવાનું જણાવી આજે સવારે રાજકોટની સુપ્રસિદ્ધ દુકાને ફાફડા ગાંઠિયા, જલેબી અને ખાંડવીનો બ્રેકફાસ્ટ કર્યાનું જણાવી ઉમેર્યું હતું કે તેમની ટીમમાં પણ અનેક ગુજરાતી મેમ્બર્સ હોય તેઓ ગુજરાત અને રાજકોટની સંસ્કૃતિથી અમુક અંશે વાકેફ છે. રાજકોટના આઇસ ગોલા ખૂબ પ્રખ્યાત હોય ઇવેન્ટ પૂર્ણ થયા બાદ ગોલા ખાવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી.

ઉપરોક્ત પ્રેસ કોન્ફરન્સ અંતર્ગત મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ભાઇ ઠાકર, શાસક નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષના દંડક મનિષભાઇ રાડિયા તેમજ સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા ઉપસ્થિત રહ્યા હતા.

રેસકોર્સ મેદાનમાં આજે રાત્રે યોજાનાર સચેત અને પરંપરાની મ્યુઝિકલ નાઇટનો પ્રારંભ કાલભૈરવ સ્ત્રોતથી કરશે તેમ બંનેએ જણાવ્યું હતું. જ્યારે ઇવેન્ટની પૂર્ણાહુતિ વંદે માતરમ્ સાથે થશે તેમ મ્યુનિ. અધિકારીઓ અને પદાધિકારીઓએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application