આખરે સાની ડેમ તોડવાનું શરુ: નવો બંધ બનાવાશે

  • April 03, 2021 10:23 PM 

દ્વારકાની જીવાદોરી જેવું ડેમ ક્ષતિગ્રસ્ત બન્યા બાદ તોડવાનો નિર્ણય લેવાયો હતો: ત્રણ વર્ષથી ડેમ ભરવાનું બંધ હતું: 2022 સુધીમાં નવો ડેમ બની જશે: ત્યાં સુધી ઓખા-કલ્યાણપુરના 110 ગામને નર્મદાના નીર પૂરા પડાશે

દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે જીવાદોરી સમાન સાની ડેમ છેલ્લા કેટલાંક વર્ષોથી જર્જરિત બન્યા પછી છેલ્લા ત્રણથી આ ડેમમાં વરસાદી પાણી એકત્રિત કરવાનું તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યું હતું. દરમિયાન સરકારની યોજના અનુસાર જર્જરિત થયેલા સાની ડેમને ફરીથી નવો ડેમ બનાવવાની યોજના સંદર્ભે આજથી વહિવટી તંત્ર દ્વારા આ ડેમને તોડી પાડવાની કામગીરી આરંભવામાં આવી છે. જ્યારે નવો ડેમ 2022 સુધીમાં તૈયાર કરવામાં આવશે. તે સમયગાળા દરમિયાન ઓખા અને કલ્યાણપુરના 110 ગામને નર્મદાના નીર પૂરા પાડવામાં આવશે.

છેલ્લા ત્રણથી ચાર દાયકાથી અડીખમ રહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાની ડેમ છેલ્લા કેટલાક વર્ષોથી લિકેજ સહિતની ફરિયાદો પ્રકાશમાં આવવા પામી હતી. દરમિયાન વહિવટી તંત્ર દ્વારા આ ડેમની ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આ ડેમ જર્જરિત થઈ ચૂક્યો હોવાના રિપોર્ટ આવ્યા હતાં અને આ રિપોર્ટ સરકાર તેમજ લગત વિભાગના ઉચ્ચ અધિકારીઓને રવાના કરવામાં આવ્યા હતાં.

દરમિયાન સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ અને કલ્યાણપુરના 110 ગામને પાણી પૂંરુ પાડતાં આ ડેમની ગંભીરતાને પ્રાધાન્ય આપી જર્જરિત થયેલા સાની ડેમને નવો બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે એ ઉલ્લેખનિય છે કે, સાની ડેમ છેલ્લા ત્રણથી ચાર વર્ષથી ચોમાસાની ઋતુમાં ભરવામાં આવતો નથી. આ બાબત પણ સરકારે ગંભીરતાથી ધ્યાને લીધી છે.

સરકારી તંત્ર દ્વારા જૂના ડેમને તોડીને તેના સ્થાને નવો ડેમ તૈયાર કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ડેમને તોડી પાડવા માટે આવેલા ટેન્ડરને મંજૂર કરવામાં આવ્યા બાદ આ ડેમને તોડવા માટે આજ સવારથી વહિવટી તંત્ર દ્વારા બૂલડોઝર અને જરી મજૂરો સહિતની સાધન સામગ્રીઓ સાથે ડેમ પર પહોંચ્યા હતાં અને જર્જરિત થયેલા ડેમના કાટમાળને ખસેડવાની તેમજ તોડવાની કામગીરી આરંભી હતી.

સાની ડેમ અંગે વહિવટી તંત્ર દ્વારા આ ડેમ ત્રણ વર્ષથી ભરવામાં આવતો નથી અને સ્થાનિક લોકોની સમસ્યામાં અનેકગણો વધારો થવા પામ્યો છે. આ બાબતને ધ્યાને લઈ નવો ડેમ તૈયાર કરવાના ભાગપે જર્જરિત થઈ ગયેલા આ ડેમને તોડી પાડવાની કામગીરી શ કરવામાં આવી છે. આ ડેમને નવો તૈયાર કરવા માટે 2022ના વર્ષના અંત સુધીમાં કામગીરી પૂર્ણ થવનો અંદાજ દશર્વિવામાં આવ્યો છે.

સાની ડેમની નવી રચના થાય એટલાં સમયગાળા દરમિયાન ઓખા મંડળ અને કલ્યાણપુર તાલુકાના અંદાજે 110 ગામોને નર્મદાના નીર ઉપર આધારિત રહેવું પડશે અને વહિવટી તંત્ર દ્વારા આ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદાનું નીર પૂરુ પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેથી ગ્રામજનોને પીવાના પાણીની મુશ્કેલી વેઠવી પડે નહીં. પૂરજોશમાં આરંભવામાં આવેલી તોડી પાડવાની આ કામગીરી સંદર્ભે ગ્રામજનોમાં નવો ડેમ પણ સમયસર તૈયાર કરવામાં આવે એવી આશા સેવી રહ્યાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS