થર્ટી ફર્સ્ટના પગલે જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા ઠેર ઠેર ચેકીંગ

  • January 01, 2024 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલીંગ, વાહન ચેક કરાયા : ૧૪ પીધેલા અને ૭ દારુ કબ્જાના કેસ

જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂની પ્રવૃત્તિ અટકાવવાના ભાગરૂપે પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે, ત્યારે ૩૧ ડિસેમ્બર ની આગલી રાત્રે પણ પોલીસ દ્વારા જુદા જુદા ૧૭ જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, અને દારૂ નું સેવન કરવા તેમજ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ સહિતના ૨૧ કેસો નોંધવામાં આવ્યા હતા જેમાં ૭ કબ્જાના અને ૧૪ શખ્સો પીધેલા પકડાયા હતા એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા થર્ટી ફર્સ્ટના પગલે કોઇ અનીચ્છનીય બનાવ ન બને લોકો શાંતીથી ઉજવણી કરી શકે એ માટે એકશન પ્લાન ઘડી કાઢયો હતો અને શહેર જીલ્લામાં ૬૨ ટીમો તૈનાત કરવામાં આવી હતી જેના દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારો અને તાલુકા મથકોએ સધન ચેકીંગ કરવામાં આવ્યુ હતું.
 એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી ઝાલા તથા એલસીબી, એસઓજી અને જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન ઉપરાંત સિક્કા પોલીસ સ્ટેશન, તેમજ પંચકોશી એ. અને બી. ડિવિઝન, મેઘપર પોલીસ સ્ટેશન તેમજ જોડીયા પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટાફ દ્વારા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં થર્ટી ફર્સ્ટના પગલે દારૂ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા, સાથો સાથ હાઈવે રોડ પર વાહન ચેકિંગ તથા પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હોટલ, રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ ખાતે થયેલા આયોજનો પર નજર રાખવામાં આવી હતી.
જામનગરના રણજીતનગર પટેલ સમાજ પાસે રહેતા કોન્ટ્રાકટર હિતેશ કિશોર સંઘાણીને કેફી પ્રવાહી પીધેલી હાલતમાં નેકશન કાર નં. જીજે૧૦ડીજે-૬૩૮૮ સર્પાકાર રીતે ચલાવી નીકળતા પકડી લીધો હતો, જયારે સિકકા જીઇબી કોલોની બ્લોક ૪૦૨/૨ ખાતે રહેતા ભીખુ કાનજી કબીરાને પીધેલી હાલતમાં બાઇક નં. જીજે૩સીએચ-૨૩૪૩ ચલાવીને નીકળતા સિકકા પોલીસે પકડી લીધો હતો.
આ ઉપરાંત નવાગામ ઘેડ ઇન્દીરા સોસાયટીમાં રહેતા રીક્ષા ડ્રાઇવર ભાવેશ શાંતીલાલ ચૌહાણ, ભીમવાસમાં રહેતા નવિન ગીરધર વાઘેલા આ બંનેને કેફી પ્રવાહી પીધેલી હાલતમાં ભીમવાસ પાસેથી પકડી લીધા હતા, જયારે ટાઉનહોલ પાસે રહેતા મહેશ ચુની વડગામાને પીધેલી હાલતમાં ગુલાબનગર ચોકી રોડ પરથી, જાસોલીયા સોસાયટીના આસીફ અલારખા સાટી, નાગેશ્ર્વર કોલોનીના રમેશ કારુ સોલંકીને પીધેલી હાલતમાં પકડી લીધા હતા, રમેશ પાસેથી બે લીટર દેશી દારુ મળી આવ્યો હતો.
અન્ય દરોડામાં ભારતવાસમાં રહેતા મહેશ દેવજી ધૈયડાને પીધેલી હાલતમાં શાક માર્કેટ પાસેથી, ગુલાબનગર ઢાળીયે રહેતા વિજય પ્રભાત બાલાસરા અને નાગનાથ ગેઇટ મહેશ્ર્વરીનગરમાં રહેતા રામ જેઠા હાથીયા આ બંનેને પીધેલી હાલતમાં વેરશીવાડના ઢાળીયા પાસેથી દબોચી લીધા હતા.
ઉપરાંત મોટા આશાપુરા મંદિર નજીક રહેતા રમીઝ મોહમદ ગોરીને કેફી પીણું પીધેલી હાલતમા મોટકસાયકલ નં. જીજે૧૦ડીએલ-૦૨૩૯ ચલાવીને ધુંવાવનાકા પાસેથી દબોચી લીધો હતો, જયારે જોગવડ પાટીયે રહેતા રમેશ દેવશી વારસાકીયાને પીધેલી હાલતમાં પકડી લીધો હતો તેમજ મુરલીધર સોસાયટી-૪માં રહેતા રવિરાજસિંહ દિલીપસિંહ કંચવાને પીધેલી હાલતમાં સીએનજી રીક્ષા નં. જીજે૧૦ટીડબલ્યુ-૦૮૨૩ લઇને નીકળતા લાલપુર ચોકડી પાસેથી પકડી લેવાયો હતો જયારે જોડીયાના બાલંભા ગામના ઇદરીશ બાવલા બુચડને કેફી પીણુ પીધેલી હાલતમાં સ્પ્લેન્ડર નં. જીજે૫બીએસ-૪૭૩૦ લઇને નીકળતા માધાપર રોડ પરથી દબોચી લીધો હતો.
અન્ય દરોડામાં જામનગરના પુનીતનગરમાં રહેતી ગીતાબા ભરતસિંહ વાઘેલાને ત્યાથી ૪ લીટર દેશી દારુ મળી આવ્યો હતો, ગુલાબનગર પાણીના ટાકા પાસે રહેતી કાજલબેન રાયધન વાઘેલાના ઝુપડેથી ૩ લીટર દેશી દારુ મળી આવ્યો હતો સિઘ્ધાર્થનગરમાં ગુડીબેન કિશન વાંજાના રહેણાંક ઝુપડેથી ૪૦ લીટર આથો પોલીસે જપ્ત કર્યો હતો તેમજ બુટાવદર, સિકકા, શંકરટેકરી વિસ્તારમાં ઇંગ્લીશ દારુ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application