ટેકનોલોજીની દુનિયામાં અત્યાર સુધી અમેરિકાની સિલિકોન વેલીનું એકચક્રી શાસન ચાલતું હતું, પરંતુ હવે યુરોપના શક્તિશાળી દેશોએ ‘ડિજિટલ આઝાદી’ તરફ ડગ માંડ્યા છે. ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયા જેવા દેશોએ ડેટા સુરક્ષા અને ગોપનીયતાને ધ્યાનમાં રાખીને Zoom, Microsoft Teams અને Microsoft Office જેવા અમેરિકન સોફ્ટવેર પરની નિર્ભરતા ઘટાડવાનો ક્રાંતિકારી નિર્ણય લીધો છે.
ફ્રાન્સમાં 25 લાખ કર્મચારીઓ હવે વાપરશે ‘સ્વદેશી’ સોફ્ટવેર
ફ્રાન્સ સરકારે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૭ સુધીમાં તેના અંદાજે ૨૫ લાખ સરકારી કર્મચારીઓ ઝૂમ અને માઈક્રોસોફ્ટ ટીમ્સ જેવા વિડિયો કોન્ફરન્સિંગ ટૂલ્સનો ઉપયોગ બંધ કરશે. તેના બદલે તેઓ ફ્રાન્સની પોતાની સિસ્ટમ 'Visio' નો ઉપયોગ કરશે. ફ્રાન્સના સિવિલ સર્વિસ મંત્રી ડેવિડ અમિએલે સ્પષ્ટ કર્યું કે વૈજ્ઞાનિક માહિતી, સંવેદનશીલ ડેટા અને વ્યૂહાત્મક સંશોધનોને બિન-યુરોપિયન કંપનીઓના હાથમાં છોડી શકાય નહીં. સરકાર ઈચ્છે છે કે તમામ મહત્વની વાતચીત અને સરકારી દસ્તાવેજો યુરોપની સરહદોની અંદર જ સુરક્ષિત રહે.
ટ્રમ્પ સરકારના એક નિર્ણયે મચાવી હલચલ
યુરોપિયન દેશોમાં આ ચિંતા ત્યારે વધી જ્યારે અમેરિકાની ટ્રમ્પ સરકારે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત (ICC) ના એક અધિકારી પર પ્રતિબંધ લાદ્યા. ત્યારબાદ માઈક્રોસોફ્ટે તે અધિકારીની ઈમેલ સેવાઓ બંધ કરી દીધી હતી. આ ઘટનાએ યુરોપને વિચારવા મજબૂર કરી દીધું કે જો અમેરિકન કંપનીઓ કોઈ પણ સમયે સેવાઓ રોકી શકે છે, તો તેને ભવિષ્યમાં ‘હથિયાર’ તરીકે વાપરી શકાય છે. જો કોઈ વ્યાપારી કે રાજકીય તણાવ થાય, તો અમેરિકા યુરોપની ડિજિટલ લાઈફલાઈન કાપી શકે છે.
જર્મની અલગ રસ્તે
માત્ર ફ્રાન્સ જ નહીં, જર્મની અને ઓસ્ટ્રિયાએ પણ અમેરિકન સોફ્ટવેરને બાય-બાય કહેવાનું શરૂ કરી દીધું છે. જર્મનીના શ્લેસવિગ-હોલ્સ્ટીન રાજ્યમાં ૪૪,૦૦૦ કર્મચારીઓની ઈમેલ સેવાઓ માઈક્રોસોફ્ટથી હટાવીને ઓપન-સોર્સ સિસ્ટમ પર શિફ્ટ કરવામાં આવી છે. હવે ત્યાં Windows ઓપરેટિંગ સિસ્ટમને બદલે Linux અપનાવવા પર ગંભીર વિચારણા ચાલી રહી છે. ફાઈલ શેરિંગ માટે હવે માઈક્રોસોફ્ટ શેરપોઈન્ટને બદલે નેક્સ્ટક્લાઉડ જેવા ઓપન-સોર્સ વિકલ્પોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
માઈક્રોસોફ્ટનો બચાવ
બીજી તરફ માઈક્રોસોફ્ટનું કહેવું છે કે તેણે ICC ની સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી નથી અને તે યુરોપિયન સરકારો સાથે મળીને ડેટા સુરક્ષા પર કામ કરી રહ્યું છે. કંપનીનો દાવો છે કે તેમનો ડેટા યુરોપિયન સર્વર્સમાં જ રહે છે અને તે સ્થાનિક કાયદાઓનું પાલન કરે છે. જોકે, યુરોપિયન દેશો હવે 'ભરોસા' કરતા 'પોતાની ક્ષમતા' પર વધુ ધ્યાન આપી રહ્યા છે.