જામનગરમાં રોગચાળો બેકાબુ: તાવ, શરદી, ઉધરસના ૪૨૫ કેસ

  • November 23, 2023 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જી.જી.હોસ્૫િટલમાં ૧૭૫ અને ખાનગી હોસ્પિટલોમાં ૨૫૦ કેસ નોંધાતા લોકો ચિંતામાં: દરરોજ સરેરાશ ૩૫ થી ૪૦ દર્દી દાખલ થાય છે: ઓપીડીમાં ભીડ વધી

જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી વાયરલ ઈન્ફેકશનનું પ્રમાણ વધતાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સરકારી હોસ્પિટલમાં દર્દીઓની બેકાબુ ભીડ જોવા મળી રહી છે. તેવી જ સ્થિતિ ખાનગી દવાખાના, હોસ્પિટલની છે. ખાસ કરીને તાવ, શરદી, ઉધરસ ઉપરાંત છુટાછવાયા ડેન્ગ્યુનાં કેસ પણ નોંધાઈ રહ્યા છે.
પ્રવર્તમાન સમયમાં ઋતુ સંક્રમણ ઉપરાંત મચ્છર કરડવા, વગેરે જેવા વિવિધ કારણોસર રોગચાળાનું પ્રમાણ જામનગરમાં વધવા પામ્યું છે. જામનગરનાં તમામ સરકારી, ખાનગી દવાખાના હોસ્પિટલમાં દર્દીઓની બેકાબુ ભીડ જોવા મળી રહી છે, ખાસ કરીને તાવ, શરદી, ઉધરસ, મેલેરીયા ઉપરાંત અમુક કિસ્સામાં ડેન્ગ્યૂનાં કેસ પણ જોવા મળી રહ્યા છે. જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલમાં જ દરરોજ ૩૦૦૦ થી વધુ કેસની ઓપીડી રહેવા પામે છે. તેમાંથી ૮૦૦ થી ૯૦૦ કેસ ફક્ત મેડીસીન અને પીડીયાટ્રીક વિભાગનાં નોંધાઈ રહ્યા છે. તેમજ જુના દર્દી ઉપરાંત નવા ૧૦૦ થી વધુ દર્દીને સારવાર માટે દાખલ કરવાની ફરજ પડી છે. આમ જામનગરમાં સરેરાશ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યા છે. તથા ઘરે-ઘરે બિમારીનાં ખાટલા જોવા મળી રહ્યા છે.
જામનગરમાં ઠેર-ઠેર તાવ, શરદી, ઉધરસના કેસો જોવા મળે છે, હજુ પણ સવાર-સાંજ ઠંડી રહે છે, બપોરે ગરમીનો માહોલ જોવા મળે છે, તાપમાન ૧૮ થી ૨૨ ડીગ્રી વચ્ચે રહ્યા કરે છે, પરંતુ હવામાં ભેજ ૯૦ ટકા ઉપર હોવાથી મિશ્ર વાતાવરણ સાથે હવામાનમાં પલ્ટો જોવા મળે છે.
એસ.ટી. રોડ, વાલ્કેશ્ર્વરીનગરી, હવાઇચોક સહિતની ખાનગી હોસ્પિટલો તેમજ સમર્પણ હોસ્પિટલ, ઓશવાળ હોસ્પિટલ, ઇન્દુમધુ હોસ્પિટલ, રંગુનવાલા ટ્રસ્ટ હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં પણ ગળુ દુ:ખવું, અવાન બેસી જવો, વાયરલ ઇન્ફેકશન, તાવ, શરદી, ઉધરસના કેસો વધી ગયા છે, જેને કારણે ખાનગી હોસ્પિટલની ઓપીડીમાં ગીરદી વધી છે અને બે-બે કલાક સુધી વારો આવતો નથી.
જી.જી.હોસ્પિટલમાં પણ હાલત ખરાબ છે, બે દિવસમાં ૪૦૦ કેસ નોંધાઇ ચૂકયા છે, આજે પણ હોસ્પિટલની ઓપીડીમાં બેકાબુ ગીરદી જોવા મળી છે, ત્યારે ડોકટરોમાં પણ દોડધામ વધી ગઇ છે, દિવાળી બાદ મોટાભાગના ડોકટરો વેકેશનમાંથી બહાર આવી ગયા છે અને ફરજ ઉપર ચડી ગયા છે. જામનગર ઉપરાંત દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ રોગચાળો વઘ્યો છે, ખંભાળીયા, કલ્યાણપુર, જામજોધપુર, ભાણવડ, કાલાવડ, ધ્રોલ, જોડીયા, લાલપુર તેમજ જામરાવલ, ભાટીયા, સલાયા, ફલ્લા સહિતના ગ્રામ્ય મથકોમાં પણ પીએસસી કેન્દ્રોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે.
જી.જી.હોસ્૫િટલમાં ખાસ કરીને બહારગામના દર્દીઓ વધુ આવતા હોય છે, જેને કારણે ગીરદી પણ વધુ રહે છે, જો કે ડોકટરોના જણાવ્યા અનુસાર તાવ, શરદી, ઉધરસના લગભગ ૨૫ થી ૩૦ દર્દીઓને વધુ નબળાઇ હોય દાખલ કરવા પડે છે, આમ જામનગર જ નહીં સમગ્ર હાલારમાં રોગચાળો વધી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application