હાલારની સ્થાનીક સ્વરાજયની ૬ નગરપાલીકાની ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થઇ ગયું છે, ખાસ કરીને દ્વારકા શહેરમાં ભાજપે ૨ બોર્ડની તમામ અને એક વોર્ડની એક બેઠક બીનહરીફ મેળવી લીધી છે જયારે ભાણવડમાં ભાજપના ઉમેદવારોએ બે વોર્ડની આઠ બેઠક મેળવી છે, કારણ કે તેની સામે કોઇ ઉમેદવાર છે નહીં, કાલાવડમાં ભાજપની એક બેઠક બિનહરીફ થાય છે ત્યારે હવે કુલ છ નગરપાલીકામાં ભાજપે ૧૯ બેઠક પોતાના ખિસ્સામાં લઇ લીધી છે તેમ કહી શકાય. સલાયામાં ભાજપે ૨૮ બેઠકમાં ૧૩ બેઠક ઉપર ઉમેદવારો મુકયા છે, આમ હવે હાલારની ૬ નગરપાલીકાનું ચીત્ર સ્પષ્ટ થઇ ગયું છે, હાલ તો ભાજપનો હાથ ઉપર રહ્યો છે તેમ કહી શકાય.
હાલારના જે તાલુકામાં ચુંટણી થવાની છે તે નગરપાલીકામાં દ્વારકા નગરપાલીકામાં ૭ વોર્ડમાં ૨૮ બેઠક છે જેમાં ભાજપે ૯ બેઠક બિનહરીફ મેળવી છે, ઉમેદવારોની વાત લઇએ તો ભાજપના ૧૯, આપના ૯, કોંગ્રેસના ૧૦ અને ૬ અપક્ષો સહીત કુલ ૫૩ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.
સલાયાની વાત લઇએ તો ૭ વોર્ડની કુલ ૨૮ બેઠકો ઉપર ૯૭ ઉમેદવારો મેદાનમાં છે, કોંગ્રેસ, ઓવીસી અને આપ આ તમામ બેઠકો ઉપર ચૂંટણી લડી રહ્યા છે, જયારે બીજેપી ૧૩ બેઠક ઉપર ચૂંટણી લડી રહ્યું છે, સલાયામાં આ પહેલા ગયા વર્ષે કોંગ્રેસનું શાસન હતું.
કાલાવડ ભાજપનો ગઢ ગણાય છે અને અત્યાર સુધી નગરપાલીકામાં ભાજપે જ સતાની ધુરા સંભાળી છે જેમાં ૭ વોર્ડમાં ૨૮ બેઠકો માટે ભાજપની એક બેઠક બિનહરીફ થઇ છે, હાલમાં ભાજપના ૨૭, આપના ૧૨, કોંગ્રેસના ૨૭ અને ૧ અપક્ષ ઉમેદવાર ચૂંટણીના જંગમાં છે.
જામજોધપુરની વાત લઇએ તો ભાજપ અને કોંગ્રેસ ૨૮-૨૮ બેઠક ઉપર ચૂંટણી લડી રહ્યા છે, ૭ વોર્ડની ૨૮ બેઠકમાં આમ આદમી પાર્ટીના ૨૦ અને ૪ અપક્ષ સહિત કુલ ૮૦ ઉમેદવારો મેદાનમાં છે.
ભાણવડની વાત લઇએ તો ત્યાં પણ ૨ વોર્ડની તમામ બેઠકોમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે, એટલે કે ૮ બેઠકો ભાજપને મળી છે, કુલ ૬૨ ઉમેદવારો મેદાનમાં છે જેમાં ભાજપ-કોંગ્રેસ ૧૬-૧૬, આમ આદમી પાર્ટી ૧૪, બહુજન સમાજ પાર્ટી ૧૦ અને ૬ અપક્ષ ઉમેદવારો મેદાનમાં છેે.
ધ્રોલ નગરપાલીકાના ૭ વોર્ડમાં ૨૮ બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જંગ થશે, પરંતુ અહીંયા આપના ઉમેદવારોએ પણ ચૂંટણીમાં ઝૂકાવ્યું છે, જેમાં બસપાએ પણ ચૂંટણીમાં ઝુકાવ્યું છે અને ૧૦ ઉમેદવારો મેદાનમાં છે ત્યારે ૬ અપક્ષો થઇ કુલ ૭૫ ઉમેદવારો મેદાનમાં છે.
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં દ્વારકા શહેર ભાજપમાં હાથમાં રહ્યું છે, કુલ ૨૭ બેઠકમાં ભાજપ સામે કોઇ ઉમેદવાર નથી, જયારે ભાણવડની હાલત પણ ભાજપ માટે સારી છે ૮ બેઠકો ઉપર અન્ય પક્ષોએ ઉમેદવારો ન રાખતા ભાજપને ફાયદો થયો છે જયારે ભાજપનો ગઢ ગણાતા કાલાવડમાં ૧ બેઠક ભાજપે મેળવી છે. આમ કુલ ૨૭ બેઠકો ઉપર હવે ચૂંટણીનો જંગ જામશે. જો કે કાલાવડમાં આમ આદમી પાર્ટીએ ૧૨ બેઠકો ઉપર અને એક ઉમેદવાર અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે.