રાજ્યમાં સરની કામગીરી આગળ ધપી રહી છે. મતદાર યાદીને આખરી ઓપ આપવા માટે તડામાર તૈયારી થઈ રહી છે. ચોથી ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે પણ તે પહેલાં જ આખાય રાજ્યમાંથી કુલ મળીને 24.23 લાખ મતદારોના નામ કમી કરી દેવાયાં છે.
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (સર)ને પગલે હાલ ગુજરાતમાં અફરાતફરીના માહોલ પ્રવર્તી રહ્યો છે. મતદારોએ ફોર્મ ભરવા માટે દોડધામ મચાવી દીધી છે. હવે તો મતદાન મથકો પર જ ફોર્મ સ્વિકારવામાં આવી રહ્યાં છે. રાજકીય પક્ષોની પણ સક્રિયતાને લીધે SIRની કામગીરી વેગીલી બની છે. બીજી તરફ રાજ્ય ચૂંટણી પંચના મતે, અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા હોય તેવા 100,47 મતદારોના નામ રદ કરાયાં છે. જ્યારે વિદેશ ગયાં હોય, સરનામું હોય ત્યાં રહેતાં ન હોય તેવા 1.42 લાખ મતદારોના નામ કેન્સલ કરી દેવાયાં છે. આ ઉપરાંત એક સ્થળેથી બીજા સ્થળે ગયાં હોય તેવા 10.95 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરી દેવામાં આવ્યાં છે.
એક કરતાં વધુ સ્થળે મતદાર યાદીમાં નામ હોય તેવા 1.39 લાખ ડબલિયા મતદારોના નામ પણ કેન્સલ કરાયાં છે. મહત્ત્વની વાત એછેકે, બે સ્થળે મતદાર યાદીમાં નામ હોય તો જેલ અને દંડની જોગવાઈ છે તેમ છતાં હજુ મતદારોમાં ગુજરાતમાં રોજગારી અર્થે આવેલાં પરપ્રાંતિયો હાલ શંકાના ઘેરામાં છે.
ચૂંટણી પંચના પ્રચારના અભાવે ડબલિયા જાગૃતતાનો અભાવ પ્રવર્તી રહ્યો છે. મતદારો હજુય બેખબર રહ્યાં છે અને નામ રદ કરાવતાં નથી. રાજ્ય ચૂંટણી પંચે દાવો કર્યો છેકે, અત્યાર સુધી આખાય રાજ્યમાં મતદાર યાદીને લઇને કુલ મળીને 74 ટકા કામગીરી પૂર્ણ કરી લેવાઈ છે. ચોથી ડિસેમ્બરથી સુધીમાં બધીય કામગીરી આટોપી લેવામાં આવશે.