BREAKING NEWS

વીંછિયાના ગુંદાળા ગામની સીમમાં ટોર્ચના અજવાળે જુગાર રમતા આઠ ઝડપાયા

  • May 16, 2026 10:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ વીંછિયા પોલીસે ગુંદાળા ગામે સરકારી ખરાબા પાસે રાત્રીના ટોર્ચના અજવાળે જુગાર રમતા આઠ શખસોને ઝડપી લીધા હતાં. પોલીસે પટમાંથી રોકડ રૂ.૧.૨૭ લાખ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જયારે ભાયાવદર પોલીસે અરણી ગામની સીમમાં વાડીમાં જુગાર રમતા વાડી માલિક સહિત પાંચ શખસોને ઝડપી લીધા હતાં. જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, વીંછિયા પોલીસ મથકના પીઆઇ એ.સી.ડામોરની રાહબરી હેઠળ ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે ગુંદાળા ગામે બિલેશ્વર ડુંગર પાસે બુધાભાઇ નાજાભાઇ મિયાત્રાની વાડીના શેઢાની પાસે ખરાબાની જમીનમાં લીંબડાના ઝાડ નીચે જુગાર રમતા આઠ શખસોને પોલીસે ઝડપી લીધા હતાં. જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં મનસુખ માવજીભાઇ ઝાપડીયા(રહે. અજમેર તા. વીંછિયા), અજય અરવિંદભાઇ રાઠોડ(રહે. બાબરા), ઘનશ્યામ જસમતભાઇ બારૈયા(રહે. જસદણ), પ્રવિણ વિરજીભા નાગાણી(રહે.જસદણ) જસમત ખીમાભાઇ જેજરીયા(રહે. ગુંદાળા), હરી સુરેશભાઇ ખશીયા(રહે. બાબરા), પ્રવિણ હકાભાઇ ભુસડીયા(રહે. ગુંદાળા) અને વિજય વિનુભાઇ કામડ(રહે. બાબરા) નો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂ.૧,૨૭,૪૦૦ તથા ટોર્ચ લાઇટ કબજે કરી આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. જુગાર રમતા ઝડપાયેલા શખસો પૈકી ઘનશ્યામ બારૈયા, પ્રવિણ નાગાણી પ્રવિણ ભુસડીયા સામે અગાઉ પણ જુગારના ગુના નોંધાઇ ચૂકયા છે. પોલીસે કરેલી આ કાર્યવાહીમાં વીંછિયા પોલીસ મથકના પીઆઇ એ.સી.ડામોરના માર્ગદર્શનમાં હેડ કોન્સ. વિપુલભાઇ રાજપરા, પ્રકાશભાઇ કુકડીયા, મહેશભાઇ કોન્સ. સુરેશભાઇ કરમટા, બળવંતભાઇ ડાભી સાથે રહ્યા હતાં. જુગારના અન્ય દરોડામાં ભાયાવદર પોલીસે અરણી ગામની સીમમાં જીતુભાઇ ભાલોડીયાની વાડીમાં આવેલી ઓરડીમાં દરોડો પાડી અહીં જુગાર રમતા પાંચ શખસોને ઝડપી લીધા હતાં. જેમાં વાડીમાલિક જીતેન્દ્ર જેરામભાઇ ભાલોડીયા તથા સુરેશ ગોરધનભાઇ દલસાણીયા, વિનુ પ્રેમજીભાઇ તાળા, કપિલ વિનુભાઇ ઘુઘલ અને હિરા રામજીભાઇ વાઘનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂ. ૧૦,૧૨૦ કબજે કરી આ શખસો સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application