ખંભાળિયા શહેરમાં એકત્ર થતો કચરો ડમ્પિંગ સ્ટેશનમાંથી નિકાલ કરાવવા પાલિકા તંત્ર દ્વારા જહેમત

  • July 05, 2021 09:55 AM 

ખાનગી કંપનીઓના સહયોગથી કચરાના નિકાલ માટેની કાર્યવાહી કરાશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા શહેરમાં એકત્ર થતો કચરો જે શહેરથી દૂર એક ડમ્પિંગ સ્ટેશનમાં એકત્ર કરવામાં આવે છે, તેનો નિકાલ છેલ્લા ઘણા વર્ષોથી થયો નથી. આ અંગે પરિસ્થિતિ વધુ વણસે તે પૂર્વે નગરપાલિકા નવનિયુક્ત હોદ્દેદારો તથા સભ્યો દ્વારા આ મુદ્દે પ્રાધાન્ય આપી અને આ કચરાના નિકાલ માટેની કામગીરીનું મિશન હાથ ઉપર લીધું છે.

ખંભાળિયા શહેરમાં દરરોજ આશરે 16 ટન જેટલો પ્લાસ્ટિક તેમજ કચરો ફેંકવામાં આવે છે. જે નગરપાલિકાના 17 જેટલા નાના-મોટા વાહનોમાં ફેરા કરી અને શહેરથી આશરે આઠ કિલોમીટર દૂર સુમરા તરઘરી ગામે આવેલા ડમ્પિંગ સ્ટેશન ખાતે નિકાલ કરવામાં આવે છે.

સુમરા તરઘડી ગામ પાસે 40 વિઘા જેટલી જગ્યામાં આવેલા આ ડમ્પિંગ સ્ટેશનમાં છેલ્લા આશરે દસેક વર્ષથી કચરાનો નિકાલ થયો નથી. દાયકાઓ જૂના આ કચરાના કારણે સ્થાનિકોમાં પણ ચણભણાટ સાંભળવા મળ્યો છે. આ કચરાનો યોગ્ય નિકાલ થાય તે માટે નગરપાલિકાના નવનિયુક્ત હોદેદારો, સભ્યો તેમજ ચીફ ઓફિસર અને સ્ટાફની ટીમ દ્વારા આ મુદ્દે લક્ષ્ય લઈ, તાજેતરમાં ખંભાળિયા નજીક આવેલી નયારા કંપની સાથે આ મુદ્દે ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી અને આ કંપની દ્વારા આગામી દિવસોમાં શહેરનો દરરોજનો કચરો સંભાળી લેવા માટેની તૈયારી પણ દર્શાવવામાં આવી હતી.

આ માટે કંપની દ્વારા શહેરીજનોમાં જાગૃતિ લાવી, સુકો તથા ભીનો કચરો અલગ કરવા માટેના અવેરનેસ કાર્યક્રમ તેમજ સર્વે માટેની ટીમ મોકલી અને મશીનરી માથે મારફતે રનીંગ કચરો એકત્ર કરવાના મુદ્દેની ચર્ચાઓ પણ સત્તાવાહકો સાથે કરવામાં આવી હતી.

આ ઉપરાંત મીઠાપુર સ્થિત ટાટા કંપની દ્વારા પણ પાલિકાના હોદ્દેદારો સાથે મિટિંગ કરી તેમના દ્વારા પણ અગાઉનો તથા આગામી કચરો- પ્લાસ્ટિક તેઓ લઈ લેશે તેવી પ્રાથમિક ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

આમ, નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સ્ટેશનમાં કચરાના નિકાલના મુદ્દે વર્ષો જૂના પ્રશ્નને પ્રાધાન્ય આપી, આ સ્થાને હાલ અનિવાર્ય એવી એક કમ્પાઉન્ડ વોલ બનાવવાની જરૂરી તજવીજ તથા જેસીબી મારફતે આ સ્થળને યોગ્ય બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આમ, ડમ્પિંગ સ્ટેશનના વર્ષો જૂના કચરાના નિકાલના મુદ્દે પાલિકા તંત્રની જહેમત પણ આવકારદાયક બની રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)