ગુજરાતના સૌથી સંવેદનશીલ ગણાતા સિસ્મિક ઝોન-5માં આવેલા સરહદી કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વારંવાર આવતા નાના-મોટા આંચકાઓને કારણે કચ્છની ધરતી સતત ધ્રુજતી રહે છે, ત્યારે આજે ફરી ભચાઉ અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપ આવતા સ્થાનિક લોકોમાં થોડો સમય માટે ડર અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR)ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 મેગ્નિટ્યુડની માપવામાં આવી હતી. આ ભૂકંપનું મુખ્ય કેન્દ્રબિંદુ (એપી સેન્ટર) કચ્છના ભચાઉથી આશરે 14 કિલોમીટર દૂર નોંધાયું હતું. ભચાઉ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને આ આંચકો સ્પષ્ટપણે અનુભવાયો હતો, જેના કારણે કેટલાક લોકો સાવચેતીના ભાગરૂપે ઘરો અને ઓફિસોની બહાર દોડી આવ્યા હતા.
રાહતની વાત એ છે કે ભૂકંપની તીવ્રતા મધ્યમ હોવાને કારણે આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે માલસામાનના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. તંત્ર દ્વારા પણ લોકોને ગભરાવાની જગ્યાએ શાંતિ જાળવવા અને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ કચ્છ જિલ્લો ફોલ્ટ લાઇન પર આવેલો હોવાથી અહીં સમયાંતરે પૃથ્વીના પેટાળમાં થતી હલચલને કારણે આવા આંચકા આવતા રહે છે.