અહો આશ્ચર્યમ્: દ્વારકા જિલ્લાના અધિકારીઓ રજા પર હોય, મોરબી જિલ્લાના અધિકારીઓને ચાર્જ..!!

  • December 23, 2023 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૧૦ કિલોમીટર દૂર ચાર્જ સોંપાતા આશ્ચર્ય: સરકારી વહીવટનો નાદાર નમૂનો

રાજ્ય સરકાર દ્વારા જનતાનો સમય બચાવવા માટે આધુનિક ટેકનોલોજી અને ડિજિટલાઈઝેશન તથા ઓનલાઈન સિસ્ટમ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે સરકાર દ્વારા કરવામાં આવેલો એક હુકમ જાણે દાયકાઓ જૂની સિસ્ટમમાં લોકો પુન: આવી ગયા હોય તેવું ફલિત કરે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સીટી સર્વે સુપ્રીટેન્ડેન્ટ આગામી સમયમાં નિવૃત્ત થનાર હોય, તેઓ હાલ રજા પર ગયા છે. આ ઉપરાંત ડીસ્ટ્રીક્ટ લેન્ડ રેકોર્ડ ઇન્સ્પેક્ટર ડી.આઈ.આર.એલ. પણ રજા પર હોય, આ બંને જિલ્લા કક્ષાના મહત્વના અધિકારીઓનો ચાર્જ ખંભાળિયાથી આશરે ૨૧૦ કિલોમીટર દૂર મોરબી જિલ્લાના અધિકારીઓને સોંપવામાં આવ્યો છે.
આમ, આ જિલ્લા માટે ઇન્ચાર્જ અધિકારી છેક મોરબીથી ખંભાળિયા અપ-ડાઉન કરે, ત્યાં નોકરીના આઠ કલાક પૂરા થઈ જાય. આટલું જ નહીં, કોઈ મહત્વની કામગીરી હોય તો છેક ૨૧૦ કી.મી. દૂર મોરબી ધક્કો ખાવો અનિવાર્ય બની રહે છે...
દેવભૂમિ દ્વારકામાં હાલ દ્વારકા કોરિડોર, બેટ દ્વારકા કોરિડોર, સહિતના સરકારી કામો હાલ પ્રગતિ હેઠળ છે. જે માટે ડી.આઈ.એલ.આર. તથા સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટનું કામ મહત્વનું ગણાય છે. પરંતુ તેમનો ચાર્જ ખૂબ જ દૂર એવા મોરબી ખાતે આપવામાં આવ્યો હોય, મોરબીથી દ્વારકા પહોંચતા ૩૦૦ કી.મી. જેટલું અંતર થઈ જાય છે. તો આ પરિસ્થિતિમાં કામગીરી કરવી કેવી રીતે શક્ય છે? તેવો પ્રશ્ન પણ ઉઠવા પામ્યો છે.
હાલ દ્વારકા જિલ્લા માટે જામનગરના બદલે છેક મોરબીના અધિકારીને ચાર્જ સોંપવામાં આવતા ભારે આશ્ચર્ય ફેલાયું છે. આ પરિસ્થિતિમાં ઈન્ચાર્જ અધિકારી મોરબીથી ૨૧૦ કિલોમીટર દૂર ખંભાળિયા કે તેથી વધુ દ્વારકા કેવી રીતે કામ પર આવે તે જોવું રહ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application