દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી. પોલીસે ડ્રોન કેમેરાની મદદથી ઝડપીને પાંચ માછીમારો સામે કરી કાર્યવાહી

  • June 24, 2024 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા શનિવારે ડ્રોન કેમેરાની મદદથી દરિયાકાંઠા વિસ્તારમાં ચેકીંગ તેમજ તપાસ કાર્યવાહી કરી હતી. જેમાં સલાયા નજીક માછીમારી કરી રહેલા પાંચ શખ્સો કેમેરામાં કેદ થઈ જતા આ તમામ સામે જાહેરનામા ભંગ સબબ ગુનો નોંધ્યો હતો.


દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને અનુલક્ષીને એસ.ઓ.જી. પોલીસ દ્વારા પણ દરિયા કિનારાના વિસ્તારો, લેન્ડિંગ પોઇન્ટ અવાવરૂ જગ્યાઓમાં પણ ચેકિંગ કાર્યવાહી કરી હાલ ચોમાસાની ઋતુમાં દરિયાકાંઠા વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદ વડે કામગીરી કરવામાં આવી હતી. આ ડ્રોન ચેકિંગ દરમિયાન કેટલાક શખ્સો પોતાની યાંત્રિક બોટ મારફતે સલાયા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માછીમારી કરતા હોવાનું ધ્યાને આવતા આ અંગેના લાઈવ વિડીયો ફૂટેજ નિહાળી અને એસ.ઓ.જી. પોલીસ અન્ય બોટ મારફતે આ સ્થળે પહોંચી ગયા હતા.


એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પી.આઈ. સીંગરખીયાના માર્ગદર્શન હેઠળ કોસ્ટલ તકેદારીના ભાગરૂપે સ્ટાફ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં રહેતા હસન અબ્દુલ હુંદડા, ઈનાયત અનવર ગંઢાર, ઉમર હુસેન ચમાડિયા, અયુબ કાસમ સુંભણીયા અને હુશેન ઓસમાણ ભાયા નામના પાંચ માછીમારોને ઝડપી લેવામાં આવ્યા હતા.


આ માછીમારોની પૂછતાછમાં તેઓએ ચોરી છુપીથી ચેરની ઝાળીઓની આડમાં લઈ અને માછીમારી કરી પરત આવ્યા અને કબુલાત આપી હતી હાલ દરિયામાં ભારે કરંટ હોવા છતાં પણ માછીમારી કરવાના પ્રતિબંધનું ઉલ્લંઘન કરીને પોતાની જિંદગી જોખમમાં મુકવા સબબ સલાયા મારીને પોલીસ મથકમાં ઉપરોક્ત તમામ પાંચ માછીમારો સામે જાહેરનામા ભંગ તેમજ ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. પી.આઈ. પ્રશાંત સીંગરખીયા, સલાયાના ઈન્ચાર્જ પી.આઈ. વી.એન. સીંગરખીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, ઓમદેવસિંહ જાડેજા, પીઠાભાઈ જોગલ, કિશોરસિંહ જાડેજા, હરદીપસિંહ જાડેજા અને વિપુલભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application