BREAKING NEWS

અબુ ધાબીના બરકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બહાર ડ્રોન હુમલો: ઇલેક્ટ્રિકલ જનરેટરમાં લાગી આગ; રેડિયેશનનું કોઈ જોખમ નહીં, તમામ યુનિટ સુરક્ષિત

  • May 17, 2026 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંયુક્ત આરબ અમીરાત (UAE) ના અલ ધાફરા (Al Dhafra) વિસ્તારમાં સ્થિત બરકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ (Barakah Nuclear Power Plant) ની બહાર એક ડ્રોન હુમલા બાદ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ હુમલો પ્લાન્ટની અંદરની સુરક્ષા સરહદની બહાર આવેલા એક ઈલેક્ટ્રિકલ જનરેટર પર થયો હતો. અબુ ધાબીના સત્તાધીશોએ તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે અને આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.


વૈશ્વિક તણાવ વચ્ચે પરમાણુ પ્લાન્ટની સુરક્ષાને લઈને ચિંતાઓ વધી છે, પરંતુ અબુ ધાબીના વહીવટી તંત્રે સ્પષ્ટ કર્યું છે કે આ હુમલાથી પ્લાન્ટની રેડિયોલોજિકલ સુરક્ષાને કોઈ અસર થઈ નથી અને પરમાણુ સુરક્ષા સ્તર સંપૂર્ણપણે સામાન્ય છે.


તકેદારીના પગલાં અને પ્લાન્ટની સ્થિતિ
ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. યુએઈની પરમાણુ નિયમનકારી સંસ્થા 'ફેડરલ ઓથોરિટી ફોર ન્યુક્લિયર રેગ્યુલેશન' (FANR) એ સત્તાવાર પુષ્ટિ કરી છે કે, આ આગના કારણે પાવર પ્લાન્ટની સુરક્ષા અથવા તેની આવશ્યક પ્રણાલીઓની સજ્જતા પર કોઈ માઠી અસર પડી નથી. પ્લાન્ટના તમામ પરમાણુ યુનિટ હંમેશાની જેમ સામાન્ય રીતે કામ કરી રહ્યા છે અને વીજ ઉત્પાદન ચાલુ છે.



​​​​​​​સત્તાવાળાઓની અપીલ

આવી સંવેદનશીલ ઘટનાઓ દરમિયાન સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવવાનું જોખમ રહેતું હોવાથી, અબુ ધાબીના સત્તાધીશોએ જનતાને ખાસ અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે નાગરિકોએ અફવાઓ કે વણચકાસાયેલી માહિતી પર વિશ્વાસ ન કરવો અને માત્ર સત્તાવાર અને અધિકૃત સ્ત્રોતો દ્વારા જાહેર કરવામાં આવતી માહિતીને જ સાચી માનવી. આ મામલે આગામી સમયમાં જે પણ અપડેટ આવશે તે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application