BREAKING NEWS

રાજકોટના સ્વાદના શોખીનો ચેતજો, ખાતા પહેલા જોઈ લો તમને પીરસાઈ છે આવું ભોજન, મવડીમાં ઢોસા સેન્ટર અને ગોંડલ રોડ પર રેસ્ટોરન્ટ સીલ

  • June 19, 2026 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે લાલઆંખ કરવામાં આવી છે. શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ખાણીપીણીની જગ્યાઓ પર જોવા મળતી ગંદકી સામે કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે ફૂડ વિભાગ દ્વારા વ્યાપક સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત નિયમોનું ઉલ્લંઘન કરતી પેઢીઓ સામે સીલિંગ અને દંડનીય પગલાં લેવામાં આવ્યા છે.  


મનપાની ટીમે ગોંડલ રોડ પર વૃધ્ધાશ્રમ સામે આવેલા પ્રખ્યાત શ્રી રામ ચાઇનીઝ & પંજાબી (રેસ્ટોરન્ટ)માં દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન ત્યાં અત્યંત ખરાબ પરિસ્થિતિ જોવા મળતા હાઈજેનિક કન્ડિશન જાળવવા માટે નોટિસ આપવામાં આવી હતી. આ સાથે જ સ્થળ પરથી આશરે ૧૦ થી ૧૨ કિલો જેટલો વાસી તેમજ અખાદ્ય ખોરાક મળી આવતા તેનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો અને આ પેઢીને મનપા દ્વારા સીલ કરી દેવામાં આવી છે.  


આ ઉપરાંત, મવડી બાયપાસ રોડ પર રિયલ પ્રાઇમની સામે આવેલા બાલાજી ઢોસા સેન્ટરમાં પણ ફૂડ વિભાગે કડક કાર્યવાહી કરી હતી. આ સેન્ટરમાં તદ્દન અનહાઈજેનિક કન્ડિશનમાં ખાદ્ય ચીજો બનાવવામાં આવી રહી હતી અને વાસી તેમજ અખાદ્ય ચીજોનો મોટો સ્ટોરેજ મળી આવ્યો હતો. આ ગંભીર બેદરકારી બદલ પેઢીને સીલ કરી, તંત્ર દ્વારા રૂ. ૧૦,૦૦૦ નો આકરો દંડ ફટકારવામાં આવ્યો છે, તેમજ પ્રોપર લાયસન્સ મેળવવા બાબતે કડક સૂચના આપવામાં આવી છે. અહીંથી અંદાજિત ૧૧૫ કિલોગ્રામ વાસી અને અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરાયો હતો.  


બીજી તરફ, મવડી ચોકડીથી બાપા સીતારામ ચોક ૧૫૦ ફૂટ રિંગરોડ, સર્વેશ્વરચોક, વર્ણીરાજ ફૂડ ઝોન (નેપલ્સ પીઝા), રેસકોર્સ રિંગ રોડ, સોરઠિયાવાડી સર્કલથી ભક્તિનગર સર્કલ સુધીનો ૮૦ ફૂટ રોડ, આઈ.ટી.આઈ. હોકર્સ ઝોન તેમજ આજી ડેમ ચોકડીથી માંડા ડુંગર અને રણુજા મંદિર પાસે કોઠારીયા મેઇન રોડ સહિતના વિસ્તારોમાં પણ સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. આ વિસ્તારોમાં કુલ ૬૩ પેઢી, રેસ્ટોરન્ટ અને હોકર્સ ઝોનની તપાસ કરવામાં આવી હતી, જેમાં ૨૬ પેઢીઓને હાઈજેનિક કન્ડિશન રાખવા બાબતે નોટિસ અપાઈ હતી અને કુલ ૨૬૦ કિલો વાસી જથ્થાનો નાશ કરી રૂ. ૭૪,૪૦૦ ની પેનલ્ટી વસૂલવામાં આવી હતી.  

ફૂડ વિભાગ દ્વારા માત્ર દંડ જ નથી કરાયો, પરંતુ ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના કુલ ૬ લૂઝ નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે. જેમાં નાનામવા રોડ પર આવેલ 'શ્રીજી મઠાવાલા' માંથી અમેરિકન ડ્રાયફ્રુટ શ્રીખંડ અને વેનીલા આઇસ્ક્રીમ, એરપોર્ટ રોડ પર આવેલ 'આશુતોષ કોઠી આઇસ્ક્રીમ' માંથી ડ્રાયફ્રૂટ ડીલાઇટ આઇસ્ક્રીમ અને રાવણા જાંબુ આઇસ્ક્રીમ, તેમજ અમીન માર્ગ પર આવેલ 'મહેશ વિજય ડેરીફાર્મ' માંથી પાઈનેપલ શ્રીખંડ અને મેંગો ચિપ્સ શ્રીખંડના સેમ્પલ મેળવીને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. મનપાની આ કડક કાર્યવાહીથી અખાદ્ય ચીજો વેચતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application