ગુંદાસરામાં ફાર્મ હાઉસમાં સગીરોની દારૂની મહેફિલ: રાજકોટના 9 વિદ્યાર્થી ઝડપાયા

  • October 28, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલ તાલુકાનાં ગુંદાસરા ગામની સીમમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી અહીં ચાલી રહેલી દારૂની મહેફિલ ઝડપી પાડી હતી. પોલીસે અહીંથી દારૂની મહેફિલ માણી રહેલાં રાજકોટનાં સગીર વયનાં 9 વિદ્યાર્થીઓ સહિત 14 શખસોને ઝડપી લીધા હતા. પોલીસે દારૂની 4 બોટલ અને બાઈટીંગનો સામાન સહિત 8892નો મુદામાલ કબજે કર્યો હતો.
દારૂનાં આ દરોડાની જાણવા મળતી મુજબ, રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ એસઓજીનાં પીએસઆઈ બી.સી.મિયાત્રા તેમજ એલસીબી અને એસઓજીની ટીમ નાઈટ કોમ્બીંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીનાં આધારે ગોંડલ તાલુકાનાં ગુંદાસરા ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં પોલીસે દરોડો પાડયો હતો.
પોલીસે અહીં ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણી રહેલાં 14 શખ્સોને ઝડપી લીધા હતા જે પૈકી 9 સગીર હોવાનું માલુમ પડયું હતું જયારે અન્ય આરોપીમાં તીર્થ મયુરભાઈ કણસાગરા (રહે.સત્યસાંઈ રોડ, રામધામ પાર્ક, રાજકોટ), દેવાંશ હિતેશભાઈ પાદરીયા (રહે.રાજ રેસીડેન્સી, નાનામવા, રાજકોટ), કરણજ કેયુરભાઈ મેઘપરા (રહે.સવંત સ્ટેટસ, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ), ધ્વનીલ કલ્પેશભાઈ શાહ (રહે.માલવીયાનગર શેરી નં.2, રાજકોટ) અને આશ્ર્વત મહેશભાઈ રાઠોડ (રહે.અનંત બિલ્ડીંગ પાછળ, વેસ્ટર્ન એપાર્ટમેન્ટ, કોટેચા ચોક, રાજકોટ)નો સમાવેશ થાય છે. પોલીસે અહીંથી દારૂની 4 બોટલ, દારૂની ખાલી 3 બોટલ તેમજ બાઈટીંગ સહિત 8892નો મુદામાલ કબજે કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, દારૂની મહેફિલ માણતાં ઝડપાયેલા 9 સગીર વિદ્યાર્થીઓ છે જયારે અન્ય આરોપીઓ પણ કોલેજનાં છાત્રો હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ મિત્રો શનિવારે રાત્રીનાં અહીં ફાર્મ હાઉસે ફરવા આવ્યા બાદ દારૂની મહેફિલની મજા માણી રહ્યા છે. આ ફાર્મ હાઉસ શાપરમાં કિચનવેરનું કારખાનું ધરાવનાર વિપુલ દામનજીભાઇ ખુંટનું હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application