સુરતમાં ડોક્ટરને તેની જ ઓફિસમાં એવો ઢીબ્યો કે ICUમાં દાખલ કરવો પડ્યો, રિસેપ્સનિસ્ટના હાથે કિસ કરી છેડતી કર્યાનો આક્ષેપ, જુઓ સીસીટીવી

  • January 30, 2025 05:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતમાં ડોક્ટરે હોસ્પિટલની જ રિસેપ્સનિસ્ટ સાથે છેડતી કર્યાની ઘટના સામે આવી છે.  શહેરના કાપોદ્રા વિસ્તારમાં હોસ્પિટલમાં રિસેપ્સનિસ્ટના હાથે કિસ કરી છેડતી કરતા લોકોનો બાટલો ફાટ્યો હતો અને ડોક્ટરને તેની જ ઓફિસમાં એવો ઢીબ્યો કે આઇસીયુમાં દાખલ કરવો પડ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ અંગે પોલીસે ડોક્ટર સામે છેડતીનો ગુનો નોંધ્યો છે. 


પ્રાપ્ત વિગત મુજબ, કતારગામ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક્સરે અને સોનોગ્રાફીમાં રિસેપ્સનિસ્ટ તરીકે કામ કરે છે. યુવતી રિસેપ્સનિસ્ટ તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે. આ યુવતીએ સરથાણા વિસ્તારમાં ફ્લોરલ વુમન હોસ્પિટલ ચલાવતા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર પ્રતિક માવાણી સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. ડોક્ટર દ્વારા હાથ પર કિસ કરીને છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.



મને પૂછ્યું હતું કે, તું મેરીડ છે કે અનમેરીડ
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, એક દર્દીની તપાસ ચાલી રહી હતી. ત્યારે સરથાણા જકાતનાકા ખાતે આવેલા ફ્લોરલ વુમન્સ હોપિટલના ડો. પ્રતિક માવાણી આવી ગયા હતા અને તેઓએ ચેર પર બેસી પેશન્ટની નળીની તપાસ ચાલુ કરી હતી. આશરે દસેક મિનિટ થઈ ગયેલી પરંતુ પેશન્ટની નળી ખુલતી ના હોવાથી હતાશ થઈને મારા ખંભા પર પોતાનું માથુ રાખી દીધું હતું. ત્યારબાદ માથું લઈ મને પૂછ્યું હતું કે, તું મેરીડ છે કે અનમેરીડ. જેથી મેં તેને કહ્યું કે, હું અનમેરીડ છું જેથી તેણે મને એવુ કહેલું કે, તારે મેરેજ કરવાના છે જેથી મેં તેને જણાવેલ કે હા મારે કરવાના છે.


તું મેરેજ ના કરતી કોઈની જિંદગી ના બગાડતી
વાતચીત દરમિયાન યુવતીને એવું કીધું કે, તું મેરેજ ના કરતી કોઈની જિંદગી ના બગાડતી. જેથી મેં તેને એવું કહેલું કે ના સર હું એવી નથી તે દરમિયાન ડો.પ્રતિકે મને ડાબા હાથ પર કીસ કરી મને ખંભાથી નીચેના ભાગે બચકું ભરવાની બે વખત ટ્રાય કરી, પરંતુ તેને મારૂ ટી શર્ટ દાંતમાં આવી જતું હતું. આ દરમિયાન પેશન્ટની નળી ખુલી જતા તપાસ પૂરી કરી હતી. ડો. પ્રતિક બહાર નિકળી ડોક્ટરની ઓફિસમાં ગયા હતા.


યુવતીના પરિવારજનોએ ડોક્ટરને માર માર્યો
ડોક્ટર દ્વારા છેડતી કરવામાં આવી હોવાની બાબત યુવતીએ પોતાના પરિવારજનોને જણાવી હતી. ત્યારબાદ યુવતીના પરિવારજનો ડોક્ટરની ઓફિસ ખાતે આવ્યા હતા. છેડતી બાબતે પૂછવામાં આવતા ડોક્ટરે તમે રૂપિયા પડાવવા આવ્યા છો એવું કહેતા યુવતીના પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા અને ડોક્ટરને માર મારવાનું શરૂ કર્યું હતું. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. ડોક્ટરને માર મારવાના પગલે માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.


ડોક્ટર પ્રતીક માવાણી સામે છેડતીનો ગુનો દાખલ
યુવતીની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસ દ્વારા ડોક્ટર પ્રતીક માવાણી સામે છેડતીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે ડોક્ટરને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી હાલ ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં સારવાર હેઠળ છે. જ્યારે કાપોદ્રા પોલીસ દ્વારા આ મામલે સીસીટીવી સહિતના પુરાવાઓ આધારે વધુ તપાસ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application