રેમડેસીવીર ઇન્જેક્શન પ્રકરણમાં જામનગરની સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલના ડોકટર સામે અંતે ગુનો નોંધાયો

  • May 10, 2021 01:48 PM 

તપાસમાં 22 ઇન્જેક્શન મળી આવ્યા છતાં સ્ટોકમાં નીલ બતાવી ખોટી માહિતી આપી: વહીવટી તંત્રની કામગીરી આખરે પોલીસે કરી

જામનગરની ભાગોળે આવેલા સ્વામીનારાયણ કોવીડ હોસ્પિટલમાં તાજેતરમાં જ રેમડેશીવીર ઈન્જેકશન મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં 22 ઇન્જેક્શન મળી આવ્યા હતા જ્યારે ડોક્ટર દ્વારા સ્ટોકમાં નીલ ઇન્જેક્શન હોવાની ખોટી માહિતી આપવામાં આવી હતી દરમિયાન આ પ્રકરણમાં વહીવટી તંત્રના ઠાગાઠૈયા બાદ આખરે પોલીસે હોસ્પિટલના સંચાલક ડોક્ટર સામે વિધિવત ફરિયાદ નોંધીને તપાસ આગળ વધારી છે.

જામનગર નજીક નાઘેડી પાસે આવેલી સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલ ખાતે રેમડેસીવીર ઇન્જેક્શનમાં ગોલમાલ ચાલી રહી છે એવી વિગતો મળતાં એસડીએમ આસ્થા ડાંગર અને ગ્રામ્ય ડીવાયએસપી કુણાલ દેસાઈ સહિતની ટુકડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જે તપાસ દરમિયાન 22 ઇન્જેક્શન મળી આવતા અને આ અંગે સ્ટોકમાં નીલ રિપોર્ટ દશર્વિવામાં આવ્યો હોય આથી જરૂરી રિપોર્ટ કરી તપાસને કોર્પોરેશનને સોંપવામાં આવી હતી. જોકે બે ત્રણ દિવસ સુધી આ પ્રકરણ આગળ વધ્યું ન હતું, આખરે તંત્રની કામગીરી પોલીસે કરવી પડી હતી અને જાતે ફરિયાદી બનીને જવાબદાર તબીબ સામે ફરિયાદ દાખલ કરી છે.

આ અંગેની વિગત અનુસાર, જામનગર પંચકોશી બી ડિવિઝનના એ એસઆઈ કરણસિંહ જાડેજા દ્વારા ફરિયાદી બનીને સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલના સંચાલક ડોકટર કેડી કારિયા તથા તપાસમાં ખૂલે તે ઈસમો સામે આઈપીસી કલમ 177 તથા ધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 52 તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 ની કલમ 3, 7 મુજબ ફરિયાદ નોંધી છે.

જે ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી ડોક્ટર કારીયા પોતે સ્વામિનારાયણ કોવીડ હોસ્પિટલના સંચાલક ડોકટર હોય અને હાલમાં કોરોનાના દર્દીને રેમડેસીવીર ઇન્જેક્શનની ખૂબ જરૂરિયાત હોય અને આ ઈન્જેક્શનનો આવશ્યક ચીજવસ્તુમાં સમાવેશ કરવામાં આવેલ હોય અને રેમડેસીવીરની બિનજરૂરી ઉપયોગ ન થાય અને જરૂરિયાતમંદ દર્દીને મળી રહે તે માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જામનગર અને જામનગર જિલ્લાના રેમડેસીવીર ઇન્જેક્શનની ફાળવણીનાં નોડેલ અધિકારી દ્વારા નિયમ મુજબ હોસ્પિટલ ના ડોક્ટર દ્વારા રજૂ કરવામાં આવતાં સારવારના કાગળ ધ્યાને લઇને જરૂરિયાત મુજબ હોસ્પિટલમાં ઇન્જેક્શન ની ફાળવણી કરવામાં આવતી હોય પરંતુ સ્વામિનારાયણ હોસ્પિટલના ડોક્ટર દ્વારા મરણ ગયેલ તેમજ ડિસ્ચાર્જ થયેલ તેમજ ઈજેક્શનના તમામ ડોઝ આપી દીધેલ દર્દીના નામે રેમડેસીવીર ઇન્જેક્શન મંગાવી હોસ્પિટલ ખાતે 22 ઇન્જેક્શન સ્ટોકમાં રાખ્યા હતા.

આ ઇંજેક્શન સ્ટોકમાં હોય પરંતુ ડોક્ટર દ્વારા સ્ટોક નીલ હોવાની ખોટી માહિતી આપી ઇન્જેક્શન મેળવવા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જામનગર શહેર અને જામનગર જિલ્લાના રેમડેસીવીર ઇન્જેક્શનની ફાળવણીના નોડલ અધિકારીની સમક્ષ ખોટી માહિતી રજૂ કરી ગુનો કર્યો હતો.

આ ફરિયાદના આધારે ગ્રામ્ય ડીવાયએસપી દેસાઈ ના માર્ગદર્શન હેઠળ પંચકોશી બીના પીએસઆઇ કાંટેલિયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે અને ફરિયાદના આધારે આરોપી ડોક્ટરને અટકમાં લેવા માટેની તજવીજ ચલાવવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ ખાતેની તપાસ બાદ બે દિવસ દરમિયાન કોઇ કાર્યવાહી નહીં થતાં અનેક તર્કવિતર્ક સર્જાયા હતા દરમિયાનમાં ખુદ પોલીસે ફરિયાદી બનીને કામગીરી આગળ ધપાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS