જામનગરમાં દિવાળી પર્વને લઇને બજારમાં રોનક જોવા મળી રહી છે. રેડીમેઇડ ક્લોથની ખરીદી તથા પરંપરાગત રીતે ટેઇલર દ્વારા નવા કપડા સિવડાવવાની પ્રક્રિયા નગરજનો કરી રહ્યા છે.
ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ જેવી વસ્તુઓમાં દિવાળી સ્પેશ્યલ ઓફર્સનો લાભ લેવા પડાપડી છે તો તહેવારોનાં શુકનવંતા દિવસોમાં પુષ્ય નક્ષત્ર તથા ધનતેરસ જેવા પર્વ પર સોના-ચાંદીની ખરીદી માટે પણ અગાઉથી આભૂષણોની પસંદગી થઇ રહી છે તો શુકનવંતા દિવસે ડિલેવરી મેળવવા વાહનોનાં બુકીંગ પણ થઇ રહ્યા છે.
મુખ્ય બજાર કહી શકાય એવા બર્ધન ચોક-લીંડી બજારમાં ભીડ ઉમટી પડે છે. શહેરીજનો ઉપરાંત આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકો પણ ખરીદી કરવા બર્ધન ચોક આવી રહ્યા છે.
વિવિધ મોલ - શોપીંગ સેન્ટરોમાં પણ ગ્રાહકોની વિશાળ સંખ્યા જોવા મળી રહી છે. આમ શહેરમાં દિવાળી પર્વને અનુલક્ષીને ખરીદીનો માહૌલ સર્જાતા તેજીનો વાયરો ફૂંકાયો છે.