BREAKING NEWS

ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળના જવાબોમાં વિસંગતતા, ‘લૉ ઓફ ડિમાન્ડ’નો મામલો હાઇકોર્ટ પહોંચ્યો

  • May 07, 2026 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ (જીએસએસએસબી) દ્વારા અર્થશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંત ‘લૉ ઓફ ડિમાન્ડ’ અંગે અલગ-અલગ ભરતી પરીક્ષાઓમાં વિરુદ્ધ જવાબોને સાચા ગણાતા વિવાદ ઊભો થયો હતો, જે અંતે ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો. આ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે 2024માં સંશોધન સહાયક (રીસર્ચ આસિસ્ટન્ટ)ની ભરતી પરીક્ષામાં એક એમસીકયુ પૂછાયો હતો. માગ (ડિમાન્ડ) અને ભાવ વચ્ચે શું સંબંધ છે? કેટલાક ઉમેદવારોએ વિકલ્પ બી સીધો સંબંધ પસંદ કર્યો હતો, જ્યારે બોર્ડની સત્તાવાર જવાબ કી મુજબ વિકલ્પ સી ‘ઉલ્ટો સંબંધ’ સાચો ગણાયો હતો.


ઉમેદવારોએ આ જવાબને પડકાર્યો કારણ કે 2016માં આ જ પદ માટે લેવાયેલી ભરતી પરીક્ષામાં જીએસએસએસબીએ ડાયરેક્ટ જવાબને સાચો માન્યો હતો. 2016ની આન્સર કી ચાર વખત સુધારવામાં આવી હોવા છતાં બોર્ડે ડાયરેક્ટ જવાબ જ યથાવત્ રાખ્યો હતો. અરજદારોના વકીલે દલીલ કરી કે અર્થશાસ્ત્રનો મૂળભૂત નિયમ આઠ વર્ષમાં બદલાઈ શકે નહીં અને બોર્ડની પોતાની વિસંગતતા તેના ગૂંચવણભર્યા વલણને દર્શાવે છે. તેથી શંકાનો લાભ ઉમેદવારોને મળવો જોઈએ.


2024ની પરીક્ષાની આન્સર કી ત્રણ વખત સુધારવામાં આવી અને 22 પ્રશ્નોના જવાબોમાં ફેરફાર થયો હતો, છતાં ‘ડિમાન્ડ પ્રાઈઝ રિલેશનશિપ’ અંગેનો વિવાદ યથાવત રહ્યો. બે ઉમેદવારો માત્ર એક ગુણ ઓછો હોવાને કારણે આગામી તબક્કા માટે લાયકાત મેળવી શક્યા નહોતા. સપ્ટેમ્બર 2025માં ગુજરાત હાઇકોર્ટે આ બંને ઉમેદવારોને ભરતીની આગળની પ્રક્રિયામાં ભાગ લેવાની તાત્કાલિક મંજૂરી આપી હતી અને સંભવિત અસરગ્રસ્ત આઠ ઉમેદવારોની નિમણૂક પર સ્ટે મૂક્યો હતો.


પછી આઠેય ઉમેદવારો કેસમાં જોડાયા અને વ્યસ્ત સંબંધને જ યોગ્ય જવાબ ગણાવ્યો. અંતે 23 એપ્રિલ 2026ના રોજ જીએસએસએસબીએ કોર્ટ સમક્ષ નિષ્ણાતનું અભિપ્રાય રજૂ કર્યું, જેમાં ઇન્વાર્સ જવાબ સાચો હોવાનું જણાવાયું હતું. સરકાર તરફથી આ નિષ્ણાત રિપોર્ટ ગુપ્ત હોવાનું કહેવામાં આવ્યું અને તેને સત્તાવાર રીતે રેકોર્ડ પર ન લેવા વિનંતી કરવામાં આવી.


જસ્ટિસ નિરઝર દેસાઈએ નિષ્ણાતના અભિપ્રાયને માન્ય રાખીને અરજી ફગાવી દીધી. કોર્ટે જણાવ્યું કે, શંકાની સ્થિતિમાં પણ લાભ પરીક્ષા આયોજક સંસ્થાને જ આપવો જોઈએ, ઉમેદવારોને નહીં.પરિણામે બંને ઉમેદવારો કટ-ઓફથી એક ગુણ ઓછા રહી ગયા અને ભરતીની આગળની પ્રક્રિયામાંથી બહાર થઈ ગયા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application