શિવરાજપુર બીચ ખાતે એડવેન્ચર અને સ્પોર્ટસ એકટીવીટીઝ છેલ્લા બે વર્ષ જેટલા સમયથી બંધ રહેતાં સહેલાણીઓમાં નિરાશા વ્યાપી છે.તાજેતરમાં નાતાલના મીની વેકેશનમાં લાખો પર્યટકોએ શિવરાજપુર બીચની મુલાકાત લીધી હોય આમ છતાં એડવેન્ચર અને સ્પોર્ટસ એકટીવીટીઝના શોખીન પ્રવાસીઓને શિવરાજપુરનો બ્લ્યુ ફ્લેગ બીચ માત્ર જોવા જ મળ્યો હોય અન્ય એકટીવીટીઝ માટે દ્વારકા આવેલ સહેલાણીઓમાં ભારે નિરાશા જોવા મળી હતી.
રાજ્યમાં અન્ય જગ્યાએ બનેલ દુર્ઘટના બાદ રાજયભરમાં વોટર સ્પોર્ટસ અને એડવેન્ચર સ્પોર્ટસ એકટીવીટીઝ પર રોક લગાવી દીધાની સાથે શિવરાજપુરમાં કરવામાં આવતી સ્કૂબા ડાઈવીંગ સહિત એડવેન્ચરસ અને સ્પોર્ટસ એકટીવીટી પર પણ બ્રેક લગાવી દીધાને આશરે બે વર્ષ જેટલા સમય થવા છતાં જટિલ લાયસન્સીંગ પ્રક્રિયાને લીધે હજુ સુધી અહીં સ્કૂબા ડાઈવીંગ એકટીવીટી શરૂ થઈ શકી નથી.
જાણકારોના મતે તાજેતરમાં સરકાર દ્વારા વોટર સ્પોર્ટસ અને એડવેન્ચર સ્પોર્ટસ એકટીવીટીઝના નિયમોની જટિલતાને લીધે સ્થાનીય તરવૈયા, સંસ્થાઓને લાયસન્સીંગ પ્રક્રિયામાં વિલંબ થઈ રહયો હોય હજુ સુધી સ્કૂબા ડાઈવીંગ સહિત અનેક એકટીવીટીઝ પુન: શરૂ કરી શકાઈ નથી.
જેથી સહેલાણીઓમાં વ્યાપક નિરાશા જોવા મળે છે. ઓકટોબરથી માર્ચમાં સ્કૂબા ડાઈવર્સ વધુ સારી રીતે દરીયાઈ સૃષ્ટિ નિહાળી શકતા હોય, વધુ પ્રમાણમાં સ્કૂબા ડાઈવર્સ શિવરાજપુર બીચની મુલાકાત લેતા હોય છે.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ડ્રીમ પ્રોજેકટસ પૈકીનો એક શિવરાજપુર બીચનો વિકાસ હોય અહીં કેન્દ્ર સરકારની સીધી દેખરેખમાં જિલ્લા પ્રવાસન વિભાગ દ્વારા બીચ ડેવલોપમેન્ટ એકટીવીટીઝ તથા ફેઈઝવાઈઝ વિકાસલક્ષી કામગીરી કરાઈ રહી છે ત્યારે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ટુરીસ્ટને આકર્ષતી સ્કૂબા ડાઈવીંગ એકટીવીટી માટે લાયસન્સીંગ પ્રક્રિયા સરળ બને તે માટે પગલાં લેવાય તેવી માંગો ઉઠવા પામી છે.
આ અંગે જણાવેલ કે, યાત્રાધામ દ્વારકામાં દર્શનાર્થે આવતાં યાત્રીકો ધાર્મિક દર્શન સાથે શિવરાજપુર બીચની મુલાકાતે પણ અચૂક જતાં હોય પર્યટકોની માંગ જોતાં અહીં વોટર સ્પોર્ટસ અને એન્ડવેન્ચરસ એકટીવીટીઝના દ્વાર સરળતાથી ખૂલે તેવા પગલા લેવાય તો આ ક્ષેત્રના પર્યટનને વેગ મળે તેમ છે.
શિવરાજપુર બીચ પ્રમાણમાં છીછરો અને સલામત હોય દર વર્ષે શિયાળા દરમ્યાન આ ક્ષેત્રમાં અરબી સમુદ્રના પાણી પ્રમાણમાં શાંત હોય અને દરીયાનું પાણી પણ સ્વચ્છ હોય એડવેન્ચર સ્પોર્ટસ એકટીવીટીઝને પસંદ કરનારા સેંકડો સહેલાણીઓ સ્થાનીય સ્કૂબા ડાઈવીંગ સંસ્થાઓની મદદથી દરિયાની અંદર સ્કૂબા ડાઈવીંગનો લુત્ફ ઉઠાવતા હોય હાલમાં બેક વર્ષથી લાયસન્સીંગ પ્રક્રિયામાં વિલંબને કારણે શિવરાજપુર બીચની મોજ માણવા આવતા ટુરીસ્ટ સ્કૂબા ડાઈવીંગના લુત્ફથી વંચિત રહી જાય છે.