BREAKING NEWS

રાજકોટમાં વેપારી સાથે 'ડીઝલ ઓટો કોર્પોરેશન'ના સંચાલકોની ૨૮.૫૦ લાખની ઠગાઈ

  • February 02, 2026 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં વધુ એક આર્થિક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઊંચા વળતરની લાલચે સ્કીમમાં રોકાણ કરાવી રાજકોટ ડીઝલ ઓટો કૉર્પોરેશનના સંચાલકોએ આકર્ષક વળતરની લાલચ આપી કાર એસેસિરીઝના વેપારી સાથે અંદાજે રૂા.૨૮.૫૦ લાખની ઠગાઈ વિશ્વાસઘાત કરતા એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ફરિયાદી નિમેશભાઇ જગજીવનભાઇ રૂઘાણી ઉં.વ. ૫૫, રહે. ૧-હરીહર સોસાયટી, કાલાવડ રોડ, રાજકોટ વાળા જેઓ ટાગોર રોડ પર આવેલી 'પુનીત કાર એસેસરીઝ' નામે વ્યવસાય કરે છે તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ, 'ડીઝલ ઓટો કોર્પોરેશન' નામની પેઢીના સંચાલકોએ તેઓને રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી હતી.

આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા કે તેઓ મિત્રો અને સંબંધીઓ માટે ખાસ સ્કીમ ચલાવે છે.જેમાં ૧૦ થી ૧૩ મહિનામાં મોટું વળતર મળશે. આ લોભામણી સ્કીમમાં ફસાઈને ફરિયાદીએ અલગ-અલગ બે સ્કીમોમાં કુલ રૂા. ૩૨,૦૦,૦૦૦ રોકડેથી રોકાણ કર્યું હતું. ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ શરૂઆતમાં ચેક દ્વારા ત્રણ હપ્તામાં કુલ રૂા. ૩,૫૦,૦૦૦ પરત કર્યા હતા ત્યારબાદ બાકી રહેતી રૂા. ૨૮,૫૦,૦૦૦ની મૂળ રકમ કે તેના પરનું વળતર પરત કરવામાં આવ્યું નહોતું.

આ રકમ પરત માંગતા આરોપીઓએ ગલ્લા તલ્લા કરતા અંતે છેતરપિંડી થયા અંગે નિમેશભાઇએ પોલીસનોસંપર્ક કર્યો હતો,પોલીસે 'ડીઝલ ઓટો કોર્પોરેશન' સાથે સંકળાયેલા મહેન્દ્રભાઇ મહેતા સંચાલક, હિતેષભાઇ મહેન્દ્રભાઇ મહેતા સંચાલક, નમનભાઇ હિતેષભાઇ મહેતા સંચાલક, ચંપકભાઇ (કર્મચારી) સામે ગુનો નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ પીઆઇ બી.વી. બોરીસાગરની રાહબરીમાં પોલીસ સબ ઇન્સપેકટર એચ.જે. સોલંકી ચલાવી રહ્યા છે.

સ્કીમની આડમાં વેપારીઓમાં ફરી ધમધમવા લાગ્યુ વિસિચક્ર !

રાજકોટમાં 80 થી 90ના દાયકામાં વીસીચક્રએ ચકચાર જગાવી હતી તે સમયમાં સામા કાંઠા અને સોની બજાર વિસ્તારમાં શેરીએ ગલીએ ઠેક ઠેકાણે વીસી ચક્ર ધમધમવા લાગ્યા હતા અને રાત પડ્યે કરોડો રૂપિયાનો ખેલ વીસીમા ખેલાતો હતો, આજે એ ડિવિઝનમાં નોંધાયેલા ગુનામાં પણ સ્કીમની પાછળ વીસી પ્રકરણ જ કારણભૂત હોવાનું સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે ડીઝલ ઓટો કૉર્પોરેશનનો સંચાલક હિતેશ ઉર્ફે ચિન્ટુ મહેતા વર્ષોથી આવી વીસી ચલાવી રહ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application