શાપર રેલવે ટ્રેક પાસે બાળકને આસી.લોકો પાયલોટએ ફેંકેલી પાણીની બોટલ છાતીમાં લાગતા મોત થયું હતું

  • April 24, 2025 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાપર નજીક રેલવેમાં પાટા પાસે મિત્રો સાથે રમતા 14 વર્ષીય બાળકને ટ્રેનમાંથી કોઈએ ફેંકેલી પાણીની બોટલ છાતીમાં લાગતા બેભાન થઇ ઢળી પડતા મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ કરતા પાણીની બોટલ એન્જીનમાંથી આસી.લોકો પાયલોટએ ફેંકી હોવાનું જોવા મળતા શાપર પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


પ્રાપ્ત વિગત મુજબ તા.1 એપ્રિલના એક વિચિત્ર બનાવથી 14 વર્ષીય બાળકનું મોત થયું હતું. તા.01/04 ના બપોરના સમયે મૂળ બિહારના અને હાલ શાપરમાં વેલ્ડિંગ કામ કરતા સંતોષ ધનશાહ ગોડઠાકરનો 14 વર્ષીય પુત્ર બાદલ સ્કૂલે ઈદની રજા હોવાથી મિત્ર સાથે વેરાવળ (શાપર) ઓમરીંગ કારખાનાની સામે રેલ્વે પાટા પાસે રમતો હતો ત્યારે ગોંડલથી રાજકોટ તરફ જતી ટ્રેનમાંથી કોઇએ પ્લાસ્ટીકની પાણી ભરેલી બોટલ ફેંકતા બાદલને છાતીમાં લાગતા બાદલ ત્યાંજ ઢળી પડતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે શાપર પોલીસે બેદરકારી અંગેનો અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી શાપર પોલીસ મથકના પીઆઈ આર.બી.રાણાની રાહબરીમાં પીએસઆઈ આર.ડી.સોલંકી અને ટીમે તપાસ શરૂ કરી હતી દરમિયાન બનાવ સ્થળ નજીક કારખાનામાં સીસીટીવી લાગેલા હોય તેના ફૂટેજ તપાસતા તા.31/03/2025 ના બપોરના પોણા ત્રણ વાગ્યાના અરસામાં ટ્રેન નંબર 19218 વેરાવળ બાંન્દ્રા નીકળી હતી અને ટ્રેનના એન્જીનમાંથી કોઇએ પાણી ભરેલ બોટલ ફેંકી હોવાનું જોવા મળતા ફુટેજના આધારે જેતલસર જંકશન ખાતે તપાસ કરતા ટ્રેન નં 19218 વેરાવળ બાંન્દ્રામાં પ્રથમ ડબ્બામાં (એન્જીનમાં) લોકો પાઇલોટ તથા આસીસ્ટન્ટ લોકો પાઇલોટ બેસતા હોય જેથી બન્નેની પૂછપરછ કરી હતી.


જેમાં આસીસ્ટન્ટ લોકો પાઇલોટ શીવરામ સુલતાનરામ ગુર્જર (રહે.જેતલસર જંકશન) એ પ્લાસ્ટીકની પાણીની બોટલ ટ્રેનમાંથી ફેંકી હોવાનું જણાવતા આસીસ્ટન્ટ લોકો પાઇલોટની કાયદેસરની ધરપકડ કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application