રાજકોટ ડેરીના ચેરમેન તરીકે વધુ અઢી વર્ષની ટર્મ માટે ગોરધન ધામેલિયા રિપીટ

  • April 12, 2023 03:44 PM 

રાજકોટ ડેરીના ચેરમેન તરીકે વધુ અઢી વર્ષની ટર્મ માટે ગોરધન ધામેલિયા રિપીટ
રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સઘં (રાજકોટ ડેરી)ના વર્તમાન ચેરમેનની અઢી વર્ષની ટર્મ પૂરી થવાના કારણે આગામી અઢી વર્ષની નવી ટર્મ માટે ચેરમેન ચૂંટી કાઢવા ડેરીના બોર્ડ ઓફ ડાયરેકટરોની આજે બેઠક મળી હતી અને વર્તમાન ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાને અઢી વર્ષની વધુ એક ટર્મ માટે ચેરમેનની જવાબદારી સોંપવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો.



પ્રાંત અધિકારી કે.જી. ચૌધરી આ મિટિંગમાં ચૂંટણી અધિકારી તરીકે હાજર રહ્યા હતા અને ચેરમેનની ચૂંટણી માટે એકમાત્ર ગોરધનભાઈ ધામેલીયા નું ફોર્મ આવ્યું હોવાથી તેને બિનહરીફ સર્વાનુમતે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.



નવા ચેરમેન કોણ બનશે તે મામલે છેલ્લા બે દિવસથી વર્તમાન ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા અને પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાના નામ બોલાતા હતા. ભાજપના નિરીક્ષકો દ્રારા યારે સેન્સ લેવામાં આવી ત્યારે જયેશભાઈ રાદડિયા અને પાર્ટી કહે તે માન્ય રહેશે તેવી મતલબની સેન્સ આપવામાં આવી હતી. આજે પ્રદેશ ભાજપમાંથી ગોરધનભાઈ ધામેલીયાના નામનો મેન્ડેટ આવતા તમામ સભ્યોએ તેને વધાવી લીધો હતો. ડેરીના ડાયરેકટર અને પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયાએ વધુ એક ટર્મ માટે ચેરમેન તરીકે ચૂંટાયેલા ગોરધનભાઈ ધામેલીયા ને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર, પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ડોકટર ભરતભાઈ બોઘરા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઈ રામાણી, રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, રાજકોટ ડિસ્ટિ્રકટ બેંકના વાઇસ ચેરમેન ઘનશ્યામભાઈ ખાટરીયા, સહકારી ક્ષેત્રના અગ્રણી અરવિંદભાઈ તાળા વગેરે એ પણ ગોરધનભાઈ ધામેલીયાને અભિનંદન પાઠવ્યા હતા.



ધામેલિયાના શાસનમાં બે વર્ષમાં ૪૮ કરોડનો નફો: નવી એક પણ ભરતી નહીં


પોતાની પ્રથમ ટર્મ દરમિયાન રાજકોટ ડેરીનો નફો બે વર્ષમાં ૪૮ કરોડ થયો છે. નવી એક પણ ભરતી આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલ નથી તેવી વાત બીજી ટર્મ માટે ચેરમેન તરીકે ચૂંટાયેલા ગોરધનભાઈ ધામેલીયા એ કરી હતી.
આગામી દિવસોમાં પણ આ મુજબ કામ કરીને ડેરીનો વિકાસ કરાશે તેવું વચન આપતા ગોરધનભાઈ ધામેલીયાએ જણાવ્યું હતું કે પ્રથમ ટર્મ દરમિયાન બંને વર્ષે ૧૫% ડિવિડન્ડ આપવામાં આવ્યું છે. પ્રતિ કિલો ફેટ દીઠ ૬૦૫ ના બદલે પિયા ૭૧૯ નો ભાવ આપ્યો છે અને તેના કારણે બે વર્ષમાં ૩૯ કરોડ પિયા માલધારીને વધુ આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ પ્રતિ કિલો ફેટ દીઠ પિયા ૨૫ થી ૩૦ વધુ ચૂકવવાનો ટાર્ગેટ છે અને તેના કારણે ૨૨ થી ૨૫ કરોડની વધુ રકમ પશુપાલકોને મળશે. દૂધ સંપાદનમાં પણ ગયા વર્ષે ૧૧ ટકા અને આ વર્ષે પાંચ ટકાનો વધારો થયો છે.
ચેરમેન ધામેલીયા એ વધુમાં જણાવ્યું હતું કે દહીંનું વેચાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ૧૭૩ ટકા જેટલો વધારો દહીંના વેચાણમાં થયો છે. દૂધમાં નવ ટકા, છાશમાં ૩૭% અને ઘીમાં ૨૫% વેચાણ વધ્યું છે. સ્ક્રેપ મશીનરીના વેચાણ દ્રારા ૧.૧૦ કરોડની આવક થઈ છે.આ ઉપરાંત સોલાર પાવર સિસ્ટમ જેવી બાબતોના કારણે પણ ખર્ચ ઘટો છે.
દૂધની ગુણવત્તા બાબતે કોઈ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે તેમ જણાવી ગોરધનભાઈ ધામેલીયા એ કહ્યું હતું કે છેલ્લા અઢી વર્ષ દરમિયાન બે લાખ ચૌદ હજાર લિટર ભેળસેળ યુકત દૂધનો નાશ કરવામાં આવેલ છે અને ૪૪ લાખની પેનલ્ટી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application