દેવભૂમિ દ્વારકા જિલ્લાના કર્મનિષ્ઠ મહિલા કર્મયોગીઓ : કોરોનામાં પિતાની છત્ર છાયા ગુમાવ્યા પછી પણ ફરજને અગ્રીમતા

  • July 15, 2021 10:37 AM 

નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે ભાવિકાબેન તથા કારીબેન

    કોરોના બિમારીએ દેશ સાથે સમગ્ર વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોનાના કહેરથી લોકોને રક્ષવા અને કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજય સરકાર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. કોરોના સામેની આ લડાઈમાં રાજ્ય સરકારની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ફ્રન્ટલાઈન વોરીયર્સ એવા આરોગ્ય કર્મીઓ પણ લોકોને તકલીફ ન પડે તે માટે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યાં છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહિલાકર્મીઓ પણ ખભે-ખભા મિલાવીને કોરોનાના સંક્રમણને નાથવા તેમજ ગુજરાતને કોરોના મુક્ત બનાવવા સતત નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યાં છે.

        આવા જ એક મહિલા કર્મયોગી છે કારીબેને ગોજીયા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોવાણ પી.એચ.સી.ના શક્તિનગર-1 સબ સેન્ટરમાં મહિલા હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા કારીબેન હાલ સગર્ભા છે.તેમના પતિ કરશનભાઈ ચાવડા આઈ.સી.ડી.એસ. વિભાગમાં ફરજ બજાવે છે. પતિ-પત્ની બંને નોકરી કરી રહ્યાં છે. એવામાં સ્વભાવિક છે કે તેઓને ઘર કામને લઈને અનેક પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય. પરંતુ કારીબેન આવી પરિસ્થિતિમાં પણ મેટરનીટી લીવ ન મુકતા તેમની ફરજને અગ્રીમતા આપી કોરોના સામેની આ જંગમાં આરોગ્યકર્મી તરીકે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યાં છે.

કારીબેનના શબ્દોમાં કહીએ તો “આરોગ્ય કર્મી તરીકે લોકોને સમયસર આરોગ્યની સુવિધાઓ મળી રહે અને કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા તમામ રસીકરણનો લાભ લઈ વેક્શિન લે તે અમારી જવાબદારી છે. એવામાં આ મહામારીના સમયે હું એક આરોગ્ય કર્મી તરીકે ઘરે કેવી રીતે બેસી શકુ? અમે પતિ-પત્ની બંને સર્વિસ કરીએ છીએ. માટે ફરજ પર જતા પહેલા ઘર કામને લઈને ચિંતા થાય છે. પરંતુ “જનસેવા એ જ પ્રભ્રુ સેવા” ના સુત્રને સાચા અર્થમાં સાકાર કરતી આ ફરજના કાર્યને યાદ કરતા જ અનેરા આનંદ અને સંતોષની લાગણી અનુભવાય છે.”  

આવા સંકટના સમયે પણ ફરજને અગ્રીમતા આપી ફરજ બજાવતા બીજા મહિલા કર્મયોગી છે, ભાવિકાબેન મકવાણા. વડત્રા પી.એચ.સી. ખાતે આર.બી.એસ.કે. મહિલા હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા ભાવિકાબેન લોકોનું આરોગ્ય સારૂ જળવાઈ રહે અને કોરોના વાયરસના સંક્રમણને ફેતાલું અટકાવી શકાય તે માટે કોરોનાકાળમાં પણ સતત નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહ્યાં છે. પરંતુ આવા સમય દરમિયાન કોરોનાના કારણે તેમના પિતા અવસાન પામ્યા, અને માત્ર 23 વર્ષની ઉંમરે જ માતા અને નાના ભાઈના ભરણપોષણની જવાબદારી ભાવિકાબેનના ખભે આવી પડી

  કોરોના મહામારીની વિપરીત પરિસ્થિતિમાં પિતા ગુમાવ્યા છતાં પોતાની ફરજને અગ્રીમતા આપી ભાવિકાબેને ટુંક સમયમાં જ ફરજ પર પરત ફરી તેમનામાં રહેલી ઋજૂતાના દર્શન કરાવ્યા છે. તેઓ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાની કામગીરીના ભાગરૂપે રસીકરણ અને રસીકરણ અંગેની તપાસ તથા ધન્વંતરી રથમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યાં છે.

ભાવિકાબેનના તેમની ફરજને અગ્રીમતા આપી જનસેવા અર્થે ટુંકા સમયમાં જ ફરજ પર પરત ફરવાના આ કાર્યએ તેમનામાં રહેલી ફરજ પ્રત્યેની નિષ્ઠા અને લોકો પ્રત્યેની સંવેદનશીલતાના દર્શન કરાવ્યા છે.

      કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય તથા કેન્દ્ર સરકાર અને તેમના કર્મયોગીઓ સતત કર્તવ્યરત રહીને આપણા માટે જ કાર્ય કરી રહયા છે. ત્યારે જવાબદાર નાગરીક તરીકે લોકો સરકારના રસીકરણ મહા અભિયાન અન્વયે વેક્સિન લઈ અને અન્યને પણ વેક્સિન લેવા માટે પ્રેરીત કરીએ તથા કોરોનાના કહેર વચ્ચે આપણા માટે કાર્યરત કર્મનિષ્ઠ કર્મયોગીઓને બીરદાવે તે બાબતને ઈચ્છનીય ગણાવાઈ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS