શૈક્ષણિક ક્ષેત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લો અગ્રક્રમે: વીસ દિવસમાં 1211 વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો

  • June 30, 2021 10:15 AM 

કોરોના મહામારીમાં બચત ઉપરાંત જિલ્લામાં સરકારી શાળાઓનું સુધરતું શિક્ષણ સ્તર મહત્વનું કારણ: આગામી દિવસોમાં વધુ વિદ્યાર્થીઓ ખાનગીમાંથી સરકારી સ્કૂલમાં આવશે

દેવભૂમિ દ્વારકા જિલ્લો એ ગુજરાત રાજ્યનો જ નહીં, સમગ્ર ભારતમાં પણ એક છેવાડાનો જિલ્લો બની રહ્યો છે. જ્યાં અનેક ખૂટતી સુવિધાઓ તથા શિક્ષણનો અભાવ જીવન સ્તરને વધુ ઊંચું લઇ આવતા અવરોધે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉના વર્ષોમાં શિક્ષણનું કથળેલું સ્તર વાલીઓ સાથે જિલ્લાના લોકોમાં ચિંતાનું કારણ બની રહ્યું હતું. પરંતુ છેલ્લા વર્ષોમાં સ્થાનિક શિક્ષણ તંત્રની જહેમત તથા શિક્ષણની સુધરતી ગુણવત્તા સહિતના વિવિધ પરિબળો વચ્ચે આ વર્ષે ખાનગી શાળામાંથી સરકારી શાળામાં સત્ર શરૂ થયાના વીસેક દિવસમાં 1211 બાળકોએ પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો છે. તે બાબતને હકારાત્મક અને પ્રેરણા રૂપ માનવામાં આવે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પ્રાથમિક શિક્ષણ હાલ ટકોરાબંધ માનવામાં આવે છે. અહીંના જિલ્લા શિક્ષણ અધિકારી બી.એચ. વાઢેરના વડપણ હેઠળ જિલ્લામાં આવેલી કુલ 632 પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર ખૂબ જ ઊંચું આવ્યું છે. જેના પરિણામ સ્વરૂપે તાજેતરમાં સરકારી આંકડા મુજબ એકેડેમીક વર્ષ 2020-21 માં જિલ્લામાં સરેરાશ 45.10 ટકા પરફોર્મન્સ સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લો પ્રથમ સેમેસ્ટરમાં રાજ્યના તમામ 37 જિલ્લામાં  પ્રથમ ક્રમે આવ્યો છે.

આ વચ્ચે તાજેતરમાં શરૂ થયેલા શૈક્ષણિક સત્રમાં ખાનગી શાળાઓમાંથી સરકારી શાળામાં નોંધપાત્ર કહી શકાય તેટલા 1211 વિદ્યાર્થીઓએ પ્રથમ વીસ દિવસમાં પ્રવેશ લીધો છે. જેમાં અડધા-અડધ જેટલી સંખ્યા ખંભાળિયા તાલુકાની 532 તેમજ ભાણવડ તાલુકામાં 214, દ્વારકા તાલુકામાં 186, અને કલ્યાણપુર તાલુકામાં 279 વિદ્યાર્થીઓ હવે ખાનગી શાળાને અલવિદા કહી, અને સરકારી શાળામાં શિક્ષણ મેળવવા પ્રવેશ લઈ ચૂક્યા છે. ઉપરોક્ત સંખ્યામાં માધ્યમિક વિભાગમાં પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓનો સમાવેશ થતો નથી.

ખાનગી શાળાઓમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવવાનું મુખ્ય કારણ હાલ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોની આર્થિક પરિસ્થિતિ થોડી નબળી બનવા ઉપરાંત નાણાકીય બચતને મહત્વનું પરિબળ માનવામાં આવે છે. આટલું જ નહીં, ખાનગી શાળાઓની તોતિંગ ફી હવે અનેક વર્ગને પરવડતી નથી. આ વચ્ચે જિલ્લામાં શિક્ષણની સંપૂર્ણ લાયકાત ધરાવતા શિક્ષકોની નવી કરવામાં આવેલી ભરતી, શિક્ષણની ગુણવત્તા વધારવા માટે શિક્ષકો ઉપરાંત અધિકારીઓની ધગસ, દુરદર્શન મારફતે શરૂ કરવામાં આવેલા કોર્સ, વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અપાતા પાઠ્યપુસ્તક સહિતની સુવિધાઓ, વિગેરે બાબતથી પ્રભાવિત અનેક પરિવારો દ્વારા પોતાના સંતાનોનો સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ લેવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ નિયમિત રીતે ઓન-લાઈન શિક્ષણ આપવામાં આવે છે. આ ઉપરાંત એકમ કસોટી, મૂલ્યાંકન વિગેરે બાબતોથી વિદ્યાર્થીઓમાં શિક્ષણની રુચિ તથા સ્તર સુધારતા હવે સરકારી શાળાઓમાં શિક્ષણનું મહત્વ વધી રહ્યું હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે.

અહીંના શિક્ષણ અધિકારી કચેરી દ્વારા જિલ્લાના કુલ 239 ગામોમાં આવેલી 632 પ્રાથમિક શાળાઓમાં નિયમિત રીતે વીસી સહિતના માધ્યમથી લેવામાં આવતું ફોલો-અપ, દૂરદર્શન ચેનલના માધ્યમથી દરરોજ સવારે નવ થી પાંચ સુધી વિદ્યાર્થીઓને શિક્ષણનું થતું પ્રસારણ, વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક સાહિત્ય પૂરું પાડવા, ઉપરાંત વિવિધ પ્રકારની ઈતર પ્રવૃતિઓ, જ્ઞાનસેતુ એપ્લિકેશન મારફતે શિક્ષણ વિગેરે પરિબળોથી જિલ્લામાં શિક્ષણનું સ્તર સુધર્યું હોવા ઉપરાંત સાથે કોરોના સહિતના પરિબળોના કારણે સરકારી શાળાઓમાં પ્રવેશની સંખ્યા વધી રહી છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ ગત વર્ષે 1835 વિધાર્થીઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં આવ્યા હતા. જ્યારે આ વર્ષે પણ આ સંખ્યા વધીને ત્રણેક હજાર સુઘી પહોંચી જવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા શિક્ષણ પ્રત્યેના હકારાત્મક અભિગમ અને પ્રયત્નો પણ આ બાબતે સરાહનીય કહી શકાય.

અત્રે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક વાલીઓ તથા પરિવારો ખંભાળિયા કે અન્ય શહેરોની શાળાઓમાં શિક્ષણ આપવાને બદલે જામનગર કે રાજકોટ સુધી લાંબા થાય છે. પરંતુ હાલ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધર્યું છે અને આગામી સમયમાં પણ ખાનગી શાળાઓને ટક્કર મારે તેવું શિક્ષણ પ્રાપ્ય બને તો અનેક વાલીઓમાં હાશકારો સાથે ખર્ચમાં બચત થાય તેવો સુર પણ વાલીઓમાંથી ઉઠી રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS