દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના માછીમારોને દરીયાકાંઠે, ક્રિક વિસ્તારમાં જવા પર પ્રતિબંધ

  • June 01, 2021 11:01 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના જુદા જુદા બંદરોએથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે. સમુદ્રમાં ગયા પછી વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની અન્‍ય આગાહીઓ સબંધે આવા સમુદ્રમાં રહેલા માછીમારોને ચેતવણી પહોંચાડવી શકય હોતી નથી. આ ઉપરાંત જુન માસથી દરીયો તોફાની થઇ જાય છે. માછીમારોને સામાન્‍ય રીતે જુન માસથી સમુદ્રમાં માછીમારી માટે જવું વધુ જોખમભર્યું હોય છે. મત્સોદ્યોગ વિભાગ તથા પોર્ટ ઓફીસર દ્વારા આવા માછીમારોને મે માસથી સમુદ્રમાં જવા માટે પરવાનગી આપવામાં આવતી નથી. તેમ છતાં અનઅધિકૃત રીતે કોઇ માછીમાર માછીમારી માટે સમુદ્રમાં ચાલ્‍યા જાય અને વાવાઝોડા, વરસાદ કે ભારે પવનના કારણે સમુદ્ર તોફાની બને તેવા સંજોગોમાં સમુદ્રમાં ચાલ્‍યા ગયેલ માછીમારોના જીવનું જોખમ ઉભું થાય તેવો સંભવ છે.

જેથી આવા માછીમારોને ગેરકાયદેસર રીતે જતા અટકાવવા અનિવાર્ય હોય, આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટએ એક જાહેરનામુ પ્રસિધ્‍ધ કરી દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારના દરીયા કાઠેથી કે ક્રિક એરીયામાં કોઇપણ માછીમારોએ કે અન્‍ય કોઇ વ્‍યક્તિઓએ તા.1 જૂનથી તા.31 જુલાઈ સુધી માછીમારી માટે કે અન્‍ય કોઇ હેતુસર સમુદ્રમાં કે ક્રિક વિસ્તારમાં જવા પર અને કોઇપણ બોટની અવર જવર પર પ્રતિબંધ મૂક્યો છે.

આ જાહેરનામું પોર્ટ ઉપર આવતા વ્‍યાપારીક જહાજોને, લશ્‍કરી દળો, અર્ધ લશ્‍કરી દળો, ગુજરાત મેરીટાઇમ બોર્ડની બોટો, અજાડ ટાપુ તથા ઓખાથી બેટ દ્વારકા વચ્‍ચે અવર-જવર માટે સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરેલ પેસેન્‍જર બોટોને, નોન મોટરરાઇઝડ ક્રાફટ તથા પગડીયા માછીમારને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)