દેવભૂમિ દ્વારકા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશ અંગે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ

  • July 20, 2021 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લાના કુલ 174 ગામોમાં 2.05 લાખ રોપાનું વાવેતર તથા વિતરણ કરવામાં આવશે

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યાના અધ્યક્ષસ્થાને નાયબ વન સંરક્ષક આર. ધનપાલ, સામાજિક વનીકરણ વિભાગ, મદદનીશ વન સંરક્ષક એચ.એન. કંટારીયા તથા જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિના તમામ સભ્યો તથા ખાનગી સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમોની સાથે ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશ અંતર્ગત વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યાએ 72 મા વન મહોત્સવ દરમિયાન ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશ અન્વયે જિલ્લામાં આવેલ સરકારી કચેરીઓ, ખાનગી સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, સામાજિક સેવા સંસ્થાઓ તથા જિલ્લાના લોકો દ્વારા વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તેવા સૂચનો કર્યા હતા.

કોરોના મહામારી દરમ્યાન લોકોને હવે ઓક્સિજનનું સાચું મૂલ્ય સમજાયું છે- તેમ જણાવી નાગરિકોને વૃક્ષારોપણ કરી પ્રાણવાયુમાં વધારો કરવા પણ સાતત્યથી પ્રયત્નો કરવા જણાવ્યું હતું.

આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક આર.ધનપાલએ પણ  જિલ્લામાં આવેલ વન વિભાગની ખાતાકીય નર્સરીઓથી રોપા મેળવી ઉત્સાહથી વૃક્ષારોપણમાં ભાગ લે તથા જિલ્લામાં આવેલ તમામ સરકારી, બિનસરકારી સંસ્થાઓ પણ ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશમાં જોડાય તેવી અપીલ કરી હતી. 
આ તકે મદદનીશ વન સંરક્ષક એચ.એન. કંટારીયાએ વૃક્ષારોપણ અને વનીકરણ અન્વયે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અહીંના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે જિલ્લામાં વૃક્ષ રથ માટે કુલ 20 રૂટોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખંભાળિયા તાલુકામાં 3 રૂટ, કલ્યાણપુર તાલુકામાં 4 રૂટ, ભાણવડ તાલુકામાં 9 અને દ્વારકા તાલુકામાં 4 રૂટ દ્વારા જિલ્લાના કુલ 174 ગામોમાં 2.05 લાખ રોપાનું વાવેતર તથા વિતરણ કરવામાં આવશે. રૂટવાઇઝ સુ૫રવિઝન માટે વન વિભાગના ક્ષેત્રીય કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક ગામ વાઇઝ સરપંચ, આચાર્યા, અઘિકારી-૫દાઘિકારી તથા રેન્જ ફોરેસ્ટ ઓફીસર અને સ્ટાફના હસ્તે તથા લોકભાગીદારીથી સાર્વજનિક અને ઘાર્મિક તેમજ શૈક્ષણીક સંસ્થાઓની જગ્યાઓમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તેમ વધુમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)